Homeગુર્જર નગરીઅમદાવાદ આગ દુર્ઘટનાઃ થોડા દિવસ ફાયર સેફ્ટીની તપાસનું ડીંડક ચાલશે અને પછી...

અમદાવાદ આગ દુર્ઘટનાઃ થોડા દિવસ ફાયર સેફ્ટીની તપાસનું ડીંડક ચાલશે અને પછી બધું ભૂલાઈ જશે

જ્યારે જ્યારે ગુજરાતમાં આગની મોટી ઘટના બની છે તેમાં તંત્રની બેદરકારી સામે આવી છે, પછી એ સુરતમાં લાગેલી ટ્યુશન ક્લાસની આગ હોય, અમદાવાદની કોવિડ હોસ્પિટલમાં લાગેલી આગ હોય કે પછી ગઈકાલની જ અમદાવાદની કાપડની ફેક્ટરીની આગની ઘટના હોય.

અમદાવાદના પીરાણા-પીપળજ રોડ પર આવેલી કેમિકલ ફેક્ટરીમાં બ્લાસ્ટ બાદ લાગેલી આગમાં સાહિલ એન્ટરપ્રાઈઝ નામની કાપડની ફેક્ટરીમાં છત ધરાશાયી થતા 12 લોકોના જીવ ગયા છે, હજુ મોતનો આંકડો વધે તેવી શક્યતા છે. બ્લાસ્ટ એટલો ભંયકર હતો કે આસપાસમાં આવેલા 9 ગોડાઉનને અસર થઈ. કાપડના ગોડાઉન સહિત આસપાસના ગોડાઉનની છત ધરાશાયી થઈ ગઈ. ઘટનાની જાણ થતાં ફાયરની ટીમ દોડી આવી અને રેસ્ક્યૂ કામગીરી શરૂ કરવામાં આવી. જેમાં અત્યાર સુધી 12 લોકોના મોતની પુષ્ટિ કરવામાં આવી છે અન્યોને સારવાર અર્થે ખસેડાયા છે.

બ્લાસ્ટ કેટલો ભયંકર હશે તેનો અંદાજો તમે નીચે આપેલી તસ્વીર પરથી લગાવી શકો છો. છત ભાંગીને ભુક્કો થઈ ગઈ હતી. ફાયરની ટીમની મદદે રેસ્ક્યુ માટે એનડીઆરએફની ટીમ પહોંચી હતી.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દુર્ઘટના અંગે ટ્વિટ કરીને દુઃખ વ્યક્ત કર્યું છે. વડાપ્રધાનના ટ્વિટ બાદ સ્થાનિક તંત્ર સફાળુ જાગ્યું હતું. આટલી મોટી આગની ઘટના શહેરમાં બની છતાં શહેરના પ્રથમ નાગરિક ગણાતા અમદાવાદના મેયર બિજલબેને ઘટના સ્થળની મુલાકાત લેવાની તસ્દી પણ ન લીધી. મેયર ઉપરાંત ડેપ્યુટી મેયર, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન કે પછી શાસક પક્ષના એકપણ નેતાના પેટનું પાણી ન હલ્યું. મ્યુનિસિપલ કમિશનર સહિતના એક પણ ઉચ્ચ અધિકારી ઘટના સ્થળે ડોકાયા નહીં.

વડાપ્રધાનના ટ્વિટ બાદ મેયર બેનને મોડે મોડે ભાન થયું અને છેક સાંજે 6 વાગ્યે એલજી હોસ્પિટલે દુર્ઘટનામાં ઇજાગ્રસ્ત થયેલા લોકોને મળવા પહોંચ્યા હતા. પત્રકારો સાથેની વાતચીતમાં બીજલબેને ઘટનાને સામાન્ય ગણાવી હતી અને પત્રકારોને કહ્યું હતું કે, ઈજા પામેલા લોકોની સારવાર અગત્યની છે. આટલું કહીને મેયરશ્રીએ ચાલતી પકડી હતી.

રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ દુર્ઘટના અંગે સંવેદના વ્યક્ત કરી તપાસના આદેશ આપ્યા છે અને બે ઉચ્ચ અધિકારીઓને તાત્કાલિક તપાસ કરવા કહ્યું છે, મુખ્યમંત્રીએ દુર્ઘટનામાં જીવ ગુમાવનારના પરિવારને 4-4 લાખ રૂપિયાની સહાયની જાહેરાત પણ કરી છે.

પીરાણા-પીપળજ રોડ પરની સાહિલ એન્ટરપ્રાઈઝ નામની કેમિકલ ફેક્ટરીમાં બ્લાસ્ટ થયો હતો. તે ગેરકાયદે ચાલતી હોવાનું સામે આવ્યું છે. ગેરકાયદે ચાલી રહેલી કેમિકલ ફેક્ટરીમાં થયેલી આ દુર્ઘટના બાદ તંત્ર પર સવાલો ઉઠી રહ્યા છે. આમ જોવા જઈએ તો જેટલી બેદરકારી ફેક્ટરી માલિકની છે તેટલી જ તંત્રની પણ છે. આવી અનેક ફેક્ટરીઓ ગેરકાયદે ધમધમી રહી છે. તંત્રને જાણ હોવા છતાં આંખ આડા કાન કરવામાં આવી રહ્યા છે અને અંતે આવી દુર્ઘટનામાં નિર્દોષ લોકોને જીવ ગુમાવવાનો વારો આવે છે.

રાજ્યમાં જ્યારે જ્યારે આગની મોટી ઘટનાઓ બની છે ત્યારબાદ જ તંત્રની કામગીરી જોવા મળી છે. સુરત તક્ષશિલા અગ્નિકાંડ હોય કે પછી અમદાવાદની કોવિડ હોસ્પિટલમાં લાગેલી આગ. દુર્ઘટના બાદ જ તંત્ર સફાળુ જાગીને ફાયર સેફ્ટી ચકાસવા નીકળી પડતું હોય છે. થોડા દિવસ તપાસનું ડીંડક ચાલે. પછી જેમ હતું તેમ. ત્યારે આ દુર્ઘટનામાંથી સત્તાધિશો અને અધિકારીઓ કેટલી શીખ મેળવે છે તે જોઈએ.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments