તે હે ચાબુક એ દિવસે હું મારી ભેંસનું તાજુ દૂધ કાઢીને અમદાવાદ જવા ઉપડેલો. મને થયું કે મોટેરા સ્ટેડિયમે જઈને ટ્રમ્પભાઈને મારી ભેંસનું તાજુ દૂધ આપતો આવું. એ પણ ભલે વ્હાઈટ હાઉસમાં મોજુ કરતાં.
‘પછી તમે દૂધ દીધું?’
દેવા જતો હતો. જગમાલની દુકાને બીડી પીતો પીતો અમદાવાદની બસની રાહ જોતો હતો ને ત્યાં જગમાલે જ કીધું કે, ટ્રમ્પભાઈનું વિમાન આકાશમાં આડુ અવડુ થાશે તો દૂધ ઢોળાય જાશે. એટલે મેં એની વાત માની લીધી અને ગયો જ નહીં.
આજે ચાબુક ટ્રમ્પની વાત એટલા માટે કે અમેરિકાની ચૂંટણીમાં હવે ટ્રમ્પ આવે છે કે જાય છે, એ ખ્યાલ નથી આવી રહ્યો. લોકો કહે છે બાયડન આવે છે. ઘણા કહે છે ટ્રમ્પ પાછો આવે છે.
ને આમને આમ અમેરિકામાં પરિણામ અટવાય ગયું. મને તો પહેલાથી જ શંકા હતી કે અમેરિકામાં આવું થવાનું જ છે. આના કરતાં તો ભારતમાં સારું હતું. ફટાફટ પરિણામ તો આવી ગયું. વધારે હેરાન ન થવું પડ્યું. હવે તને તો ખબર છે કે ડોનાલ્ડ ટ્રમ્પ ઉઠતા બેસતા જૂઠ વધારે વખત બોલે છે. એણે ફરી વખત જીતનો જૂઠો દાવો કરી દીધો છે. એ કહે છે કે અમે જ જીતીએ છીએ.
ટ્રમ્પના નિવેદનો તો મને દિલ્હીની ચૂંટણી જેવા લાગે છે. મનોજ તિવારી ત્રણ વાગ્યા સુધી કહેતા હતા કે, બસ જીતીએ જ છીએ. જીતીએ જ છીએ. આખુ પરિણામ આવવા દો ભાજપની જ સરકાર બને છે.
મને તો બીક હતી ચાબુક કે મનોજભાઈ ક્યાંક બીજા દિવસે પણ ન બોલેત કે, અમે હજુ જીતીએ જ છીએ. હવે ટ્રમ્પ આવું જુઠ્ઠુ નિવેદન આપી રહ્યા છે. એમણે કહ્યું કે, ચૂંટણી પરિણામ અભૂતપૂર્વ રહ્યા છે. અમે આ ચૂંટણીને જીતવા માટે તૈયાર થઈ રહ્યા છીએ. જીતની ઉજવણીમાં મોટી સંખ્યામાં લોકો બહાર આવી રહ્યા છે. સાથે મટકુ મૂકી દીધું કે, ‘અમે તો જીતીએ જ છીએ.’
હવે તો મને બીક છે ચાબુક કે અમદાવાદમાં આવીને ટ્રમ્પ ભાઈ જેમ કેટલાક ભારતીયોના ખોટા નામ અને શાહરૂખ ખાનની ફિલ્મ DDLJ વિશે બોલ્યા હતાં, એમ હાર્યા પછી કહી ન દે, હાર કર જીતને વાલે કો બાજીગર કહેતે હૈ.
‘ટ્રમ્પ કહેતે હૈ ગોવાબાપા.’
હા તો ભલે એ રાખો. લોકશાહીમાં બધાને અધિકાર છે.
અત્યાર સુધીમાં નજર કરીએ ચાબુક તો ટ્રમ્પને 213 અને બાઈડન પાસે 227 ઈલેક્ટોરલ વોટ છે. કોઈ એકને પૂર્ણ બહુમતિ મેળવવા માટે 270 જોઈએ.
‘કુલ કેટલા હોય ગોવા બાપા?’
કુલ હોય 538
હું તને ન્યૂજર્સીની વાત કરું. તને ખ્યાલ હોય તો ટ્રમ્પ અમદાવાદ આવ્યા હતા. રંગારંગ કાર્યક્રમ મોટેરા સ્ટેડિયમમાં કરવામાં આવ્યો હતો. એ અમેરિકામાં બેઠા બેઠા વારેઘડીએ કહેતા હતાં કે લાખોની જનતા તો ખાલી રસ્તા પર મારું ઉદ્ધાટન કરતી જોવા મળશે.
એમના આંકડા એટલા વધારે હતાં જેટલી અમદાવાદની જનસંખ્યા નથી. ટ્રમ્પે અમદાવાદમાં બીજ વાવેલું જેના ફળ તેમને ન્યૂજર્સીમાં મળવાના હતા. થયું એવું કે પાક સરખો ન થયો અને આજે અમદાવાદ મુલાકાત લીધી હોવા છતાં ગુજરાતીઓએ તેમનો અસ્વીકાર કર્યો.
ટ્રમ્પ ન્યૂજર્સીમાં ઉંધેમાથ પછડાયા. જોકે બીજી એક જગ્યાએ જ્યાં ગુજરાતીઓ મોટી સંખ્યામાં છે એવા ફ્લોરિડામાં એમણે બાઈડનને ઉંધેમાથ પટકાવી દીધા. એટલે ચાલી સરખે સરખું રહ્યું છે.
મને તો લાગે આ ફ્લોરિડા નામ આપણે રાજકોટ બાજુ રિબડા આવ્યું ને એના ઉપરથી રાખ્યું હશે અને આ ન્યૂજર્સીમાં આગળ ખાલી ‘ન્યૂ’ છે, બાકી પાછળ જે જર્સી છે ને ? એ મારા પાક્કા ભેરુ અરશીના નામ પરથી જ અગડમ-બગડમ કરીને ગોઠવી દીધું હશે.
હવે ચાબુક તને તો ખ્યાલ છે કે ગુજરાત ભાજપનો ગઢ છે. જેને હજુ સુધી તો કોઈ છીનવી નથી શક્યું. એમ જ ટ્રમ્પનો ગઢ એરિઝોના થાય. આ ગઢ ટ્રમ્પ જીતશે એવું લાગતું હતું ત્યાં કાંગરા ખરી ગ્યા. આના પરથી મેં એક દુહો બનાવ્યો છે. સાંભળ ચાબુક
ન મળે શિકાર તો ગાંડી ગ્યરનો સાવજડો ઘાસ નો ખાય
એ ગઢ જૂનો એરિઝોના ટ્રમ્પભાઈને આંખ્યું સામે પડતો દેખાય
‘વાહ ગોવા બાપા આગળ ચલાવો હવે.’
હવે વિશ્વના રાજકારણમાં એવી વાતો થાય છે કે બાયડન જીતે કે ટ્રમ્પ આ બંનેને ચીનને પછાડવા હાટુ ભારતની જ જરૂર પડવાની છે. એશિયામાં ચીન પછી સૌથી મોટું રાષ્ટ્ર ભારત છે. ચીની ડ્રેગનની ગળચી પકડીને દબાવવો હશે તો એમને ભારતની જ જરૂર પડશે. છેલ્લા કેટલાય વખતથી અમેરિકા અને ચીનનું વેપારનું યુદ્ધ તો છે જ ચાબુક, એમાં આ કોરોનામાં બઘડાટીયું બોલેલી. એટલે હવે અમેરિકામાં પ્રેસિડેન્ટ કોઈ પણ પાર્ટીનો આવે એને ભારત પર નભવું જ પડશે.
સોશિયલ મીડિયા પર તો વાતો થવા માંડી છે કે, અમેરિકાની ચૂંટણીમાં આટલી વાર હોય ? અમારા મોટાભાઈ હોય ને તો અટાણે બેથી ત્રણ વખત ચૂંટણી જીતી ગયા હોય. એમેય કહે છે કે, ટ્રમ્પભાઈએ હવે અમિતભાઈને કહેવું જોઈએ. બાકી આમાં મેળ પડે એમ લાગતું નથી.
પણ તને તો ખબર જ છે કે નાદુરસ્ત તબિયતના કારણે અમિતભાઈએ બિહારમાંય એક પણ રેલી નથી કરી. કોઈ સભા કરી સંબોધન નથી કર્યું.
આપણે ચાબુક મૂળ વાત પર આવીએ. બાયડન બને કે ટ્રમ્પ એ તો હવે જ્યારે ખબર પડે ત્યારની ત્યારે, પણ ચાબુક હમણાં સાંભળ્યું છે કે આપણા તંત્રી ગુજરાતની ચૂંટણીનું પરિણામ આવવાનું છે એ દિવસે મને આખો દિવસ કામ પર લગાડવાના છે.
‘સાંભળ્યું તો મેં પણ છે.’
તો તો મારું ઠાઠુ ભાંગી ગ્યું.
(ગોવા બાપાની અનુભવી કલમે લખાયેલા રાજકારણના હાસ્ય-વ્યંગ અને કટાક્ષસભર સમાચારો વાંચતા રહો રોજ સાંજે)