Homeગુર્જર નગરીરાજકોટમાં મુખ્યમંત્રીએ અત્યાધુનિક કેથલેબ ખુલ્લી મૂકી, 25 ઈલેક્ટ્રિક બસને લીલીઝંડી આપી

રાજકોટમાં મુખ્યમંત્રીએ અત્યાધુનિક કેથલેબ ખુલ્લી મૂકી, 25 ઈલેક્ટ્રિક બસને લીલીઝંડી આપી

Team Chabuk-Gujarat Desk: મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલના વરદ હસ્તે આજરોજ રાજકોટની પી.ડી.યુ. હોસ્પિટલમાં રૂપિયા ૧૦ કરોડના ખર્ચે બનેલ નવીન કેથલેબ – કાર્ડિયોલોજી વિભાગને ખુલ્લો મુકવામાં આવ્યો હતો. આ વિભાગની શરૂઆત સાથે સૌરાષ્ટ્ર-કચ્છના લોકોને હવે હદયરોગની આધુનિક સારવાર રાજકોટ ખાતે જ મળતી થશે અને અમદાવાદ સુધી આવવાની જરૂર નહિ પડે. રાજ્ય સરકાર અંતર્ગત સિવિલ હોસ્પિટલ ખાતે રાજ્યમાં સૌ પ્રથમ આવી કેથલેબ રાજકોટમાં શરૂ થઈ છે. આગામી સમયમાં સુરત અને ભાવનગરમાં પણ આ સુવિધા મળતી થવાની છે.

આ તકે મુખ્યમંત્રીએ કેથલેબ વિભાગમાં ઉપલબ્ધ સુવિધાઓનું રસપૂર્વક નિરીક્ષણ કર્યું હતું તેમજ કાર્ડિયોલોજિસ્ટ મનદીપ ટીલાળા પાસેથી દર્દીઓને ઉપલબ્ધ કરાવાયેલી સુવિધા અને સારવાર સંબંધિત વિગતવાર માહિતી મેળવી હતી. ઉલ્લેખનીય છે કે સમગ્ર સૌરાષ્ટ્ર તેમજ કચ્છના દર્દીઓને નિઃશુલ્ક સારવાર પુરી પાડતી રાજકોટની સિવિલ હોસ્પિટલમાં પી.એમ.એસ.એસ.વાય. બિલ્ડીંગમાં પાંચમા માળે સુપર સ્પેશ્યાલિટી હ્રદય રોગ વિભાગમાં અતિ આધુનિક કેથ લેબ તેમજ 2D ઇકો સહિતની સુવિધાઓ ઉપલબ્ધ કરાવાઈ છે, જે  સૌરાષ્ટ્ર – કચ્છનાં હ્રદયરોગના દર્દીઓ માટે આશીર્વાદ સમાન બની રહેશે. આ અતિ આધુનિક કેથ લેબમાં એન્જીયોગ્રાફી, એન્જિયોપ્લાસ્ટી, પેસમેકર સહિત હૃદય સંબંધિત અન્ય તમામ બીમારીઓનું નિદાન તેમજ સારવાર આયુષ્માન કાર્ડ અંતર્ગત વિનામૂલ્યે કરવામાં આવશે.

હૃદય વિભાગની આ આગવી સુવિધાઓ અંગે સિવિલ અધિક્ષક ડો. આર.એસ. ત્રિવેદીએ જણાવ્યું હતું કે, અહીં કોરોનરી એન્જીયોગ્રાફિ, એન્જિયોપ્લાસ્ટી, હૃદયની નળીઓની દૂરબીન વડે તપાસ, હૃદયના પમ્પિંગમાં સુધારો કરવા માટેનું ડીવાઈસ, કોરોનરી ધમનીઓમાં સંકુચિત સ્ટેનોસિસ કેટલું ખરાબ છે તે શોધવા માટેની પ્રક્રિયા, હૃદય સંબંધિત ઇલેક્ટ્રિકલ સિસ્ટમમાં નિદાન સહિત સારવારની સુવિધા ઉપલબ્ધ બનશે. કેથલેબ વિભાગના સુચારુ સંચાલન અર્થે નિષ્ણાત કાર્ડિયોલોજીસ્ટ, કાર્ડિયોવાસ્ક્યુલર થોરેસિક સર્જન સહિત રેસિડેન્ટ ડોક્ટર, મેડિકલ ઓફિસર, નર્સિંગ સ્ટાફ, લેબોરેટરી સ્ટાફ સહિતની ટીમ ફરજ પર કાર્યરત રહેશે. 

આ તકે કેબિનેટ મંત્રી ભાનુબેન બાબરીયા, સાંસદ મોહન કુંડારિયા, સાંસદ રામ મોકરિયા, મેયર ડો. પ્રદીપ ડવ, ધારાસભ્ય ડો. દર્શિતાબેન શાહ, કલેકટર પ્રભવ જોશી, જિલ્લા વિકાસ અધિકારી દેવ ચૌધરી, સિવિલ અધિક્ષક ડો.આર.એસ. ત્રિવેદી, પીડીયુ મેડિકલ કોલેજ ડીન ડો. ભારતીબેન પટેલ સહિત વરિષ્ઠ અધિકારીઓ, અગ્રણી રાજુ ધ્રુવ, ડો. અમલાણી, ડૉ. ચિંતન મહેતા, રાજકોટ સિવિલ હોસ્પિટલના અગ્રણી ડોક્ટરો તેમજ સ્ટાફ ઉપસ્થિત રહ્યો હતો.

અત્યાધુનિક કેથલેબ-કાર્ડિયોલોજી વિભાગ

કેથલેબ- કાર્ડિયોલોજી વિભાગમાં ડિજીટલ મેમોગ્રાફી સીસ્ટમ, કમ્પ્યુટરાઈઝ્ડ રેડિયોગ્રાફી યુનિટ, ટી.એમ.ટી મશીન, કાર્ડિયોવાસ્ક્યુલર ઇલેક્ટ્રોફોરેસીસ અને રેડીયોફ્રિકવન્સી એબલેશન સીસ્ટમ, ૧૨ ચેનલ ઈ.સી.જી. મશીન, OCT & FR ઇન્ટિગ્રેટેડ સીસ્ટમ, હાઇ એન્ડ ઇકોકાર્ડિયોલોજી સીસ્ટમ, પોર્ટેબલ ઇકોકાર્ડિયોલોજી સીસ્ટમ, ઇકોકાર્ડિયોગ્રાફી સીસ્ટમ વીથ એડવાન્સ 2D ફેસીલીટી, સિંગલ પ્લેન કાર્ડિયોવાસ્ક્યુલર કેથેરીસેશન વીથ ડિજીટલ સબટ્રેકશન એનજીઓગ્રાફી લેબ, 3D મેપિંગ, પોર્ટેબલ કલર ડોપલર, 800 mA ડિજીટલ એક્સ-રે યુનિટ વીથ સિંગલ ડિટેક્ટર (ફ્લોર માઉનટેડ), કલર ડોપલર સીસ્ટમ 40, ફ્લેક્સિબલ સીસ્ટો નેફરોસ્કોપ, જનરલ સર્જરી ઇન્સ્ટ્રુમેન્ટ સેટ, મોબાઈલ સી-આર્મ ઇમેજ ઇન્ડેનસિફિયર, ઇન્ટ્રાઓપરેટીવ ન્યૂરોફિઝીયોલોજિકલ મોનિટરિંગ સીસ્ટમ, ટપ સિસ્ટોસ્કોપર & ઓપ્ટિકલ યુરેથ્રોટોમ, ન્યુરોસર્જીકલ ઓપરેટિંગ માઇક્રોસ્કોપ, હાઇસ્પીડ ઇલેક્ટ્રિકલ ડ્રીલ સીસ્ટમ ઇન્સ્ટોલ કરવામાં આવી છે.

cath lab

25 ઈલેક્ટ્રિક બસને લીલી ઝંડી આપી

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આજે રાજકોટની મુલાકાત દરમિયાન મહાનગરપાલિકાએ રૂ. ૩૦ કરોડના ખર્ચે હાલમાં જ ખરીદેલી નવીન ૨૫ ઈલેક્ટ્રિક બસોનું લોકાર્પણ કર્યું હતું. રાજકોટ મહાનગરપાલિકાની સેન્ટ્રલ ઝોન ઓફિસ ખાતે યોજાયેલ આ કાર્યક્રમમાં રાજકોટ દર્શનની બસનો પણ મુખ્યમંત્રી સહિતના મહાનુભાવોએ લીલી ઝંડી આપીને શુભારંભ કરાવ્યો હતો. આજે લોકાર્પણ કરાયેલી બસો ઇલેકટ્રિક હોવાથી પર્યાવરણની પણ જાળવણી થશે અને જાહેર પરિવહન સેવા બહેતર બનશે.

આ તકે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા તૈયાર કરવામાં આવેલ ‘વાઈબ્રન્ટ રાજકોટ’ પુસ્તકનું વિમોચન પણ મુખ્યમંત્રી દ્વારા કરવામાં આવ્યું હતું. પુસ્તકમાં છેલ્લા અઢી વર્ષમાં રાજકોટ ખાતે હાથ ધરાયેલા વિકાસ કાર્યોનો સમાવેશ કરવામાં આવ્યો છે.  અત્રે ઉલ્લેખનીય છે કે, ભારત સરકારશ્રીના ‘ભારે ઉદ્યોગ વિભાગ’ (Department of Heavy Industries-DHI) દ્વારા દેશનાં મુખ્ય શહેરોની જાહેર પરિવહન સેવામાં ઈ-મોબીલીટીની જરૂરીયાતને ધ્યાને લઈને ફેમ ઈન્ડીયા સ્કીમ ફેઈઝ-૨ યોજના અંતર્ગત રાજકોટ માટે પ્રથમ તબક્કામાં ૫૦ ઇલેક્ટ્રીક બસો આપવામાં આવી છે. તમામ ઇ-બસો જાહેર પરિવહન સેવામાં ઉપયોગમાં છે. જ્યારે રાજકોટ માટે બીજા તબક્કામાં ૧૦૦ ઈલે. બસ મંજુર કરવામાં આવેલ છે. જે પૈકી હાલ પ્રથમ તબક્કામાં ૨૫ બસોને આજે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સહિતના મહાનુભાવો દ્વારા લીલીઝંડી આપી લોકાર્પિત કરવામાં આવી છે.

electric bus

આ તકે મહિલા અને બાળ કલ્યાણ મંત્રી ભાનુબેન બાબરીયા, મેયર ડો. પ્રદીપ ડવ, સાંસદ મોહન કુંડારીયા, રાજ્યસભા સાંસદ રામ મોકરીયા, ધારાસભ્ય ડો. દર્શિતાબેન શાહ,  ડેપ્યુટી મેયર કંચનબેન સિદ્ધપુરા, સ્ટેન્ડીંગ સમિતિના ચેરમેન પુષ્કર પટેલ સહિતના પદાધિકારીઓ, કલેકટર પ્રભવ જોશી, મ્યુનિસિપલ કમિશનર આનંદ પટેલ, જિલ્લા વિકાસ અધિકારી દેવ ચૌધરી, અગ્રણી મુકેશ દોશી, રાજૂ ધ્રુવ, કમલેશ મિરાણી તેમજ વિવિધ વોર્ડના નગરસેવકો, મનપાનો સ્ટાફ, પોલીસ સ્ટાફ વગેરે ઉપસ્થિત રહ્યા હતા.

whatsapp

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments