સુરેન્દ્રનગરઃ ખાનગી વીમા કંપનીઓએ ચલાવેલી લૂંટથી પ્રધાનમંત્રી ફસલ વીમા યોજના ખેડૂતો માટે ખેડૂત ફસાજા વીમા યોજના બની, ખેડૂત બન્યો મજબૂર, ભાજપના મળતિયા બન્યા મજબૂત, ગ્રામ સેવક વિનાનું ગામ, શિક્ષક વિનાની શાળા, ડૉક્ટર વિનાનું દવાખાનુ ભાજપ સરકારની નીતિ છે, દરરોજ ૧૨૦ કરતા વધુ નાગરિકો, યુવાન-યુવતીઓની આત્મહત્યા, દરરોજ ૩-૪ દીકરી- મહિલાઓ ઉપર બળાત્કાર એ ભાજપ સરકારમાં કથળતી કાયદો વ્યવસ્થાની પોલ ખુલ્લી પાડી. ઉપરના તમામ આરોપો છે કોંગ્રેસના.
કોંગ્રેસની સુરેન્દ્રનગરમાં પ્રેસ કોન્ફરન્સ
પેટાચૂંટણી આવી રહી છે ત્યારે કોંગ્રેસે આજે સુરેન્દ્રનગર ખાતે પ્રેસ કોન્ફરન્સ યોજીને ભાજપ સરકાર પર આકરા પ્રહારો કર્યા હતા. પત્રકાર પરિષદમાં કોંગ્રેસના મુખ્ય પ્રવક્તા મનીષ દોશીએ જણાવ્યું હતું કે, ભાજપ સરકારની નીતિ-રીતિ અને નિયતને કારણે દિન-પ્રતિદિન સમાજના તમામ વર્ગના લોકોને અન્યાય થાય છે. અત્યાચાર વધે એ રીતે શાસન ચાલી રહ્યું છે. લોકોમાં ખુબ આક્રોશ પ્રવર્તી રહ્યો છે. ભાજપ સરકારની ખેડૂત વિરોધી નીતિને કારણે પહેલેથી જ આર્થિક રીતે ખુબ મોટુ નુકસાન ગુજરાતના ખેડૂત – ખેતી ભોગવી રહ્યાં છે. ખાનગી વિમા કંપનીઓએ ચલાવેલી લૂંટ અને પ્રધાનમંત્રી ફસલ વિમા યોજના ખેડૂત માટે ખેડૂત ફસાજા વિમા યોજના બની ગઈ છે.
વીમા કંપનીઓ પર આરોપ
મનીષ દોશીએ વીમા કંપનો પર આરોપ લગાવતાં કહ્યું કે, વીમા કંપનીઓએ કુલ ૨૮૨૨ કરોડ જેટલી માતબર રકમ ખેડૂત પાસેથી પ્રિમિયમ પેટે વસૂલ કરી જેમાંથી માત્ર ૪૦ ટકા જેટલી રકમ વળતર પેટે ચૂકવવામાં આવી. અતિવૃષ્ટિ થઈ, ખેડૂતોને ખૂબ મોટુ નુકસાન થયું. સરકારે જાહેર કરી કે પંદર દિવસની અંદર સર્વે કરીને નુકસાનીનું વળતર આપીશું. આજે લગભગ બે મહિના થયા છતાં એક પણ ખેડૂતના ખાતામાં એક પણ રૂપિયાનું વળતર ચુકવાયું નથી.
ઉદ્યોગપતિઓની સરકારઃ કોંગ્રેસ
ખેડૂત ખેતીને નુકસાન કરતા કાળા કાયદા, મહિલાઓ ઉપર થતા અત્યાચાર, મોંઘુ શિક્ષણ, બેરોજગારી સહિત ભાજપની જનવિરોધી નીતિ, ખેડૂત વિરોધી – યુવા વિરોધી નીતિ પર ખાનગી ભાજપ સરકારે જે ખેડૂત વિરોધી કાળા કાયદા બનાવ્યા. એના કારણે ખેડૂત માલીકમાંથી ખેત મજૂર બનવાનો છે, ખેડૂતને પોતાના જ ખેતરમાં કંપનીઓ જે ખેતી કરશે એની મજૂરી કરવાના દિવસો આવવાના છે. ભાજપ સરકાર હંમેશા ઉદ્યોગપતિઓની સરકાર રહી છે. ઉદ્યોગપતિઓની મદદ કરવાની હોય, ઉદ્યોગપતિઓના ટેક્ષ માફ કરવાના હોય એને લાભ આપવાનો હોય તો સરકારી તિજોરીઓ ખુલ્લી મૂકવામાં આવે છે.
મહામારીને ભાજપે ભ્રષ્ટાચારનો અવસર બનાવ્યોઃ કોંગ્રેસ
મનીષ દોશીએ આગળ કહ્યું કે, કોરોના–લોકડાઉનને કારણે લોકોની આર્થિક સ્થિતિ ખૂબ ખરાબ થઈ છે. લોકોની આવક પણ ઘટી છે, નોકરીઓ છીનવાઈ ગઈ છે, ધંધા વેપાર બંધ થયા છે, મંદીનો માહોલ છે. એવા સમયમાં વિદ્યાર્થીઓની ફી માફીની માંગ જ્યારે ગુજરાતના વાલીઓ કરતા હોય, પરિવારો કરતા હોય ત્યારે સરકાર તેમની વાત સાંભળવા તૈયાર નથી અને એક પછી એક ખોટી જાહેરાતો કરી લોકોને લોલીપોપ આપી રહી છે. ભાજપ સરકારની ભૂલોને કારણે વહીવટી અણઆવડત અને સંકલનના અભાવને કારણે કોરોના આજે આખા ગુજરાતમાં જે પ્રસર્યો છે અને જેથી ૪૦૦૦ કરતા વધારે લોકોના મોત થયા. કોરોના મહામારીની આફતને પણ ભાજપે ભ્રષ્ટાચારનો અવસર બનાવી દીધો.
ભાજપ સરકાર ગ્રામ્ય વિસ્તારની શાળાઓને બંધ કરીને શિક્ષણનો અધિકાર છીનવી રહી હોવાની વિસ્તૃત વિગતો પત્રકાર પરિષદમાં રજુ કરતા ગુજરાત પ્રદેશ કોંગ્રેસના મુખ્ય પ્રવક્તા ડૉ. મનિષ દોશીએ જણાવ્યું હતું કે, ભાજપ સરકાર ઓછી સંખ્યાના નામે પર૨૩ જેટલી શાળાઓને તાળા મારી રહી છે. જેમાં કચ્છ – સૌરાષ્ટ્રની ૮૨૮ જેટલી શાળા પૈકી સુરેન્દ્રનગરમાં પ૬ શાળાઓને તાળા લાગી રહ્યાં છે. રાજ્યમાં ટેટ-ટાટ, એલઆરડી, ગ્રામ સેવક, તલાટી, બિનસચિવાલય કલાર્ક, આઈ.ટી.આઈ. ઈન્સ્ટ્રક્ટર સહિતની ભરતીમાં મોટા પાયે ગેરરીતિ, પેપર ફૂંટવા, લાખો રૂપિયાની લેવડદેવડ ભાજપ સરકારની ઓળખ બની ગઈ છે. ભાજપ સરકારે વિવિધ ભરતી પરીક્ષાની ફોર્મ ફી પેટે બેરોજગાર યુવાનો પાસેથી ૧૦૦ કરોડ રૂપિયા જેટલી માતબર રકમ વસૂલી લીધી છે. ગ્રામ સેવક વિનાનું ગામ, શિક્ષક વિનાની શાળા, ડૉક્ટર વિનાનુ દવાખાનુ ભાજપ સરકારની નીતિ રહી છે. આપણા પરિવારની દીકરી ઘરની બહાર જાય તો સાંજે સુરક્ષિત ઘરે પાછી આવશે કે કેમ ? ગુંડા રાજ ચારે તરફ ચાલી રહ્યું છે. ગુંડાઓ બેફામ થયા છે.
કોંગ્રેસ પ્રેસ કોન્ફરન્સમાં રજૂ કરેલા સુરેન્દ્રનગર જિલ્લામાં નોંધાયેલા ગુનાની યાદી

કોંગ્રેસના જણાવ્યા મુજબ વીમા કંપનીઓએ ઉઘરાવેલ પ્રિમિયમની રકમના આંકડા
