Homeગુર્જર નગરીઆજથી CCI દ્વારા કપાસની ખરીદીના શ્રીગણેશ, જાણો શું છે ભાવ?

આજથી CCI દ્વારા કપાસની ખરીદીના શ્રીગણેશ, જાણો શું છે ભાવ?

આજથી સૌરાષ્ટ્રમાં CCI દ્વારા કપાસની ખરીદીની શરૂઆત થઈ છે. લાભપાંચમથી CCI દ્વારા કપાસની ખરીદીના શ્રીગણેશ કરવામાં આવ્યા છે. દર વર્ષની જેમ આ વર્ષે પણ કપાસની ખરીદી માર્કેટિંગ યાર્ડ ખાતે કરવામાં આવનાર છે.

ચાલુ વર્ષે સૌરાષ્ટ્ર સહિત અનેક વિસ્તારમાં વધુ વરસાદના કારણે કપાસના મોલને નુકસાન થવા પામ્યું છે. કૃષિ વિશેષજ્ઞોના મતે આ વર્ષે કપાસનું ઉત્પાદન પણ ઓછું થવાનો અંદાજ છે. ત્યારે CCI દ્વારા લાભપાંચમથી એટલે કે આજથી ખેડૂતો પાસેથી કપાસની સીધી ખરીદી શરૂ કરી છે. ખેડૂતો પોતાનો કપાસ નજીકના એપીએમસી ખાતે જઈને CCIને વેચી શકશે.

સૌરાષ્ટ્રના CCIના ખરીદીના હેડ શ્રીવાસ્તવના જણાવ્યા પ્રમાણે આ વર્ષે ખેડૂતો પાસેથી કપાસની ખરીદી 1155 પ્રતિ મણના ભાવે કરવામાં આવશે. ખરીદી માટે ખેડૂતોએ અગાઉથી કોઈપણ પ્રકારની નોંધણી કરાવવી નહીં પડે. જે ખેડૂતોને CCIમાં કપાસ આપવાનો હોય તે ખેડૂતોએ પોતાનો માલ લઈને પોતાના નજીકના એપીએમસીમાં જવાનું રહેશ તેવું શ્રીવાસ્તવે જણાવ્યું હતું.

CCI દ્વારા થતી કપાસની ખરીદીમાં ઘણી વખત ભ્રષ્ટાચાર થતો હોવાની રાવ ઉઠી છે. ખેડૂતોને અનેક વખત કનડગતનો સામનો પણ કરવો પડ્યો છે ત્યારે આ વર્ષે CCIની ખરીદી દરેક એપીએમસી ખાતે જ કરવામાં આવશે. એપીએમસીમાંથી માલ પાસ કર્યા પછી જ નક્કી કરેલા જીનની અંદર ગાડી મોકલવામાં આવશે. ખરીદી પ્રક્રિયામાં કોઈપણ પ્રકારની ગેરરીતિ ન થાય તે માટે આ વર્ષે નક્કી કરવામાં આવ્યું છે કે સૌ પ્રથમ ખેડૂતો પોતાનો કપાસ લઈને નજીકના એપીએમસી જશે અને ત્યાં કપાસના નમુનાની તપાસ થશે અને જો નમુનો યોગ્ય હશે તો તેઓનો કપાસ નક્કી કરેલા જીનની અંદર મોકલવામાં આવશે.

તમારો કપાસ આ પ્રકારનો હશે તો નહીં થાય ખરીદી

આ વર્ષે કપાસમાં ભેજની ટકાવારી 8 નક્કી કરવામાં આવી છે. કપાસમાં ભેજનું પ્રમાણ 8 ટકાથી વધારે હશે તો દરેક 1 ટકાએ 11 રૂપિયા ને 55 પૈસા ઓછા આપવામાં આવશે. જો 12 ટકાથી વધારે ભેજનું પ્રમાણ જોવા મળશે તો ખરીદી કરવામાં નહીં આવે. આ ઉપરાંત 8 ટકાથી ઓછો ભેજ હશે તો 11 રૂપિયા ને 55 પૈસા વધારે ચૂકવવામાં આવશે તેવું જણાવેલ છે.

ખેડૂતોના ખાતામાં રૂપિયા ક્યારે આવશે ?

CCIના સૌરાષ્ટ્રના ખરીદીના હેડના જણાવ્યા પ્રમાણે ગત વર્ષની જેમ આ વર્ષે પણ ખરીદી બાદ ઓછામાં ઓછા 10 દિવસની અંદર ખેડૂતોના ખાતામાં માલના રૂપિયા આવી જશે. રાજકોટ જિલ્લાના દરેક એપીએમસી ખાતે CCI દ્વારા કપાસની ખરીદી કરવામાં આવશે.

ખેડૂતોએ આ ડોક્યુમેન્ટ રાખવા પડશે સાથે

CCIમાં જે ખેડૂતો કપાસ આપવા જશે તેઓને અમૂક ડોક્યુમેન્ટ સાથે રાખવા પડશે. આ ડોક્યુમેન્ટ હશે તો જ કપાસની ખરીદી કરવામાં આવશે. CCIના જણાવ્યા પ્રમાણે માલ વેચવા આવનાર દરેક ખેડૂતોએ 7 /12, 8અ, બેંકની પાસબુકની નકલ અને આધારકાર્ડ ફરજિયાત લાવવાના રહેશે. 8Aની અંદર કપાસના વાવેતરનો ઉલ્લેખ કરેલ હશે તો જ ખેડૂતોનો કપાસ ખરીદવામાં આવશે. ખેડૂતો પાસેથી એક હેક્ટર દીઠ 100 મણ કપાસની CCI દ્વારા ખરીદી કરવામાં આવશે. આ વર્ષે ખેડૂતો પાસેથી 1155 રૂપિયા પ્રતિ મણ દીઠ ખરીદી કરવામાં આવશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments