Homeગામનાં ચોરેઆકાશમાંથી પડેલી વસ્તુએ 10 કરોડ રૂપિયા અપાવી દીધા

આકાશમાંથી પડેલી વસ્તુએ 10 કરોડ રૂપિયા અપાવી દીધા

ઈન્ડોનેશિયાના સુમાર્તા શહેરમાં એક વ્યક્તિ રાતોરાત કરોડપતિ બની ગયો. તેણે સપનામાં પણ ન હતું વિચાર્યું કે તેનું નસીબ એક રાતમાં બદલાઈ જશે. વિચાર્યું પણ કોણે હોય ? કોઈ વાર આપણી સામે કોઈ અજીબ વસ્તુ આવી જાય. આપણને તેની કિંમતની ખબર નથી હોતી, પણ તેની કિંમત કરોડોમાં પણ હોય શકે છે. આ વ્યક્તિ
સાથે પણ કંઈક આવું જ થયું. કહેવાય છે ને ઉપરવાળો જ્યારે પણ આપે છે છપ્પર ફાડીને આપે છે. ઈન્ડોનેશિયામાં રહેતા યુવકના કિસ્સામાં આ કહેવત સાચી પડી ગઈ છે. એક છત ફાટી અને ભાઈ કરોડપતિ! હવે તમે વિચારશો ચાબુક શું ગોળ-ગોળ ફેરવે છે ? છત, વ્યક્તિ, કરોડપતિ કંઈ સમજાતું નથી. તો ચાલો માંડીને વાત કરીએ.

ઈન્ડોનેશિયામાં સુમાર્તા નામનું એક શહેર આવેલું છે. આ શહેરમાં એક યુવક રહે છે તેનું નામ છે જોસુઆ હુતાગલુંગ. ઉપર આપણે આ ભાઈની જ વાત કરી. બન્યું એવુ કે, એક રાત્રે આકાશમાંથી તેમની છત પર કોઈ પ્રકારનો પથ્થર પડ્યો. છત ફાટી ગઈ અને ઉપરથી પડેલો પથ્થર 15 સેન્ટીમિટર જમીનમાં ઘુસી ગયો. છત પરથી કોઈ અજીબ વસ્તુ આવી એટલે પહેલાં તો ભાઈ ડરી ગયા પણ હિંમત કરીનો જોયું તો એક કાળા રંગનો પથ્થર હતો. તને લાગ્યું કે કોઈએ જાણી જોઈને તેના ઘર પર પથ્થર ફેંક્યો. પણ છત ફાટી જાય એટલી તાકાતથી ?

જોસુઆ હુતાગલુંગે વધુ હિંમત કરી. પથ્થર નજીક ગયો અને પથ્થરને ઉંચકવાની કોશિશ કરી પરંતુ આ પથ્થર ખુબ ગરમ હતો. અડતાની સાથે જ તેણે હાથ લઈ લેવો પડ્યો. હજુ હતાગલુંગ આશ્ચર્યમાં હતો તે કંઈ પણ સમજી શકતો ન હતો. એટલે તેણે ફોન કાઢ્યો અને ધડાધડ ફોટો લઈ લીધા તેમજ 30 સેકન્ડનો એક વીડિયો પણ બનાવી લીધો. વીડિયો સોશિયલ મીડિયો પર પોસ્ટ કર્યો, બસ પછી શું અહીંથી જ ભાઈની કિસ્મત ચમકવાની શરૂ થઈ ગઈ. થોડા સમયમાં જ પથ્થરના તેને 10 કરોડ રૂપિયા મળી ગયા.

વીડિયો પોસ્ટ કરતાની સાથે જ તેને પત્રકારોના ફોન આવવા લગ્યા હતા. કેટલાક પત્રકારો ઈન્ટરવ્યૂ પણ લઈ ગયા. કેટલાય લોકો આ પથ્થરને જોવા પણ આવ્યા. તો કેટલાય લોકોએ પથ્થરને ઉંચી કિંમતે ખરીદવાની ઓફર પણ મુકી દીધી. જોકે, જોસુઆ હુતાગલુંગે પથ્થર વેચ્યો નહીં. થોડા સમય બાદ તેને ખબર પડી કે આ પથ્થર ઉલ્કાપિંડ છે અને 2.2 કિલોગ્રામ કિંમતના આ ઉલ્કાપિંડની કિંમત કરોડો રૂપિયા છે.

10 કરોડ કિંમત કોણે આપી ?

નિષ્ણાતોએ જોસુઆ હુતાગલુંગ સંપર્ક કર્યો. આ ઉલ્કાપિંડને તેણે નિષ્ણાતોને જ વેચી દીધો. નિષ્ણાતોએ તેને ઉલ્કાપિંડની કિંમત 1.4 બિલિયન ડોલર ચૂકવી એટલે કે ભારતના 10 કરોડ રૂપિયા. જોસુઆએ કહ્યું કે, આ રકમ મારા 30 વર્ષના પગાર જેટલી છે. જોસુઆ ‘તાબૂત’ (શબપેટી) બનાવવાનું કામ કરે છે. જો કે, હવે આ રૂપિયાથી કંઈક નવું કરી શકશે. જોસુઆએ એવું પણ કહ્યું કે તે ચર્ચ બનાવવાનું વિચારી રહ્યો છે. છે ને અજીબ કિસ્સો ? રાતોરાત માલામાલ.

ઉલ્કા અને ઉલ્કાપિંડ શું છે ?

કોઈવાર તમે આકાશમાં તેજસ્વી લીસોટો જોયો હશે. સામાન્ય રીતે આપણે તેને ખરતા તારા તરીકે ઓળખીએ છીએ. જો કે, તે તારો નથી તેને ઉલ્કા કહેવામાં આવે છે. ઉલ્કા હકીકતે એક નાનો પદાર્થ છે જે પૃથ્વી તરફ આવે છે તે સમયે તેની ઝડપ ખુબ વધારે હોય છે. વાતાવરણના ઘર્ષણના કારણે તે ગરમ થઈ જાય છે. તે ઝડપથી સળગી વરાળ થઈ જાય છે. એટલે જ ખરતો તારો થોડો સમય જ દેખાય છે. કેટલીક ઉલ્કાઓ ખુબ જ મોટી હોય છે. એટલે જ તે પુરેપુરી સળગતા પહેલાં પૃથ્વી સુધી પહોંચી જાય છે. જે પદાર્થ પૃથ્વી સુધી પહોંચી જાય તેને ઉલ્કાશીલા અથવા ઉલ્કાપિંડ કહેવામાં આવે છે. રોજ અંદાજે અઢી કરોડ ઉલ્કા, નાની ઉલ્કા અને અન્ય અવકાશી કચરો પૃથ્વીના વાતાવરણમાં પ્રવેશ કરે છે. વૈજ્ઞાનિકો ઉલ્કાપિંડને ખુબ મહત્વની માને છે. કારણ કે ઉલ્કાપિંડથી આકાશમાં જુદા-જુદા ગ્રહો વિશે માહિતી મેળવી શકાય છે. લોકડાઉન વખતે એપ્રિલ મહિનામાં એક ઉલ્કા પૃથ્વીની નજીકથી પસાર થઈ હતી. આ વખતે પૃથ્વીના વિનાશની પણ વાતો વહેતી થઈ હતી.
એ ઉલ્કા એક પહાડ જેવડી મોટી હતી.

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments