Homeગુર્જર નગરીતમામ નેતાઓને ચાબુક ભાઈ કહે છે, ‘માપમાં બોલો પછી પત્રકારો પૂછ્યા રાખશે,...

તમામ નેતાઓને ચાબુક ભાઈ કહે છે, ‘માપમાં બોલો પછી પત્રકારો પૂછ્યા રાખશે, સોશિયલ મીડિયા ટ્રોલ કર્યા રાખશે.’

આજે હું આ આર્ટિકલ લખતો હતો ત્યારે નજીક બેઠેલા ચાબુક ભાઈએ મને કહ્યું, ‘તું તારો આર્ટિકલ લખી લે ત્યાં સુધીમાં હું તને એક વાર્તા સંભળાવું.’ આમ કહી તેણે ટચૂકડી વાર્તા કહેવાની શરૂઆત કરી.

એક નેતા હતા. તેમણે ઉત્સાહમાં આવી નિવેદન આપી દીધું કે આ વખતની ચૂંટણીમાં મારી પાર્ટી તમામ સીટો જીતી જશે. થયું એવું કે તેમની પાર્ટી પાંચ જ સીટ જીતી. જ્યાં જ્યાં જીતી ત્યાં ત્યાં નેતાજી પ્રચાર કરવા માટે નહોતા ગયા ! પત્રકારો દોડાદોડી કરી એ નેતા પાસેથી જ નિવેદન લેવા ગયા કે તમારા પૂર્વ નિવેદનનું સૂરસૂરિયું કેમ થઈ ગયું ? કામમાં ક્યાં કચાશ રહી ગઈ ? નેતાજીએ પત્રકારોને નિવેદન આપ્યું, ‘એ બધો વાંક મારી જીભનો છે. બાકી હું તો આવું કહું જ નહીં.’

દરેક પક્ષ ઇચ્છતો હોય છે કે અમારી પાર્ટી ચૂંટણીમાં પ્રચંડ બહુમતી સાથે જીતીને ઉભરી આવે. પરીક્ષામાં જેમ બધા વિદ્યાર્થીનો પ્રથમ નંબર ન આવે તેમ જનતા બધા પક્ષોને નથી જીતાડી શકતી !! જો બધા ચૂંટણી લડી જીતી શકતા હોત તો બધા નેતા હોત !

ચૂંટણી આવે ત્યારે નેતાઓ મંચ પરથી જનતાના કાન ફાટી જાય તેમ મોટા મોટા ભાષણો આપતા હોય. ઘણી વાર હાથમાં માઈક અને સામે જંગી જનમેદની દેખાય એટલે નેતાજી ઉત્સાહમાં આવીને શું બોલી જાય તેનું ભાન ખુદને ન રહે. ઘણા મહાશય તો ગજા બહારની વાત કરે. લક્ષ્યાંક ઊંચો રાખવો સારી વાત છે પણ… હાંસલ કરવો અઘરું હોય છે.

ગુજરાતથી જ વાતની શરૂઆત કરીએ, હમણાં હમણાં ગુજરાત ભાજપ પ્રદેશ પ્રમુખના હોદ્દા પર નિમાયેલા સી.આર. પાટીલ સૌરાષ્ટ્રના પ્રવાસે આવ્યા હતા. કાર્યકરોમાં જોમ-જુસ્સો ભરવા નીકળેલા પાટીલને આવકારવા કોરોનાને નજરઅંદાજ કરીને હજારો કાર્યકરો ઉમટી પડેલા. બાદમાં તો તેઓ પણ કોરોનાકૃત થયા.

કાર્યકરોને સંબોધન કરી રહેલા સી.આર.પાટીલે હુંકાર કર્યો કે ભાજપ આગામી ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં કાર્યકરોની મહેનતથી 182માંથી 182 સીટો જીતશે. અગાઉ 2017ની વિધાનસભા ચૂંટણીમાં અમિત શાહે પણ 182માંથી 150 સીટ જીતવાનો લક્ષ્ય ભાજપને આપ્યો હતો, પરંતુ ભાજપ 99 સીટ સુધી આવતા આવતા હાંફી ગઈ હતી. આજ સુધી કોઈ મોટા રાજ્યમાં કોઈ પણ પાર્ટીએ પૂરેપૂરી 100 ટકા સીટ જીતી જ નથી. જો આ રેકોર્ડ તોડવામાં ભાજપ અને સી.આર.પાટીલ સફળ થાય તો જાદુ જ ગણાશે. પણ આ તો ગ્રેટ ફિક્શન કહેવાય તેને ફેક્ટ સાથે કંઈ લાગે વળગે નહીં. હોગવર્ડ્ઝના ડમ્બલડોલ જાદુ કરે તો પણ 182!!

હાલની સ્થિતિને નજર સામે રાખીને જોઈએ તો ભાજપ 2022માં સત્તા મેળવી લે તે વાતને નજર અંદાજ ન કરી શકાય પરંતુ જે રીતે ગુજરાતમાં ભાજપનો ગ્રાફ ઘટી રહ્યો છે તે જોતા સી.આર.પાટીલની 182 સીટ જીતવાની વાત હવામાં ગોળીબાર જ લાગી રહી છે. 

આવું જ એક નિવેદન થોડા દિવસ પહેલાં રિપબ્લિકન પાર્ટી ઓફ ઈન્ડિયાના રાષ્ટ્રીય અધ્યક્ષ અને કેન્દ્રીય મંત્રી રામદાસ અઠાવલેએ આપ્યું હતું. જેઓ દેશમાં પોતાના મહામૂલ્ય ધ્વનિથી કોરોનાને ભગાડતા હતા અને દેશવાસીઓનું લોકડાઉનમાં દિલ ખોલીને મનોરંજન કર્યું હતું. તેમનું કહેવું છે કે 2024ની લોકસભા ચૂંટણીમાં એનડીએને 350 સીટ મળશે. જો કે રામદાસ અઠાવલેના આ અંદાજને નકારી ન શકાય કેમ કે, 2014ની ચૂંટણીમાં એનડીએને 336 સીટ અને 2019ની ચૂંટણીમાં 352 સીટ મળી ચૂકી છે. પણ કોરોનાના કારણે, ઘટેલી જીડીપી અને બેરોજગારી અત્યારથી એ વાતને સૂચિત કરી રહી છે કે, જેમ બોલવાથી કોરોના નથી ભાગતો તેમ બોલવાથી સીટ નહીં આવે.

પશ્ચિમ બંગાળમાં આગામી વર્ષે વિધાનસભાની ચૂંટણી આવી રહી છે. કુલ 294 વિધાનસભાની બેઠક છે. જેમાંથી ભાજપે 250 બેઠક કબ્જે કરવાના લક્ષ્યાંક સાથે અભિયાન શરૂ કરી દીધું છે. ત્યાં કોરોના અને ભાજપનો પ્રચાર બંન્ને કાબૂ બહાર છે. સોશિયલ મીડિયાએ પણ બંગાળમાં એ ટોળાની આકરા શબ્દોમાં ઘરે બેસીને નિંદા કરી હતી. અહીં પણ મમતા દીદીના તીખા તેવર વચ્ચે ભાજપને આ લક્ષ્યાંક પાર પાડવામાં પરસેવો વળી જાય તેવું લાગી રહ્યું છે.

દિલ્હીમાં પણ આમ આદમી પાર્ટીએ ગત ચૂંટણી કરતાં વધુ બેઠકો જીતવાનો અંદાજ રાખ્યો છે. 2015ની ચૂંટણીમાં દિલ્હીમાં આમ આદમી પાર્ટીને 70માંથી 67 બેઠક મળી હતી હવે 67થી વધુ કંઈ ન ખપે એવું અરવિંદ કેજરીવાલે કહ્યું છે. જોઈએ આમ આદમી પાર્ટીનો આ લક્ષ્યાંક હકીકતમાં પરિવર્તિત થાય છે કે પછી આ વખતે હવામાં ભીંતભડાકા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments