Homeગુર્જર નગરીગાંધીનગરમાં 850 બેડની કોવિડ હોસ્પિટલ ઉદ્ઘાટનની રાહ જોઈ રહી છે

ગાંધીનગરમાં 850 બેડની કોવિડ હોસ્પિટલ ઉદ્ઘાટનની રાહ જોઈ રહી છે

Team Chabuk-Gujarat Desk: કોરોનાનું સંક્રમણ જેમ જેમ ધીમું પડી રહ્યું છે તેમ તેમ સરકારી તંત્રની ઉદાસિનતા વધી રહી હોય તેવું લાગી રહ્યું છે. ગાંધીનગરમાં 850 બેડની કોવિડ હોસ્પિટલ તૈયાર થઈને પડી છે પરંતુ સરકારી બાબુઓ ઉદ્ઘાટન કરવા ન આવતા હોસ્પિટલ દર્દીઓ માટે કોઈ કામની નથી. ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતે ઓક્સિજનની સુવિધાયુક્ત 850 બેડની કોવિડ હોસ્પિટલ તૈયાર થઈ ગઈ છે. છેલ્લા બે અઠવાડિયાથી અધિકારીઓ અને ડોક્ટરો તૈયાર થઈને પડેલી હોસ્પિટલમાં રાઉન્ડ મારવા આવે છે અને હોસ્પિટલ ચાલુ કરવા માટેનું આયોજન કરે છે પરંતુ નેતાઓ ઉદ્ઘાટન કરવા તૈયારી ન દર્શાવતા હોવાથી હોસ્પિટલ ઉદ્ઘાટનના વાંકે પડી છે.

મુખ્યમંત્રી વિજય રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ તરફથી કોવિડ હોસ્પિટલ ચાલુ કરવા માટે કોઈ લીલીઝંડી આપવામાં આવી નથી. ગઈકાલે જ નીતિન પટેલ નવા બનેલા ઓવરબ્રીજની મુલાકાતે દોડી ગયા હતા પરંતુ તેઓને DRDO દ્વારા ગાંધીનગરમાં તૈયાર કરાયેલી હોસ્પિટલ ક્યારે ચાલુ કરવી તેની કોઈ જાણકારી નથી.

ગાંધીનગરમાં મહાત્મા મંદિર ખાતે DRDO દ્વારા બનાવેલી 850 બેડની કોવિડ હોસ્પિટલને શરૂ કરવાની વાતો છેલ્લા બે અઠવાડિયાથી ચાલી રહી છે. જેના કારણે આરોગ્ય વિભાગના ઉચ્ચ અધિકારીઓ, જિલ્લા કલેક્ટર, મ્યુનિસિપલ કમિશનર, સિવિલ સુપ્રિન્ટેન્ડેન્ટ તથા ડોક્ટરોની ટીમ દરરોજ આ હોસ્પિટલે ચક્કર મારવા આવે છે પરંતુ હોસ્પિટલ શરૂ કરવા માટે કોઈ આદેશ મળતાં નથી. આ પહેલા કોલવડાથી સ્ટેબલ દર્દીઓને આ કોવિડ હોસ્પિટલમાં ખસેડવાનું આયોજન હતું પરંતુ સમય જતાં કોલવડામાં દાખલ સ્ટેબલ દર્દીઓ સાજા થઈ જતાં તેમને રજા આપી દેવામાં આવી છે. કોલવડાની હોસ્પિટલ બંધ પણ કરી દેવામાં આવી છે. તેથી અહીંયા ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતે બનેલી કોવિડ હોસ્પિટલમાં દર્દીઓને ખસેડવાની જરૂર ન હોવાથી સરકાર તરફથી કોઈ આદેશ મળતાં નથી.

સરકાર તરફથી નવનિર્મિત કોવિડ હોસ્પિટલ શરૂ કરવા અંગે કોઈ લીલીઝંડી ન મળતાં આરોગ્ય વિભાગ અને DRDOના અધિકારીઓ ઉપરાંત ગાંધીનગર જિલ્લાના અધિકારીઓ તથા સિવિલના ડોક્ટરો પણ મુંઝવણમાં મૂકાયા છે. દરરોજ અધિકારીઓ અને ડોક્ટરો હોસ્પિટલ ખાતે ધામા નાખે છે અને રાહ જોઈને પરત જતાં રહે છે. પરંતુ આ કોવિડ હોસ્પિટલ ક્યારે શરૂ કરવી તે અંગે કોઈ આદેશ મળતા નથી.

રાજ્યભરમાં કોરોનાનું સંક્રમણ ઘટી રહ્યું છે ત્યારે કોલવડાની હોસ્પિટલ પણ બંધ કરી દેવાઈ છે. સિવિલ હોસ્પિટલમાં પણ હાલ 130 જેટલા દર્દીઓ જ સારવાર હેઠળ રહેતા આઠ માળ પૈકીના ચાર માળ બંધ કરી દેવાયા છે. આવી સ્થિતિમાં નવી કોવિડ હોસ્પિટલ શરૂ કરવાની ઉતાવળ ન કરવી જોઈએ અને ત્રીજી લહેર વખતે તૈયાર રાખવી જોઈએ તેવું નિષ્ણાતો માની રહ્યા છે. તેથી સરકાર ગાંધીનગર મહાત્મા મંદિર ખાતેની આ કોવિડ હોસ્પિટલને શરૂ કરવાનું હાલ માંડી વાળે તેવું લાગી રહ્યું છે.

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments