Homeગુર્જર નગરીભાવનગરના કોવિડ કેર સેન્ટરમાં આગ, આશરે 70 દર્દીઓ સારવાર હેઠળ હતા

ભાવનગરના કોવિડ કેર સેન્ટરમાં આગ, આશરે 70 દર્દીઓ સારવાર હેઠળ હતા

Team Chabuk-Gujarat Desk: રાજ્યમાં કોવિડ હોસ્પિટલમાં આગ લાગવાનો સિલસિલો યથાવત છે. થોડા દિવસ પહેલા ભરૂચની એક કોવિડ હોસ્પિટલમાં આગ લાગ્યાના ગણતરીના દિવસો બાદ જ ભાવનગરના એક કોવિડ કેર સેન્ટરમાં આગ લાગ્યાની ઘટના સામે આવી છે. ભાવનગર શહેરના કાળુભા રોડ પર આવેલી હોટલ જનરેશન એક્સમાં આ આગની ઘટના બની છે. આગ લાગી તે હોટલ જનરેશન એક્સમાં આશરે 70 જેટલા દર્દીઓ દાખલ હતા.

ઘટના મંગળવારે રાત્રે બની છે. હોટલ જનરેશન એક્સના રૂમ નંબર 304માં ટીવી યુનિટમાં શોર્ટ સર્કિટ થતા આગ લાગી હોવાનું જાણવા મળ્યું છે. જો કે હોટલ જનરેશન એક્સમાં ફાયર સ્મોક ડિટેક્ટિવ એલાર્મ ચાલુ હોવાથી આગ લાગતાંની સાથે જ સ્ટાફને જાણ થઈ ગઈ હતી. જેથી તાત્કાલિક જ ફાયર વિભાગને જાણ કરવામાં આવતાં ફાયર વિભાગની ટીમ ઘટના સ્થળે આવી પહોંચી હતી અને આગને કાબૂમાં લીધી હતી. આગની ઘટનાની જાણ થતાં આસપાસમાંથી મોટી સંખ્યામાં લોકો પણ એકઠાં થઈ ગયા હતા. હોટેલમાં કોરોનાની સારવાર લઈ રહેલા દર્દીઓને બહાર કાઢવાની કવાયત હાથ ધરી હતી. આગ લાગી તે સમયે આશરે 70 જેટલા દર્દીઓ અહીં સારવાર લઈ રહ્યા હતા. જેઓને સલામત રીતે બહાર કાઢવામાં આવ્યા હતા. આગની આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નહતી.

મંગળવારે રાત્રે આશરે 12.24 કલાકે હોટલ જનરેશન એક્સના ત્રીજા માળે શોર્ટ સર્કિટના કારણે આ આગ લાગી હોવાની માહિતી મળી છે. આગ લાગતાં જ દર્દીઓમાં ભયનો માહોલ જોવા મળ્યો હતો અને સ્ટાફમાં દોડધામ મચી ગઈ હતી. આગ લાગી તે સમયે આ કોવિડ સેન્ટરમાં આશરે 70 જેટલા દર્દીઓ સારવાર લઈ રહ્યા હતા. ઘણા દર્દીઓ ઓક્સિજન અને આઈસીયુ સપોર્ટ પર હતા. જેથી સ્થાનિક લોકો, ફાયર બ્રિગેડના જવાનો અને કોવિડ કેર સેન્ટરના સ્ટાફ દ્વારા તમામ દર્દીઓને સહી સલામત રીતે બહાર કાઢવામાં આવ્યા. ઘણા દર્દીઓને ઓક્સિજન સિલિન્ડર સાથે ત્રીજા માળેથી નીચે લાવવામાં આવ્યા.

તમામ દર્દીઓને સુરક્ષિત રીતે બહાર કાઢીને 108 અને ફાયર વિભાગની ગાડીમાં સર તખ્તસિંહજી હોસ્પિટલ અને લેપ્રેસી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. આગ લાગ્યાની જાણ થતાં જ દર્દીઓના સગા-સંબંધીઓમાં પણ ભારે ઉચાટ સાથે હોટેલ જનરેશન એક્સ પર પહોંચ્યા હતા. રાજ્ય સરકારના મંત્રી વિભાવરીબેન દવેએ પણ આગની ઘટના અંગે ચિંતા વ્યક્ત કરી છે.

ધારાસભ્ય જીતુ વાઘાણી પણ ઘટનાની જાણ થતાં રાત્રે સ્થળ પર પહોંચ્યા હતા અને સમગ્ર ઘટનાની નોંધ લઈ તપાસ અંગે ખાતરી આપી છે. જીતુ વાઘાણીએ જે કોઈ જવાબદાર હશે તેઓની સામે પગલાં ભરવામાં આવશે તેમ જણાવ્યું હતું. આ કોવિડ કેર સેન્ટરમાં તંત્રની મંજૂરી કરતાં વધુ દર્દીઓને સારવાર માટે રખાયા હોવાનું પણ ચર્ચાઈ રહ્યું છે.

મહત્વનું છે કે ગુજરાતમાં અત્યાર સુધી અનેક કોવિડ હોસ્પિટલમાં આગની ઘટના બની ચુકી છે. કોવિડ હોસ્પિટલમાં આગ લાગવાની ઘટનાનો સિલસિલો યથાવત છે. ગત 30 એપ્રિલે રાતે ભરૂચની પટેલ વેલ્ફેર હોસ્પિટલમાં આગ લાગી હતી. જેમાં આશરે દર્દી અને સ્ટાફ સહિત 18 લોકોના મોત થયા હતા.

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments