Team Chabuk-Gujarat Desk: મોટાભાગે જ્યારે પ્રવાસીઓ સાસણ ગીરમાં જાય છે ત્યારે તેમનો મુખ્ય હેતુ સિંહદર્શન કરવાનો હોય છે. મગજમાં પહેલાથી એવું ભરેલું હોય છે કે જીપ્સી લઈ જશે, સિંહ જોઈશું અને વીડિયો ઉતારીશું. પણ કોઈ દિવસ દીપડો આવી જાય તો? આમ તો જોયું છે કે સિંહદર્શન કરનારાઓને મોટાભાગે સિંહદર્શનનો જ લુત્ફ ઉઠાવવા મળે છે, પણ તાજેતરમાં જ્યારે પ્રવાસીઓ જીપ્સીમાં બેસી સિંહ દર્શન કરવા માટે ગયા ત્યારે તેમને એકના વગરના ત્રણ ત્રણ દીપડાના દર્શન થઈ ગયા હતા. જેના તો જંગલમાં દર્શન જ દુર્લભ છે.
આ અંગેનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાઈરલ થયો છે. ગીર સફારીમાં પ્રવાસીઓની જીપ્સી ગઈ હતી. તેમને સિંહદર્શનનો લાભ મળશે અને સાથે સાથે રોજડા, હરણ, વાંદરા, નીલગાય છૂટક મૂટક જોવા મળી જશે એવું અનુમાન હતું. પણ તેની જગ્યાએ કૂતુહલ સર્જાયું હતું. સિંહદર્શન કરતા પણ દુર્લભ દર્શન થાય એવા દીપડાઓ દેખાઈ ગયા હતા.
વાઈરલ થયેલા વીડિયોમાં દેખાય છે કે ત્રણ દીપડાઓ જંગલમાંથી પસાર થાય છે. જેમાંથી એક દીપડો તો પોતાના કૌશલ્યનો પૂરાવો આપતા સડસડાટ ઝાડ ઉપર ચડી ગયો હતો. શિકારની શોધમાં એ દૂર નજર નાખી લે છે. પ્રવાસીઓએ આ ક્ષણને પોતાના કેમેરામાં ઝડપી લીધી હતી. વન વિભાગના સુત્રો તરફથી મળતી જાણકારી પ્રમાણે આ પ્રકારની દીપડાઓના દેખાવાની ઘટના જ્વલ્લે જ જોવા મળતી હોય છે.
ઉલ્લેખનીય છે કે જંગલમાં શાતિર શિકારી તરીકે ઓળખાતા અને ભૂતકાળમાં માનવ વસાહતો પર હુમલો કરનારા દીપડાને વિહરતા જોઈ પ્રવાસીઓ પણ રોમાંચિત થઈ ગયા હતા. દીપડાઓ થોડી થોડી વારે ઝાડ ઉપર ચડી જઈ શિકારની શોધ કરતા હોય તેવું લાગતું હતું. જોકે પ્રવાસીઓના મનોરંજનમાં તેમણે કોઈ ખલેલ પહોંચાડી નહોતી અને પોતાના આટાફેરામાં મગ્ન રહ્યા હતા.
તાજેતાજો ઘાણવો
- પહેલગામમાં આતંકી હુમલામાં 26 પ્રવાસીઓના મોત, આતંકીઓએ નામ પૂછીને ગોળી મારી
- રાજકોટ-મુંબઈ વચ્ચે દોડશે સુપરફાસ્ટ તેજસ ટ્રેન, જાણી લો ટાઈમટેબલ
- રાજ્ય સરકારના કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં વધારો
- ઊના: સૈયદ રાજપરામાં થયેલી ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલાયો, પાડોશી મહિલાએ જ કરી કળા !
- સુરેન્દ્રનગરમાં સી.યુ. શાહ ટી.બી. હોસ્પિટલની બેદરકારીના કારણે દીકરીનો જીવ ગયો હોવાનો આરોપ