Homeગુર્જર નગરીતાલાલા-સાસણ ગીર: “જેમ-જેમ આંબા પરથી કેરી ખરી રહી હતી તેમ-તેમ આંખમાંથી આંસુ...

તાલાલા-સાસણ ગીર: “જેમ-જેમ આંબા પરથી કેરી ખરી રહી હતી તેમ-તેમ આંખમાંથી આંસુ સરી રહ્યા હતા”

શૈલેષ નાઘેરાઃ ગીર પંથકના ખેડૂતોને બેવડો માર પડ્યો છે. ગીરમાં આ વર્ષે પહેલાંથી જ કેરીનો પાક ઓછો હતો એવામાં હવે વરસાદે ખેડૂતોની કમર તોડી નાખી છે. વરસાદ અને ભારે પવનના કારણે કેરીનો તૈયાર પાક ખરી પડ્યો છે જેને લઈને હવે ખેડૂતોને માથે હાથ દઈને રોવાનો વારો આવ્યો છે. ટીમ ચાબુકે ગીરના ખેડૂતોની મુલાકાત લીધી હતી અને ખેડૂતોના આંબાના બાગમાં પણ જાતનિરીક્ષણ કર્યું હતું.

ખેડૂતોના આંબાના બાગમાં નજર કરી ત્યારે ટીમ ચાબુકને થયું હતું કે નીચે પડેલી આ કેરીઓ માત્ર કેરીઓ જ નહીં પરંતુ ખેડૂતોનું આખા વર્ષનું અન્ન છે. કેટલાક ખેડૂતો કેરીના પાકમાંથી જ આખા વર્ષનો ખર્ચો કાઢતા હોય છે. તો કેટલાક ખેડૂતોએ પોતાના બાગ ઈજારેદારોને આપી દીધા છે એટલે કે જે ખોટ આવી છે તે ઈજારેદારોને ભોગવવાની રહેશે. એક ખેડૂતે જણાવ્યું કે, શનિવારે જેમ-જેમ આંબા પરથી કેરીઓ ખરી રહી હતી તેમ તેમ અમારી આંખમાંથી આંસુ પડી રહ્યાં હતા.

તાલાલા પંથકના ખેડૂતો અને ઈજારેદારોએ કહ્યું કે, વરસાદ અને વાવાઝોડાએ કેસર કેરીનો પાક બરબાદ કરી નાખ્યો છે. કેરી ઓછી હતી એનો વાંધો ન હતો તેમાંથી અમને બે પૈસા મળવાની આશા હતી. જોકે હવે આ ખરી ગયેલી કેરીને અમારે કાચી વેચવી પડશે. તમે એમ માની લો કે બાગનો અડધો-અડધ પાક બરબાદ થઈ ગયો છે. અમે સરકારને વિનંતી કરીએ છીએ કે સરકાર આ તરફ પણ નજર કરે.

વિશ્વ વિખ્યાત ગીરની કેસર કેરીને પ્રતિકૂળ વાતાવરણનું જાણે ગ્રહણ લાગ્યું હોય તેમ છેલ્લા સાતેક વર્ષથી કેસર કેરીનો પાક ઘટી રહ્યો છે. પ્રતિકૂળ વાતાવરણના પગલે આ વર્ષે 60 ટકાથી વધુ પાક નિષ્ફળ રહ્યો હતો અને 30થી 40 ટકા જેટલો કેસર કેરીનો ફાલ આંબા પર રહ્યો હતો પરંતુ શનિવારે આવેલા કમોસમી વરસાદે આ રહ્યા સહ્યા પાકને પણ બરબાદ કરી નાખ્યો છે.

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments