એલા ચાબુક ઘરની બહાર ન નીકળતો બાપલિયા. ભયાનક દૃશ્યો દેખાય છે. કોરોના જાણે હોય જ નહીં અને કોઈ કોરોણીની બીક જ ન હોય એમ સંધાય હાલી નીકળ્યા છે. ટોળાટોળા ઉમટે છે.
વાત માંડીને કરું. રાજકોટમાં આવેલી છે સદરબજાર. આ બજાર એવી છે કે જ્યાં દિવાળીની ખરીદીની મોટાભાગની વસ્તુ મળી જાય. આ વિસ્તારમાં માનવ મહેરામણ ઉમટ્યું છે. સવારમાં તો કાગડા ઉડતા હોય પણ સાંજ થતા થતા ચિક્કાર ભીડ થઈ જાય છે.
કોઈએ સાચું જ કહ્યું છે આ રંગીલા લોકો છે. હું તો બે દિવસથી વાત કરું છું કે આ લોકોને જરા અમથી પણ બીક નથી? કોઈ ભીડ જોઈને પણ ભાગતું નથી!
અમદાવાદમાં તો જ્યાં જ્યાં ભીડવાળી જગ્યા હોય ત્યાં તાત્કાલિક હોમગાર્ડના જવાનોને ખડેપગે રાખી દેવામાં આવ્યા છે. જોકે અમદાવાદમાં પણ લાલ દરવાજા બાજુ અગણિત લોકો ઉમટી પડે છે. એના વરવા દૃશ્યો તો ગોવાબાપાના અગાઉના લેખમાં તું જોઈ જ ચૂક્યો છો. એ જગ્યા ખૂબ જ સાંકડી છે. માણસો કરતાં વાહનોની સમસ્યા ત્યાં પનપતી રહી છે. હવે અહીં લોકો કોરોનાને વેલકમ કરવા આવ્યા હોય એ રીતે ઉમટ્યા છે.
‘તમારું શું કેવું છે ગોવાબાપા?’
અરે સાદાઈથી પણ ઉજવણી થાય જ ને. નજીકની દુકાનમાંથી સામાન લઈ લો. ઓનલાઈન પણ ઘણી વસ્તુ મળે છે. મીઠાઈ સહિતની વસ્તુઓ ઘરે બનાવો.
સોશિયલ મીડિયામાં ઘણા કહે છે કે, ‘એક વખત ફટાકડા ફોડીએ એમાં થોડું પોલ્યુશન થાય? આખુ વર્ષ તો થાય જ છે.’
અરે મારા મિત્રો. ફટાકડાની એકસાથે ધડાધડી કરતાં હોઈએ ત્યારે તમારી આજુબાજુ થતો ધુમાડો જોયો છે. કાલ તો હું ચાબુક ઓફિસેથી જતો હતો એવામાં કોઈએ સામો બોમ્બ ફેંક્યો. મારી તો ધોતીમાં જતાં જતાં રહી ગયો. ન્યાંથી બચીને આગળ નીકળ્યો તો કોઈએ લાઈન ફોડી. ધોતીયામાં બે કાણા થઈ ગ્યા.
તમારે ધડાકા કરવા હોય તો કરો. પણ ગાઈડલાઈનનું પાલન આ વર્ષને જોતા ચોક્કસ કરો. આ વર્ષ રાક્ષસ બનીને આપણી ઉપર કેર વર્તાવી રહ્યું છે. આપણે આપણી આસપાસના ઘણા લોકો ગુમાવ્યા છે. ગાંધીજી જે સાદગીની વાત કરતા એ સાદગી આ દિવાળીમાં લાવી શકો છો.
પ્રધાનમંત્રીએ દિવા પ્રગટાવવાનું કહેલું હતું ત્યારે શું આપણે બધા ખરીદી કરવા ઉમટી પડ્યા હતા. ઘરમાં એક નજર નાખો. ગત્ત વર્ષના માટીના જૂના દિવા હશે જ. આપણે તો ગુજરાતી. કોઈ વસ્તુ નકામી ન જવા દઈએ. એમાં દિવા જવા દઈએ ?
‘ગોવાબાપા મારી પાસે એક મસ્ત વિચાર છે કઉં.’
‘કે…’
‘પ્રતીક ગાંધી હર્ષદ મહેતાની સ્કેમમાં નથી કહેતો કે ગુજરાતીઓના જીવનમાંથી ફાફડા કોઈ કાઢી ન શકે. તે આ વખતે બધા ભેગા થઈ મીઠાઈની જગ્યાએ જેવા બને એવા ચણાના લોટના ફાફડા બનાવીએ તો કેવું રહે ? ઘરે રહેવાનું અને ઘરે ખાવાનું.’
ઘર ઘરમાં જ ઉજવણી કરવી હોય તો તારી વાત સાચી. ગાંઠીયાને તો કોઈ ન પહોંચે. એમાંય ગાઠીયા ખાધા પછી જો જગમાલની ચા હોય તો તો વાત જ ન પૂછો.
એલા વાઘ ખાઈ જશે
બીજી વાત ચાબુક. આજે વાક્બારસ છે. વાઘબારસ નથી. ઘણા તો એમ લખતા હતાં ચાબુક કે. મારા વાઘ જેવા મિત્રોને વાઘબારસની શુભકામનાઓ. અરે વાઘને જો ખબર પડેને તો જંગલમાંથી સીધો ચાલ્યો આવે. ઉજવણી કરવા નહીં એને ખાવા.
વાક એટલે વાચા થાય. અર્થ થાય કે આખુ વર્ષ આપણે બોલીને બીજાનું સારું કરીએ. સરસ્વતીદેવીને એટલે જ બીજા શબ્દોમાં વાગ્દેવી તરીકે ઓળખવામાં આવે છે. વાકનું અપભ્રંશ કરી વાઘ કરી નાખ્યું. હવે બધા વાઘ વાઘ જામ્યા છે. તયે જે હોય એ. હાલ વાક્બારસની ટીમ ચાબુક તરફથી આપ સૌને શુભકામનાઓ.
ગુજરાત સરકારની ભેટ
ગુજરાત સરકારે ફરી એક વખત સરકારી કર્મચારીઓ માટે મોટો નિર્ણય લીધો છે. 5 લાખ સરકારી કર્મચારીઓને એડવાન્સ 10 હજાર રૂપિયા આપશે. એ પણ વગર વ્યાજે. જેને 10 મહિનામાં 10 હપ્તામાં ચૂકવવાનું રહેશે.
કોંગ્રેસમાં સાફ સફાઈના એંધાણ
હવે ગુજરાતમાં ઠપકા મળી રહ્યા છે. કોને મળી રહ્યા છે ચાબુક ?
‘ગોવાબાપા કોંગ્રેસને.’
વાહ. શીખી ગયો હો તું. અહેવાલ મળી રહ્યા છે કે આઠમાંથી એક પણ સીટ જીતી ન શકતાં પ્રભારી રાજીવ સાતવને હાઈકમાન્ડ તરફથી ઠપકો આપવામાં આવ્યો છે. એવી પણ ખબરો વહેતી થઈ છે કે દિવાળી પછી કોંગ્રેસમાં સાફ સફાઈ થઈ શકે છે.
આ સાફ સફાઈમાં કોંગ્રેસના વિપક્ષના નેતા પરેશભાઈ ધાનાણી અને પ્રદેશ અધ્યક્ષ અમિતભાઈ ચાવડાનો સમાવેશ થાય છે. એટલે વાત એવી છે કે પત્તુ કપાઈ જાશે.
એક તો એવી વાત પણ છે કે હાર્દિકભાઈ પણ નહીં રહે. એમને કાર્યકારી અધ્યક્ષ તરીકેનો પદભાર સોંપવામાં આવ્યો હતો. હવે વાત એવી સામે આવી છે કે OBCના મત તો આવ્યા નહીં. એવીય વાત છે કે હાર્દિક પટેલનું જોર ચાલે છે. એ પાટીદારોના મતો પોતાના ભાષણ અને રેલીથી અંકે કરી શકે છે, પણ એ મત પણ એમને મળ્યા નહીં. ધારી, અબડાસા, મોરબી અને લીંબડી આ ચાર બેઠક પર હાર્દિકનો જાદુ ચાલ્યો નહીં.
હવે તું વિચાર કે આ લોકોને જો કોંગ્રેસ રિપ્લેસ કરવા માગે છે. અંગ્રેજીમાં રિપ્લેસ જ કહેવાય ને ચાબુક ? એમની જગ્યાએ બદલી આખુ માળખુ ચેન્જ કરવા માગે છે, તો પછી નવા કોણ હશે ? સમસ્યાનું સમાધાન હવે કોંગ્રેસે ખૂદ શોધવું પડશે. રાજકારણમાં સતત હાર કાર્યકરોને નિરાશ કરી દે છે. મહેનત કરી હોય છે પણ ફળ નથી મળતું ત્યારે ખાસ. ઉપરથી સ્થાનિક સ્વરાજની ચૂંટણી પણ છે. નિરાશ ન થતા. જનતાએ તમને સાવ જાકારો તો આપ્યો જ નથી. સાવ જાકારો આપ્યો હોત તો 2017માં આટલી સીટ થોડી આવેત. ચાલો તયે ગોવાબાપા હવે કાલે મળશે.
(ગોવાબાપાની અનુભવી કલમે લખાયેલા રાજકારણના હાસ્ય-વ્યંગ અને કટાક્ષ સાથે માહિતીસભર સમાચાર વાંચો રોજ સાંજે)