ન જાણ્યું જાનકી નાથે આવતી કાલે શું થવાનું છે ? અર્નબ શું કરે એ નક્કી નથી હોતું. એ શું બોલશે એ જ નક્કી નથી હોતું. આ તો ગળાની અંદર દબાયેલું ટેલેન્ટ છે કે જ્યારે પણ બોલે કોઈનું નામ લઈને જ બોલે. ગઈકાલે છૂટેલા અર્નબ ગોસ્વામીએ ઘરે જઈ આરામ નથી કર્યો. એ સ્ટુડિયોમાં જ છે. જંગી મેદની વચ્ચે તેણે આઝાદીના નારા લગાવીને જુલસ કાઢ્યું. વંદે માતરમના નારા લગાવ્યા.
અને આજે એણે એક મોટું એલાન કરી દીધું. ભારતના તમામ રાજ્યોમાં રિપબ્લિક નેટવર્કની ચેનલ હશે. આ સમાચાર મળ્યા રિપબ્લિક ન્યૂઝ નેટવર્કની વેબસાઈટ પરથી. જેમણે આ ખબરને એક સમાચારની તરીકે પ્રેઝન્ટ કરી છે!!
રિપબ્લિક નેટવર્કની ટીમને મળીને તેણે કહ્યું કે, ‘રમત તો હજુ શરૂ થઈ છે.’ આમ કહી તેણે ધડાધડ તમામ રાજ્યોમાં આપણી ચેનલ હોવી જોઈએ એ વાત મૂકતા તાળીઓના ગડગડાટ થઈ ગયા.
અર્નબ ગોસ્વામીએ કહ્યું છે કે, ભારતના દરેક રાજ્યમાં રિપબ્લિક ચેનલને લોન્ચ કરવામાં આવશે. આ સાથે જ ઈન્ટરનેશનલ મીડિયા પ્લેટફોર્મ પર પણ લઈ જવામાં આવશે. આ કામ આગામી 11-12 મહિનામાં આટોપવામાં આવશે. એણે તો વધુ એમ પણ કહ્યું કે, ચેનલને જેલમાં પણ લોન્ચ કરીશું!!!
#ArnabIsBack | Amid unprecedented support, Republic Media Network's Editor-in-Chief out of Taloja jail; Tune in to watch #LIVE here – https://t.co/rGQJsiKgt2 pic.twitter.com/dNsKo2llkC
— Republic (@republic) November 11, 2020
બુધવારે તલોજા જેલમાંથી છૂટેલા અર્નબ ગોસ્વામીને જોવા માટે મોટી સંખ્યામાં તેના સમર્થકોની ભીડ ઉમટી પડી હતી. અર્નબે આ સમર્થકોની સામે નારા લગાવ્યા હતા અને તેના વિરોધીઓની હાર થઈ રહી છે તેવું કહ્યું હતું.
હવે ગુજરાતમાં અર્નબની ચેનલ આવશે તો કેટલાક પત્રકારોને જેઓ જમ્પ મારવા માટે અધીરા બન્યા હશે તેમને મજા આવશે. દર્શકોને નહીં મજા આવે. તેની પાછળનું કારણ એ છે કે ગુજરાતી મીડિયા ચેનલો નેશનલની સાથે એ મીડિયા ચેનલને ફોલો કરતી હોય છે જેઓ ટીઆરપીમાં પ્રથમ નંબર પર આવે.
#ArnabIsBack | Arnab Goswami to step out of Taloja jail in minutes; Citizens gathered outside hold their torches up to welcome him; Tune in to watch #LIVE here – https://t.co/RZHKU3wOei pic.twitter.com/gX8rpbM6Bo
— Republic (@republic) November 11, 2020
ચેનલની અંદરનું વાતાવરણ એવું હોય છે કે, ફલાણી ચેનલમાં જે દેખાડે, એ પોતે ન દેખાડ્યું હોય તો તાત્કાલિક એ મંગાવવાની હોડ જામી જાય. હવે માની લો કે આગામી એક વર્ષની અંદર અર્નબની ચેનલ ગુજરાતમાં પ્રવેશ કરે છે. તે સ્ટાફ ભરી અહીં પત્રકારત્વ- જેને એ લોકો કહે છે તે કરે છે. અને તે નંબર વન બની પણ જાય છે. તો ગુજરાતની બાકીની ચેનલો પણ થોડા અંશે તો થશે જ કે આમ કર્યું હોય તો ?
અર્નબની ન્યૂઝ ચેનલ ગમે તે કરે છે. બધા હસે છે. પણ જોવે પણ છે ને ? તેની ચેનલ જે કરતી હોય એ પણ જોવાય છે. તેના પર મીમ બને છે અને વીડિયો બને છે. અને તે આખો દિવસ કોઈ પણ રીતે ચર્ચાનો મુદ્દો બનીને જનતાની આંખ સામે આવ્યા કરે છે.
અર્નબની ચેનલમાં કામ કરનારાઓ પાસે ત્રણ વસ્તુ હોવી જોઈએ. જેને તેઓ સ્કીલ કહે છે. ઊંચો અવાજ. જેથી બરાડા પાડી શકે. બીજી વાત કે અભિનય ક્ષમતામાં પાવરધા હોવા જોઈએ. ત્રીજી અને મહત્વની વાત રિપોર્ટરને થોડું દોડતા આવડવું જોઈએ. કૂદકા મારવાનું ક્વોલિફિકેશન હોય તો એના જેવી કોઈ ગુણવત્તા નથી. કેમેરામેન ખૂબ બાહોશ હોવો જોઈએ. લાગે છે અર્નબની ચેનલમાં કામ કરનારો કે કામ કરીને બહાર નીકળનારો કેમેરામેન વિશ્વની કોઈ પણ મોટી ઘટનાનું શૂટિંગ કરી શકે. જ્વાળામુખી ફાટે તો ત્યાં પણ!!
ગઈકાલે જ અર્નબની આઝાદી પર ચેનલમાંથી કોઈ એન્કર બેનના બોલવાનો અવાજ આવી રહ્યો હતો કે, ‘પત્રકારત્વ આમ ન હોય એ કેટલાક પત્રકારોએ નહીં જનતાએ નક્કી કરવાનું છે.’ તો ઠીક છે પધારો મારા ગુજરાત. ચેનલોમાં ધીમે ધીમે ગુણવત્તા જેવું પીરસવા કરતાં ગુણાકાર કરી ડબલ પીરસવાની હોડ જ ચાલે છે. જોકે એ સાચેક આવે છે કે નહીં એ પણ જોવાનું છે. છાશવારે એ વાત અફવા બનીને પત્રકારોની આસપાસ ઉડતી રહે છે કે, ‘આજતક ગુજરાતીમાં આવે છે. રિઝ્યુમ તૈયાર રાખજો.’ હજુ તો આવી નથી.