ચાબુક તને ખબર તો છે પણ અંદરખાને આપણને શું ખબર ? વિજયભાઈ રૂપાણીએ એમ કહ્યું કે કોંગ્રેસના ધારાસભ્યો જયપુર સ્વીમીંગપુલમાં ધુબાકા મારવા અને દારૂ પીવા ગયા હતા. અમિત ભાઈ ચાવડાએ ખૂદ વિજયભાઈને સામો સવાલ કર્યો છે કે, ‘અહીં મળે એનું શું ?’
અમિતભાઈ ચાવડાએ તો ત્યાં સુધી કહ્યું કે, ‘દારૂની રેલમછેલમ માટે સીએમ કાર્યાલય સુધી હપ્તા પહોંચે છે. જુગારધામ પણ હપ્તાખોરીના કારણે જ ચાલે છે.’
હવે કોંગ્રેસ બચારી કરે તો શું કરે ? એ રાજ્યસભાની ચૂંટણીમાં ધારાસભ્યો બચાવવા જયપુર જાય તો બીજી ચૂંટણીમાં ભાજપ એમ આક્ષેપ કરે કે એ દારૂ પીવા ગયા હતા. અને નો જાય તો અહીંથી બધી વિકેટો ધડાધડ પડવા માંડે.
પછી સાંભળ ચાબુક આગળ વાત કરું. અમિત ભાઈ ચાવડાએ તો એમ પણ કહ્યું કે, ‘વિજયભાઈને બીક છે કે હવે ભાઈનું ચાલશે કે ભાઉનું ચાલશે?’
હું તો ચાબુક શ્વાસ લઉં કે હાશ આ મુદ્દો પુરો થયો ત્યાં વચ્ચે લલિતભાઈ વસોયા આઈવા. એમણે સૌથી મોટી વાત કાઈઢી, ‘એ કહે રિસોર્ટમાં તો અક્ષય પટેલ હતા, બ્રિજેશ મેરજા હતા, જીતુ ચૌધરી હતા. કોંગ્રેસના નેતા જ દારૂડિયા હોય તો એમને જ કાં લઈ ગ્યા.’
‘વાહ ગોવા બાપા, લલિતભાઈ તો મુદ્દો લઈ આવ્યા.’
હે ચાબુક. આપણે કાલ વાત કરતાં હતા ત્યારે હું નહોતો કહેતો, કે કાલ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી પ્રચારમાં આવે છે. હવે જ ખરાખરીનો ખેલ જામશે. જોકે આ મુખ્યમંત્રી માટે પ્રથમ વખત નથી. એકાદ વર્ષ પહેલાની જ વાત છે. રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોતે પણ કહેલું કે, ‘ગુજરાતમાં દારૂ ન વેચાતો હોય તો હું મુખ્યમંત્રી પદ છોડી દઉં.’ આ વાત ઉપર લાંબું રાજકીય યુદ્ધ ખેલાયું હતું. અશોકભાઈના નિવેદનથી શાંત રહેલી ગુજરાત કોંગ્રેસને પણ એક મુદ્દો મળ્યો હતો.
‘એ મુકો આ હમણાં અલ્પેશભાઈ ઠાકોર શું કરે છે? એ પણ ભાજપમાં જ છે ને ?’
એ પણ સ્ટાર પ્રચારક છે. પણ એ શું ? ભાજપે એમનો મોડો સ્વીકાર કર્યો. એ ખૂદ કહે છે કે, ભાજપના કાર્યકરોમાં મારી સ્વીકૃતિ થવામાં વાર લાગી. એ ગમે એ કહે ચાબુક, પણ અલ્પેશ ભાઈ સ્ટાર પ્રચારકમાં હજુ આવે છે એ જ મોટી વાત છે.
ચૂંટણી છે એટલે આવા આક્ષેપો ને પ્રતિઆક્ષેપો તો થયા કરે. આજની ચૂંટણીની સૌથી મોટી ખબર છે બિહારના ચૂંટણી ઢંઢેરામાંથી.
‘લે ન્યાં શું થ્યું ?’
એલા ચાબુક ઝપટ બોલાઈવ. થાય એટલી જલદીથી બિહારની નાગરિકતા લઈ લે. હડી કાઈઢ.
‘કેમ?’
આજના બિહારના ચૂંટણી ઢંઢેરામાં એ વાત થઈ છે કે કોરોનાની વેક્સીન આવે એટલે સૌથી પહેલા બિહારને આપવામાં આવશે.
‘પણ સૌથી વધારે તો મહારાષ્ટ્રમાં ફેલાણો છે. દિલ્હીને જરૂર છે. એ બાપા તો તો આપણો ગુજરાતનો છેક 2022માં વારો આવે.’
મને લાગે આ મરી ગ્યો વુહાનિયો બે વરહ રેહે, ઈ વાત ગુજરાતના કિસ્સામાં ક્યાંક સાચી ન પડી જાય. તે હા ચાબુક હવે તો સોશિયલ મીડિયા ઉપર ચૂંટણી ઢંઢેરો મજાકનો વિષય બની ગયો છે. આમ તો ચૂંટણી ઢંઢેરો એટલો અઘરો હોય ને કે, યાદ જ ન રહે. પણ શું કહું ? કોરોનાના કારણે બધાને આજીવન યાદ રહી જાહે, કે સરકારે મહામારીમાં પણ રાજકીય ફાયદો શોધી લીધો હતો.
ચાબુકની ટીમે જે મેટર ત્રણ વાગ્યે ચડાવી ત્યાં રાહુલ ગાંધીએ પણ એવો જ જવાબ ટ્વીટર પર આપ્યો કે, કોરોનાની વેક્સિન મફતમાં જોતી હોય તો તારીખ નક્કી કરી લો કે તમારા રાજ્યમાં ચૂંટણી ક્યારે છે.
भारत सरकार ने कोविड वैक्सीन वितरण की घोषणा कर दी है।
— Rahul Gandhi (@RahulGandhi) October 22, 2020
ये जानने के लिए कि वैक्सीन और झूठे वादे आपको कब मिलेंगे, कृपया अपने राज्य के चुनाव की तारीख़ देखें।
શશી થરૂરે સુભાષચંદ્ર બોઝના લોકપ્રિય નારાને લઈ ફેસબુક પર લખ્યું છે, ‘તુમ મુજે વોટ દો મેં તુમ્હે વેક્સિન દુંગા.’ પછી હું ન વાંચી શક્યો. બોવ અઘરૂ અંગ્રેજી હતું.
तुम मुझे वोट दो मैं तुम्हे वैक्सीन …. what appalling cynicism! Will the ElectionCommission rap her & her shameless Govt on the knuckles? https://t.co/ri1UlWWmgD
— Shashi Tharoor (@ShashiTharoor) October 22, 2020
રણદીપ સુરજેવાલાએ આ ઢંઢેરાને બિહારની જનતાનું અપમાન ગણાવ્યું. એટલે આવું છે આજનું ચાબુક…
હવે સાંભળ બીજી એક વાત કઉં…? એલા ચાબુક આ બિસ્ત્રા પોટલા બાંધીને તું ક્યાં હાઈલો ?
‘બિહાર. હવે ગોવા બાપા ફોનમાં જ બધી વાત કરીશું. વેક્સિન માટે થઈને હું ચૂંટણીની રાહ નહીં જોઈ શકું.’
(ગોવા બાપાની અનુભવી કલમે લખાયેલા રાજકારણના હાસ્ય-વ્યંગ અને કટાક્ષ સભર સમાચારો વાંચો રોજ સાંજે)