હવે વિરાટ કોહલીને જ્યારે જોઈએ ત્યારે એક એગ્રેસિવનેસ ગ્રાઊન્ડ પર દેખાય છે. તેની પહેલાના કેપ્ટન ધોનીને જોઈએ તો શાંતિનો ચંદરવો પથરાયેલો દેખાતો. સૌરવ ગાંગુલીને જોઈએ તો લોર્ડ્સ પર ઉઘાડા ડિલ વાળો અને હાથમાં જર્સી ઘુમાવતો કેપ્ટન દેખાતો, પણ આજે કેપ્ટન નહીં ત્રણ ટક્કરની વાત કરીએ. સચિન અને અબ્દુલ કાદિરની અણીયારી આંખોવાળી ફાઈટિંગથી તો પરિચિત હશો, પણ બાકીની બે તમને નહીં ખબર હોય. ગ્રાઊન્ડની અંદર બે પ્રકારની રમત ચાલતી હોય. એક તમે બોલ અને બેટનું યુદ્ધ જોતા હો અને બીજું તેના માલિકોનું યુદ્ધ જોતા હો.
સચિન અને અબ્દુલ કાદિર
સચિને માત્ર 16 વર્ષની ઉંમરે ભારતીય ક્રિકેટ ટીમમાં પર્દાપણ કર્યું હતું. આ વાત તમામ લોકો જાણે છે. 16 વર્ષની ઉંમરે તેણે પાકિસ્તાન સામે પ્રથમ મેચ રમી હતી. આ દરમિયાન જ સચિન અને અબ્દુલ કાદિર વચ્ચે થયેલી ટક્કરને આજે પણ બંને દેશના ક્રિકેટપ્રેમીઓ યાદ કરે છે.
વાત છે 1989ની. જ્યારે ભારતીય ટીમ પાકિસ્તાન સામે પેશાવરમાં મેચ રમી રહી હતી. સચિન તેંડુલકર પીચ પર હતો. ઉંમર બહુ નાની હતી એટલે દર્શકો તેની મજાક ઉડાવી રહ્યા હતા. કેટલાક દર્શકોએ તો પ્લેકાર્ડમાં ‘દૂધ પીતું બાળક’ એવું લખીને સચીનની મજાક ઉડાવી. પરંતું ત્યારબાદ મેદાન પર સચિને જે કર્યું તેનાથી તમામની બોલતી બંધ થઈ હતી. અને પ્લેકાર્ડ પણ સાઈડમાં રહી ગયા.
સચિન સામે સ્પીનર મુસ્તાક અહમદ બોલિંગ કરી રહ્યો હતો. સચિને મુસ્તાકની એક જ ઓવરમાં બે છગ્ગા ફટકાર્યા. આ સમયે જ પાકિસ્તાનનો સિનિયર ખેલાડી અબ્દુલ કાદિર સચિન પાસે આવ્યો અને કહ્યું, ‘બાળકને મારી રહ્યો છે, અમને પણ મારીને બતાવ.’

સચિને કાદિર સાથે વધારે વિવાદ ન કરતા બેટથી જ જવાબ આપવાનું વિચારી લીધુ. ત્યારબાદ જ્યારે કાદિર બોલિંગ ફેંકવા માટે આવ્યો ત્યારે સચિને એક જ ઓવરમાં ત્રણ છગ્ગા ફટકાર્યા. અને કાદિરની બોલિંગને ફિક્કી સાબિત કરી દીધી. સચિનની બેટિંગ જોઈ કાદિર ખુદ હેરાન થઈ ગયો. તેણે સચિનને તાલીઓથી વધાવ્યો એટલું જ નહીં હાથ જોડીને પ્રણામ પણ કર્યા.
થોડા વર્ષો બાદ અબ્દુલ કાદિરે એક ખાનગી ચેનલને ઈન્ટરવ્યૂ આપ્યો. જેમાં તેણે કહ્યું કે, ‘મને આ પહેલાં કોઈએ એક ઓવરમાં ત્રણ છગ્ગા ન હતા ફટકાર્યા. મે બોલિંગ કરી હતી તેમાં મારો અનુભવનો નિચોડ હતો. અનુભવ સાથે વિચારીને જ દડા ફેંક્યા હતા છતાં તે છોકરાએ મારી ધોલાઈ કરી નાખી.’
પાર્થિવ પટેલ અને સ્ટીવ વૉ
પાર્થિવ પટેલે 17 વર્ષની ઉંમરે ભારતીય ટીમમાં પગ મુક્યો હતો. વિકેટ કિપર તરીકે તેને ટીમમાં જગ્યા મળી હતી. 2004ની વાત છે. જ્યારે ઓસ્ટ્રેલિયાના સિડનીમાં ટેસ્ટ મેચ રમાઈ રહી હતી. ઓસ્ટ્રેલિયન ખેલાડી સ્ટીવ વોની આ અંતિમ મેચ હતી. એટલે જ કાંગારું ટીમ આ મેચ ગમે તે ભોગે જીતવા માગતી હતી. પરંતું ઓસ્ટ્રેલિયની શરૂઆત સારી ન રહી.
શરૂઆતમાં જ વિકેટ પડી ગઈ. મેદાન પર સ્ટીવ વો રમી રહ્યો હતો અને પોતાની ટીમને હારથી બચાવવા પ્રયાસ કરી રહ્યો હતો. એવામાં પાર્થિવ વિકેટ પાછળથી બોલ્યો, ‘કમ ઓન સ્ટીવ સંન્યાસ લેતા પહેલાં વધુ એક સ્લોગ સ્વીપ લગાવીને બતાવ.’

પાર્થિવનું આ ટોણુ સ્ટીવને ન ગમ્યું. એટલે સ્ટીવે તરત વળતો જવાબ આપ્યો અને કહ્યું, ‘જો મિત્ર સિનીયરોનું સન્માન કર. કેમ કે તું જ્યારે ઘોડિયામાં હતો તેના 18 વર્ષ પહેલાંથી હું ક્રિકેટ રમુ છું.’ ત્યારબાદ પાર્થિવ પટેલ એકદમ શાંત થઈ ગયો તે કંઈ બોલી ન શક્યો. સ્ટીવે બીજી ઈનિંગમાં 80 રન બનાવ્યા હતા. સ્ટીવના 80 રનની મદદથી ઓસ્ટ્રેલિયા આ ટેસ્ટ ડ્રો કરાવવામાં સફળ રહી હતી.
મોહમ્મદ કૈફ અને મૈકમિલન.
2003માં બનેલો આ કિસ્સો આમ તો બહુ જાણીતો છે. 2003માં વિશ્વ કપ દરમિયાન ભારત અને ન્યૂઝિલેન્ડ સુપર-6 રાઉન્ડમાં આમને-સામને હતા. ન્યૂઝિલેન્ડ પ્રથમ બેટિંગ કરતા 146 રનમાં ઓલ આઉટ થઈ ગઈ. જવાબમાં ભારતીય ટીમે પણ શરૂઆતના 21 રનમાં જ પોતાના ત્રણ મુખ્ય બેટ્સમેનની વિકેટ ગુમાવી દીધી. ત્યારબાદ મોહમ્મદ કૈફ બેટિંગ માટે ઉતર્યો અને રાહુલ દ્રવિડનો સાથ આપ્યો.

ન્યૂઝિલેન્ડ તરફથી મૈકમિલનને બોલ અપાયો. મૈકમિલન સતત શોર્ટપીચ બોલ ફેંકી રહ્યો હતો, સાથે જ કૈફને ઉશ્કેરવા માટે વચ્ચે-વચ્ચે કોમેન્ટ પણ કરી રહ્યો હતો. જો કે, આ વાતની કૈફ પર કોઈ અસર ન હતી પડી રહી. પરંતુ જ્યારે મૈકમિલન કોમેન્ટ કરવામાં હદ વટાવી ગયો ત્યારે અમ્પાયર રૂડી કોએર્ટજન તેના આ વર્તનથી નારાજ થયા. મૈકમિલન આગામી બોલ માટે રનિંગ લેવા જઈ રહ્યો હતો ત્યારે અમ્પાયર તેની પાસે ગયા અને મોઢા પર ટેપ લગાવી દીધી. ત્યારબાદ મૈકમિલને મેચ પૂરી થયા સુધી એક પણ કોમેન્ટ ન કરી.