Team Chabuk-Gujarat Desk: ગુજરાતમાં એસીબીએ લાંચીયા અધિકારીઓ પર કડક કાર્યવાહી કરવાનું શરૂ કર્યું છે. જેમાં વલસાડ જિલ્લાના ઉમરગામ તાલુકાના સોળસુંબા ગામના ડેપ્યુટી સરપંચ અને હંગામી ક્લાર્કને એસીબીની ટીમે લાંચ લેતા ઝડપી પાડ્યા છે. આ બન્ને દ્વારા ફરિયાદી પાસેથી કુલ રૂપિયા 15 લાખ લાંચ માંગવામાં આવી હતી. પ્રથમ હપ્તો સ્વિકારવા જતા જ બન્ને આરોપીઓ એસીબીના હાથે ઝડપાયા છે.
ગામના ઉપસરપંચ અમિત પટેલ અને હંગામી ક્લાર્કે કૃષાંગ ચંદારાણાએ ફરિયાદી પાસેથી લાંચ માગી હતી. ફરિયાદીને બાંધકામ માટે પંચાયતની રજા ચિઠ્ઠી અને ઠરાવ આપવાના બદલે 15 લાખની લાંચ માગી હતી. બાદમાં પતાવટ માટે 12 લાખમાં બંને રાજી થયા હતા. પ્રથમ હપ્તા પેટે 3 લાખની લાંચ લેતા જ બંને ACBના હાથે ઝડપાઈ ગયા હતા.
જાણો શું હતો ઘટનાક્રમ
વલસાડ જિલ્લાના સોળસુંબા ગામ ખાતે રહેતા ફરિયાદીની વડીલો પાર્જીત NA થયેલી જમીન આવેલી છે. જેમાં ફરિયાદીએ આ જમીન પર પોતાના રહેણાંક માટે મકાન બનાવવા ઉપરાંત કોમર્શિયલ બાંધકામ કરવાનું હોવાથી તેમણે ગ્રામ પંચાયતમાં રજા ચિઠ્ઠીની માંગણી કરી હતી. રજા ચીઠ્ઠી આપવા માટે સોળસુંબા ગામના ઉપ સરપંચ અમીત મણીલાલ પટેલ અને હંગામી ક્લાર્ક કૃષાંગ હિતેશ ચંદારાણાએ રૂપિયા 15 લાખ લાંચ માંગી હતી. જો કે, ફરિયાદી લાંચની રકમ આપવા માંગતા ન હોવાથી તેમણે સુરત એસીબીમાં આ અંગે સત્તાવાર ફરિયાદ નોંધાવી હતી જેથી એસીબીના પી.આઇ. શ્રીમતી એ.કે. ચૌહાણ સહિતના સ્ટાફે સોળસુંબા ગામ ગ્રામ પંચાયત ભવન સામે છટકું ગોઠવ્યું હતું.
હંગામી ક્લાર્ક તરીકે ફરજ બજાવતા કૃષાંગ ચંદારાણાએ ફરિયાદી પાસેથી લાંચની રકમ પેટે રૂપિયા ત્રણ લાખ સ્વિકારી અને આરોપી ડેપ્યુટી સરપંચ સાથે વાતચીત કરી પેમેન્ટ મળ્યું હોવાનું કન્ફર્મ કર્યું હતું. આ વાતચીત થયા બાદ તુરંત જ એસીબીની ટીમ ત્રાટકી હતી અને લાંચની રકમ સ્વિકારનાર કૃષાંગ ચંદારાણા તેમજ ડેપ્યુટી સરપંચ અમીત મણીલાલ પટેલને રંગેહાથ ઝડપી પાડ્યા હતા. આ બન્નેની અટકાયત કરીને તેમની સઘન પુછપરછ હાથ ધરવામાં આવી છે.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત
