Team Chabuk Sports desk: ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે શુક્રવારથી પાંચ મેચની ટી-20 સિરીઝ શરૂ થઈ રહી છે. બંને ટીમ લાંબા સમય બાદ ટી-20માં આમને-સામને આવશે. સિરીઝ દરમિયાન બંટીમ પોતાનું શ્રેષ્ઠ પ્રદર્શન આપી જીતનો સ્વાદ ચાખવા માગે છે. જો કે, તેના માટે ટીમના મુખ્ય બેટ્સમેનનું ફોર્મ જરૂરી છે. ભારત તરફથી વિરાટ કોહલી અને રોહિત શર્મા પર ક્રિકેટ રસિયાઓની નજર છે.
વિરાટ કોહલી આંતરરાષ્ટ્રીય ટી-20માં સૌથી વધુ રન ફટકારનારો ખેલાડી છે. એટલુ જ નહીં તેની એવરેજ પણ 50થી વધુની છે. જે આ ફોર્મેટમાં બહુ ઓછી જોવા મળે છે. ક્રિકેટ જગતમાં વિરાટ એક માત્ર એવો બેટ્સમેન છે જેણે ત્રણે ફોર્મેટમાં 50થી વધુ એવરેજથી રન બનાવ્યા છે.
ભારતીય કેપ્ટન વિરાટ કોહલી પાસે વધુ એક રેકોર્ડ પોતાના નામે કરવાની તક છે. વિરાટ કોહલીએ આંતરરાષ્ટ્રીય ટી-20માં કુલ 2 હજાર 928 રન બનાવ્યા છે. જો તે વધુ 72 રન બનાવશે તો તેના 3 હજાર રન પુરા થઈ જશે. આ સાથે જ વિરાટ ટી-20માં 3 હજાર રન બનાવનારો પહેલો બેટ્સમેન બની જશે.
વિરાટ કોહલીએ આંતરરાષ્ટ્રીય ટી-20 ફોર્મેટમાં અત્યાર સુધીમાં સૌથી વધુ 25 અર્ધશતક ફટકાર્યા છે. જો કે, વિરાટ કોહલી હજુ સુધી ટી-20માં એક પણ સદી ફટકારી શક્યો નથી. ટી-20માં તેને પોતાની પહેલી સદીની રાહ છે. કોહલી અને ભારતીય ટીમના ફેન્સને પણ આશા છે કે આ વખતે વિરાટ કોહલી પોતાની પહેલી ઐતિહાસિક સદી નોંધાવી દેશે. વિરાટ કોહલીએ વન ડે ક્રિકેટમાં 59.31ની એવરેજથી 12040 રન બનાવ્યા છે. જ્યારે ટેસ્ટ ક્રિકેટમાં કોહલીએ 52.37ની એવરેજથી 7 હજાર 490 રન અને ટી-20 આંતરરાષ્ટ્રીયમાં 50.48ની એવરેજથી 2 હજાર 928 રન બનાવ્યા છે. હવે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં કોહલીનું બેટ કેવું ચાલે છે તેના પર સૌની નજર છે.
મેચ પહેલાં વિરાટ કોહલીએ સ્પષ્ટ કરી દીધુ છે કે, ઓપનિંગ રોહિત શર્મા અને કે.એલ રાહુલ જ કરશે. એટલે કોહલીએ આડકતરી રીતે એવો પણ સંકેત આપ્યો છે કે, શિખર ધવનને ટીમમાં સ્થાન નહીં મળે. કોહલીએ સ્પષ્ટ કર્યું હતું કે, જો રોહિત આરામ લે અથવા તો કે.એલ.રાહુલ ઈજાગ્રસ્ત થાય તો ત્રીજા સલામી બેટ્સમેન તરીકે શિખર ધવનને સ્થાન મળશે.સાથે જ કોહલીએ ક્લીયર કરી દીધુ છે કે, વોશિંગ્ટન સુંદરના સારા પ્રદર્શનના કારણે આર. અશ્વિનને ટી-20 પ્લેઈંગ ઈલેવનમાં સ્થાન નથી મળ્યું.
આ ઉપરાંત કોહલીએ વરૂણ ચક્રવર્તી અંગે કહ્યુ કે, ફિટનેસ મુદ્દે કોઈ સમજૂતી નહીં થાય. સ્પીનર વરૂણ ચક્રવર્તી છેલ્લા કેટલાક સમયથી ફિટનેસની સમસ્યા સામે લડી રહ્યો છે. તેની ઓસ્ટ્રેલિયા પ્રવાસ પહેલાં પસંદગી કરાઈ હતી પરંતુ પાછળથી ખબર પડી હતી કે તેણે આ વાત છુપાવી હતી.
ઈંગ્લેન્ડ સામેની આ સિરીઝ એ વર્ષના અંતમાં આવનારા ટી-20 વિશ્વકપની તૈયારી પણ માનવામાં આવી રહી છે. ફેન્સને આશા છે કે જેમ ભારતીય ટીમે ટેસ્ટ મેચમાં ઈંગ્લેન્ડને હરાવ્યું તેમ ટી-20માં પણ ભારતીય ટીમ ઈંગ્લેન્ડને આરામથી હરાવી દેશે.