Team Chabuk-Gujarat Desk: જૂનાગઢ જિલ્લામાં આયુર્વેદિક પીણાના નામે નશાયુક્ત પીણાનો વેપાર ચાલતો હોવાનું સામે આવ્યું છે. આયુર્વેદિક પીણાના નામે ગેર કાયદેસર નશાયુક્ત પીણું પાનની દુકાને અથવા હર્બલ શોપમાં વેચાઈ રહ્યાની પોલીસને માહિતી મળી હતી આ મામલે જૂનાગઢ S.O.G પોલીસે જૂનાગઢ જિલ્લાના માળીયાહાટીના, ચોરવાડ અને વંથલીમાંથી અંદાજીત 1,200 બોટલો સીઝ કરી હતી અને પીણું વેચનારની અટકાયત કરી હતી. સૌરાષ્ટ્રના અનેક વિસ્તારોમાં પાનની દુકાનોમાં આ પ્રકારના પીણા મળતાં હોવાનું પણ જાણવા મળ્યું છે.

ગઈકાલે મોડી રાત્રે જૂનાગઢના પોશ વિસ્તાર એવા ઝાંઝરડા રોડ પર આવેલી કૈલાસ હર્બલ નામની દુકાનમાં SOG પોલીસે તપાસ હાથ ધરી હતી. દુકાનમાં બીયર બારની માફક ટેબલ ખુરશી પર નશો કરતા આઠ યુવાનો ઝડપાયા હતા. દુકાન માલિક દ્વારા ગ્રાહકોને નાસ્તાથી લઈ તમામ સુવિધાઓ આપવામાં આવતી હતી. પોલીસે દુકાનમાં રહેલા ફ્રીઝની તપાસ કરતા નશાયુકત ગેરકાયદેસર 300થી વઘુ બોટલો મળી આવી હતી. પોલીસે તમામ બોટલો સીઝ કરી દુકાનદાર તેમજ તેના મેનેજરની અટકાયત કરી લીધી છે.

જૂનાગઢ S.O.Gના P.S.I. એ. એમ ગોહિલ અને તેમની ટીમે જિલ્લામાં અનેક જગ્યાએ દરોડા પાડી અંદાજીત બે હજાર જેટલી બોટલો જપ્ત કરી ત્રણ લાખનો મુદામાલ કબ્જે કર્યો છે. પોલીસ તરફથી સીઝ કરાયેલા બોટલોના સેમ્પલ સ્ટેટ ડ્રગ્સ લેબોરેટરીમાં મોકલી આપવામાં આવ્યા છે. રિપોર્ટ આવ્યા બાદ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવશે.આયુર્વેદિક પીણાના નામે આ ગોરખધંધો કેટલા સમયથી ચાલતો હતો અને આ પીણાના ઉત્પાદન અને ડીલર સામે આવતા દિવસોમાં તપાસ કરવામાં આવશે તો આ કેસમાં મોટો પર્દાફાશ થાય તેવું લાગી રહ્યું છે. જોકે, પોલીસ કેવી કાર્યવાહી કરે છે તે જોવું મહત્ત્વનું બની રહેશે. સૌરાષ્ટ્રના અનેક ગામોમાં આવા પીણા મળી રહ્યાનું પણ કહેવાઈ રહ્યું છે.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત
