Team Chabuk-Gujarat Desk: આપણું એક ભજન છે. સૌરાષ્ટ્ર બાજુ મુલાકાત લેવાની થાય તો ત્યાં ચાની દુકાને સબડકા મારતા મારતા સાંભળી શકશો. ભજનને જ હેડિંગ બનાવ્યું છે. ‘નથી રહેવાતું હવે નથી રહેવાતું.’ આખો દિવસ ગુજરાતની જનતા મોબાઈલમાં ડોળા ફાડીને સ્લોટ બુક કરવાની પ્રતિક્ષા કર્યા રાખે છે, પણ સ્લોટ બુક થતો જ નથી. નિરાશ થાય છે. રોજ ઉઠે, મહેનત કરે, રાહ જુએ અને હતાશ થઈ પાછા ફરે કે બીજા દિવસે પ્રયત્ન કરીશું.
એવામાં ગઈકાલે સારા વાવડ આવ્યા. સમાચાર એવા કે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન એપોલો હોસ્પિટલને સાથે રાખીને GMDC ગ્રાઊન્ડ ખાતે વેક્સિન આપશે. વેક્સિન અને રજિસ્ટ્રેશન ત્યાં ઊભા ઊભા થઈ જશે. વેક્સિનની કિંમત 1000 રૂપિયા છે. સરકારે તો ખાનગીને 250 રૂપિયાનું કહ્યું છે.
આટલી પ્રાથમિક માહિતી તો કાલ મીડિયાના માધ્યમ થકી આપને મળી જ ગઈ હશે, પણ હવે જનતા કેવી બી ગઈ છે કે 1000 તો 1000 આજે વેક્સિનમાં ગમે તેટલી લાંબી લાઈન હોય લઈ જ લેવી છે. GMDC મેદાનમાં કારના થપ્પા ના થપ્પા લાગ્યા છે. કારમાં બેસીને વેક્સિન લેનાર આવે છે અને ટીકો મરાવી લે છે. કારમાં બેઠા હોય તો ફોટોમાં પણ સેલ્ફી લે છે! આખરે રૂપિયા દીધે થ્યું બાકી મફતમાં તો ન થ્યું.
સવારમાં છ વાગ્યાથી લાઈન લાગી ગઈ છે. સરકારે જ તો નક્કી કર્યું હતું કે ખાનગીવાળા 250માં વેક્સિનની સોઈ ભોંકી દેશે પણ 1000? આટલા બધા. લોકોની પણ મજબૂરી છે. લેવી તો પડશે જ. આપણી આંખ સામે કેટલાય લોકો મૃત્યુ પામ્યા. એમનું સ્મરણ કરતાં થોડી વાર માટે તો થોડી વાર માટે યમરાજ નથી દેખાઈ જતા?
કેટલાક મિત્રો તો એવા છે કે સવારમાં છ વાગ્યે આવ્યા ત્યારે નવ વાગ્યે એમનો વારો આવ્યો. કારની અંદર લાઈનમાં ઊભેલા પણ પોતાનો બળાપો ઠાલવી રહ્યા છે કે ઓનલાઈન સ્લોટ બુક કરવાની ખૂબ કોશિશ કરી પણ થઈ ન શક્યું. હવે 1000થી જ કરવું પડશે.
એપોલો હોસ્પિટલ અને કોર્પોરેશનનો આ સહીયારો પ્રયાસ છે. આ સહીયાર પ્રયાસમાં કોઈ જગ્યાએ કોર્પોરેશનનું બેનર નથી દેખાતું. એ પણ ઉડીને આંખે વળગી રહ્યું છે. ખાનગીની સાથે ભાગીદારી નોંધવી વેક્સિનેશન કરવામાં આવી રહ્યું છે, એટલે કે તંત્ર પણ સમજે છે કે ખાનગીથી થાય એ આપણાથી ન થાય! નહીં તો ધડાધડ અમદાવાદીઓને સરકારી ડોઝ ન લાગી ગયા હોત?
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત