Homeગુર્જર નગરીઆ શખ્સનો કાર ચોરવાનો કિમીયો જાણીને તમને પણ નવાઈ લાગશે, મોરબી પોલીસે...

આ શખ્સનો કાર ચોરવાનો કિમીયો જાણીને તમને પણ નવાઈ લાગશે, મોરબી પોલીસે શખ્સને ઝડપ્યો

Team Chabuk-Gujarat Desk: મોરબીના બાયપાસ રોડે આવેલા શેરે પંજાબ હોટલના પાર્કિંગમાંથી કારની ચોરી કરવામાં આવી હોવાની ફરિયાદ મોરબી બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે નોંધાયા બાદ પોલીસે ચોરાઉ ગાડી સાથે એક આરોપીને ઝડપી પાડ્યો છે. જેમાં ચોરી કે છળકપટથી ગાડી લઈ જવાની ઘટનાનો પર્દાફાશ થયો છે. હાલમાં પોલીસે બે કાર સહીત કુલ ૮,૦૫,૦૦૦ ના મુદામાલ સાથે શખ્સને ઝડપી વધુ તપાસ હાથ ધરી છે.

રાજકોટમાં ભાવનગર રોડ ઉપર આજીડેમ ચોકડી પાસે આવેલ ભીમરાવનગરમાં રહેતા મૂળ ચોટીલા તાલુકાના પીપળીયા ગામના રહેવાસી ગોવિંદભાઈ મુન્નાભાઈ પંચાલ (૩૯)એ અજાણ્યા બે મુસાફરની સામે ચાર લાખની કિંમતની ઓરા ગાડીની ચોરીની ફરિયાદ નોંધાવી હતી. જેમાં જણાવ્યું હતું કે, અમદાવાદથી ધ્રાંગધ્રા થઈને રાજકોટ બાજુ જવા માટે બે પેસેન્જરને પોતાની ગાડીમાં બેસાડ્યા હતા અને તેઓ મોરબીના બાયપાસ રોડ ઉપર આવેલ શેર એ પંજાબ હોટલમાં જમવા માટે રોકાયા હતા અને ત્યારે તે ગાડીમાં બેઠેલા બે પેસેન્જર પૈકીના એક પેસેંજરે તેને જમવું નથી તેવું કહ્યું હતું અને તે ગાડીમાં બેઠો હતો અને એસી ચાલુ રાખ્યું હતું અને બીજો પેસેન્જર ફરિયાદી યુવાનની સાથે જમવા ગયો હતો. જોકે ફરિયાદી જમીને હાથ ધોવા ગયો એટલી વારમાં તે નાશી ગયો હતો ને પાર્કિંગમાં કાર ન હતી. જેથી કરીને ચાર લાખની કિંમતની હુંડાઈ કંપનીની ઓરા ગાડી નં જીજે ૩ એમઈ ૩૩૩૭ ની ચોરી થઈ હોવાની ફરિયાદ નોંધાઇ હતી. જેના આધારે પોલીસે આ ગુનામાં હાલમાં ધવલગીરી વિજયગીરી ગોસાઇ જાતે અતીત રહે. રાજકોટ વાળાની ધરપકડ કરી છે અને તેની પાસેથી બે ચોરાઉ ગાડી કબજે કરી છે.

પોલીસના જણાવ્યા મુજબ આરોપી ધવલગીરી વિજયગીરી ગોસાઇ ચોરાઉ કાર લઈને ખાનપર રોડ ઉપરથી નંબર પ્લેટ વગરની ગાડી સાથે પકડાયો હતો. જેની પુછપરછ કરતા કોઇ સંતોષકારક જવાબ આપ્યો ન હતો. જેથી પોકેટકોપ એપ્લીકેશનથી ચેક કરતાં આ કાર શેરે પંજાબ હોટલના પાર્કિંગમાંથી ચોરી કરી હોવાનુ સામે આવ્યું હતું. જેથી વિશેષ પુછપરછ કરતા તેને તથા તેના સાથી આનંદભાઇ શાંતિલાલ ઠકકર જાતે લુવાણા રહે. રાજકોટ વાળાની સાથે મળીને કારની ચોરી કરી હતી તેવું જણાવ્યુ છે. આટલું જ નહીં રાજકોટની ગ્રીનલેન્ડ ચોકડી ખાતેથી એક હ્યુડાઇ કંપનીની ઓરા કાર ભાડેથી લઇ જવાનું કહીને આજથી આશરે ત્રણ માસ પહેલા ગાડી લઇ ગયો હતો જે ગાડી ધૂળકોટ મુકામે વેચવા કે ગીરવે મૂકવાના ઇરાદે સંતાડી રાખી હતી જેને પણ પોલીસે કબજે કરી છે. આમ આરોપી ધવલગીરી વિજયગીરી ગોસાઇ (૨૧) રહે. પરાપીપળીયા એકતા સોસાયટી, જામનગર રોડ, રાજકોટ વાળાની ધરપકડ કરવામાં આવી છે અને તેની પાસેથી બે કાર જેની કિંમત ૮ લાખ અને ૫૦૦૦ નો એક મોબાઈલ મળીને ૮.૦૫ લાખનો મુદામાલ કબજે કરવામાં આવ્યો છે.

અત્રે ઉલેખનીય છે કે, પકડાયેલા તથા નહીં પકડાયેલા આરોપીઓ ડ્રાઇવીંગના ધંધો સાથે સંકળાયેલા છે અને આરોપીઓ ફોર વ્હીલ ગાડી ભાડે કરી રસ્તામાં ડ્રાઇવર ગાડી રેઢી મૂકી ચા-પાણી, નાસ્તો કરવા કે જમવા જાય તો આરોપીઓ ગાડી ચોરી કરી નાશી ભાગી જવાની ટેવવાળા છે તેવું પોલીસે જણાવ્યુ છે. હાલમાં આરોપીને ઝડપી, વિશેષ તપાસ ચાલી રહી હોવાનું મોરબી જિલ્લા નાયબ પોલીસ અધિક્ષક પ્રતિપાલસિંહ ઝાલાએ જણાવ્યું હતું. તેમજ વધુમાં આમ પ્રજા,જાહેર જનતાને અનુરોધ કરતા મોરબી જિલ્લા નાયબ પોલીસ અધિક્ષક પ્રતિપાલસિંહ ઝાલાએ જણાવ્યું કે કોઈ પણ અજાણ્યા શખ્સનો બિન જરૂરી ભરોષો કે વધુ પડતાં આત્મ વિશ્વાસ ન કરવો.

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments