Team Chabuk-Gujarat Desk: અરવલ્લી જિલ્લાના માલપુરના કૃષ્ણાપુર પાસે ગમખ્વાર અકસ્માત સર્જાયો છે. આ અકસ્માતમાં છ લોકોના મોત નિપજ્યા છે. અંબાજી ભાદરવી પૂનમ નિમિત્તે ચાલીને જઈ રહેલા પદયાત્રીકોને ઈનોવા કાર ચાલકે કચડ્યા હતા. જેમાં 6 પદયાત્રીના કમકમાટીભર્યા મોત નિપજ્યા છે. અકસ્માતને પગલે રોડ પર લોકોના ટોળે ટોળા એકઠાં થઈ ગયા હતા. અકસ્માતમાં મૃત્યુ પામનારમાં 5 પદયાત્રીકો અને એક સ્થાનિક વ્યક્તિનો સમાવેશ થાય છે. મૃત્યુ પામનાર તમામ પદયાત્રીકો પંચમહાલ જિલ્લાના કાલોલ તાલુકાના અલાલી ગામના હોવાનું જાણવા મળ્યું છે અને તેઓ ભાદરવી પૂનમ નિમિત્તે ચાલીને મા અંબાના દર્શને અંબાજી જઈ રહ્યા હતા.
ઈનોવા ચાલકે બેફામ રીતે હંકારતા પદયાત્રીકોને અડફેટે લીધા હતા જેમાં 6 લોકોના મોત થયા છે અને 6 જેટલા લોકોને માલપુર સરકારી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડાયા છે. આ 6 લોકોને માથાના ભાગમાં વાગ્યું છે. આ લોકોની હાલત પણ હાલ ગંભીર છે જેથી મોતનો આંકડો વધી શકે છે. અકસ્માત સર્જનાર કાર મહારાષ્ટ્ર પાર્સિંગની છે અને અકસ્માત સર્જીને કાર ચાલક ફરાર થઈ ગયો છે. હાલ પોલીસ કાર ચાલકની શોધખોળ કરી રહી છે.
આ દુઃખદ ઘટનાના જાણ થતાં જ રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે મૃતકોને શ્રદ્ધાંજલિ પાઠવી હતી અને અકસ્માતમાં મૃત્યુ પામનારના પરિવારને 4 લાખ અને ઈજાગ્રસ્તોને 50 હજારની સહાયની જાહેરાત કરી હતી.
અરવલ્લી જિલ્લાના માલપુર નજીક અંબાજી દર્શને જઈ રહેલા પદયાત્રીઓને નડેલ અકસ્માતની ઘટના અત્યંત દુઃખદ છે. અકસ્માતમાં જાન ગુમાવનાર યાત્રિકોના પરિવારજનો પ્રત્યે સંવેદના વ્યક્ત કરું છું. રાજ્ય સરકાર મૃતકોના પરિવારજનોને રૂ. ૪ લાખ અને ઇજાગ્રસ્તોને રૂ. ૫૦,૦૦૦ ની સહાય આપશે.
— Bhupendra Patel (@Bhupendrapbjp) September 2, 2022
આજે એટલે શુક્રવારે વહેલી સવારે થયેલા આ અકસ્માતને કારણે રસ્તા પર રોકકળના દ્રશ્યો સર્જાયા હતા. અકસ્માત બાદ રોડ પર ટ્રાફિક જામ પણ ગયો હતો. સ્થાનિક લોકોમાં પણ ઘણો જ રોષ વ્યાપી ગયો હતો. આ અંગેની જાણ સ્થાનિક પોલીસને થતા તરત ઘટના સ્થળે આવીને આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
આ ગોઝારા અકસ્માતને કારણે પદયાત્રીઓમાં શોકનો માહોલ છવાઇ ગયો હતો. મૃતકોના પરિવારને જાણ કરાતા પરિવારજનોમાં પણ ગમગીની છવાઈ જવા પામી છે. સ્થાનિક લોકોના જણાવ્યા પ્રમાણે કાર ચાલક નશામાં કાર ચલાવી રહ્યો હોય તેમ બેફામ પૂરપાટ ઝડપે જઈ રહ્યો હતો. બીજી તરફ સ્થાનિકોએ જણાવ્યું કે, કાર એટલી પૂરપાટ ઝડપે આવી રહી હતી કે લોકોને કચડીને આગળ વધી રહી હતી. આ સાથે સ્થાનિકોએ રસ્તા પરના ખાડા પર પણ રોષ ઉતાર્યો હતો.
તાજેતાજો ઘાણવો
- પુલવામા હુમલાના 6 વર્ષઃ આજે પ્રેમની વાતો નહીં વીરોની વાત થઈ રહી છે
- સોનાના ભાવમાં ક્યારે લાગશે બ્રેક ? આજે ભાવમાં ફરી વધારો, જાણો આજનો લેટેસ્ટ ભાવ
- રેપોરેટ ઘટવાથી તમારી હોમલોન, કારલોન પર શું અસર પડશે ? હવે કેટલો હપ્તો આવશે ? જાણો
- ચાર દાયકા લોકસાહિત્યની સેવા કરનાર પદ્મશ્રી ભીખુદાન ગઢવીની મોટી જાહેરાત, હવે નહીં કરે લોકડાયરા
- અમરેલી લેટરકાંડઃ દિલીપ સંઘાણીએ મુખ્યમંત્રીને પત્ર લખીને કહ્યું, સત્ય બહાર લાવવા હું નાર્કો ટેસ્ટ કરાવવા તૈયાર