Homeગુર્જર નગરીવન વિભાગનું રેડિયો કોલર અભિયાન, હવે દીપડાને પણ પહેરાવ્યા રેડિયો કોલર

વન વિભાગનું રેડિયો કોલર અભિયાન, હવે દીપડાને પણ પહેરાવ્યા રેડિયો કોલર

Team Chabuk-Gujarat Desk : ગુજરાતમાં દીપડાના હુમલાની ઘટના સતત વધી રહી છે. જંગલની આસપાસના વિસ્તારમાં દીપડાઓ અવાર-નવાર ચઢી આવે છે જેના કારણે માણસો અને દીપડાઓ વચ્ચે ઘર્ષણ સર્જાતું રહે છે. હવે વન વિભાગે દીપડા અને માણસો વચ્ચેના ઘર્ષણને નિવારવા માટે રેડિયો કોલર અભિયાન શરૂ કર્યું છે. જે અંતર્ગત વન વિભાગે સાસણ ગીર એનિમલ કેર સેન્ટરમાં બે દીપડાઓને રેડિયો કોલર પહેરાવ્યા છે. આ અભિયાન આગળ પણ શરૂ રહેશે અને અન્ય દીપડાઓને પણ રેડિયો કોલર પહેરાવાશે.

હાલ કોડિનાર, વિસાવદર અને જસાધારના વિસ્તારમાં રહેતા દીપડાઓની પસંદગી કરાઈ છે. પહેલાં આ વિસ્તારમાં રહેતાં દીપડાઓને રેડિયો કોલર પહેરાવાશે. આ ખાસ પ્રકારના રેડિયો કોલર જર્મનીથી મંગાવાયા છે. રેડિયો કોલરની મદદથી દીપડાઓની દીનચર્યા જાણી શકાશે તેમજ દીપડાઓની હિલચાલ પર નજર રાખી શકાશે.

વન વિભાગે રેડિયો કોલર અભિયાનનો એક વીડિયો પણ જાહેર કર્યો છે. જેમાં તેઓ દીપડાને રેડિયો કોલર પહેરાવી રહ્યા છે. દીપડાના શરીર જેવા જ રંગનું રેડિયો કોલર દીપડાના ગળામાં લગાવાયું છે. દીપડાને ગળામાં રેડિયો કોલર પહેલાવ્યા બાદ તેને જંગલમાં છોડી દેવાયો હતો.

તાજેતરમાં જ માનવભક્ષી દીપડાઓના કેટલાય કિસ્સા સામે આવી ચુક્યા છે. દીપડાઓ માનવવસ્તીમાં ઘૂસી રહ્યા છે. પહેલાં દીપડાઓ માત્ર માણસોના પશુઓનો જ શિકાર કરતાં હતા. અવાર-નવાર દીપડાઓ રહેણાંક વિસ્તારમાં ઘૂસી આવે છે. ક્યારેક ગાય, ભેંસ કે અન્ય પાલતુ પશુને દીપડો પોતાના માલિકની સામે જ ઉઠાવી જતો રહે છે અને માલિક નિસહાય બની માત્ર જોતો રહે છે. જેમાંથી કેટલાક માનવભક્ષી દીપડાઓ માણસોને પણ નિશાન બનાવી રહ્યા છે.

ગીર દેવડીમાં ત્રણ વર્ષની બાળકીને ફાડી ખાધી હતી

તાજેતરમાં જ કોડિનાર તાલુકાનના ગોર દેવડી ગામે દીપડાએ ત્રણ વર્ષની બાળકીને દીપડાએ ફાડી ખાધી હતી. ગી દેવડી ગામે ખેતરમાં શેરડીના પાકની લણણી ચાલી રહી હતી. આ દરમિયાન શ્રમિકની સાથે તેમની ત્રણ વર્ષની બાળકી પણ હાજર હતી. એવામાં શેરડીના વાડ વચ્ચેથી દીપડાએ આવીને અચાનક બાળકી પર હુમલો કરી દીધો હતો. બનાવની જાણ થતાં જ વન વિભાગ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગયું હતું અને દીપડાને પાંજરે પુરવાની કવાયત શરૂ કરી હતી. ગીર સોમનાથ જિલ્લામાં આ એક નહીં અગાઉ પણ દીપડાના હુમલાના અનેક કિસ્સા સામે આવી ચુક્યા છે.

દીપડો ક્યાં સંજોગોમાં માણસ પર હુમલો કરે છે ?

જેમ જેમ દીપડાની ઉંમર વધે છે તેમ તેમ તે અશક્ત બનતો જાય છે. આવા સંજોગોમાં દીપડો અન્ય પ્રાણીઓનો શિકાર કરવામાં અક્ષમ બની જાય છે એટલે ખોરાકની શોધમાં જંગલ બહારના વિસ્તારમાં આવી જતો હોય અને સરળતાથી શિકાર કરી શકે તેવા પ્રાણીઓ પર હુમલો કરે છે. શિકાર કરવામાં અક્ષમ બનેલા આવા કેટલાક દીપડાઓ માણસો પર પણ હુમલો કરી દે છે. જો કે, હવે દીપડાઓ પર રેડિયો કોલરના માધ્યમથી નજર રાખી શકાશે અને જો દીપડો રહેણાંક વિસ્તારમાં ઘૂસ્યો હોય તો અગાઉથી જ જાણ થઈ શકશે અને તેને ફરી જંગલ તરફ ખસેડી મુકવામાં આવશે. રેડિયો કોલર અભિયાન જો સફળ રહેશે તો આગામી સમયમાં દીપડાના માણસો પરનો હુમલાઓ ઘટી જશે.

તાજેતાજો ઘાણવો



LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments