Homeગુર્જર નગરીસુરત: એક તરફી પ્રેમમાં પાગલ યુવાને વિદ્યાર્થિનીનું ગળું તેના ઘરની સામે જ...

સુરત: એક તરફી પ્રેમમાં પાગલ યુવાને વિદ્યાર્થિનીનું ગળું તેના ઘરની સામે જ રહેંસી નાખ્યું

Team Chabuk-Gujarat Desk: સુરતના કામરેજના પાસોદરા પાટિયા પાસે શનિવારની સાંજ રક્તરંજીત બની ગઈ હતી. આ ઘટનાએ આખા ગુજરાતને ડઘાવી દીધું છે. એક તરફી પ્રેમમાં પાગલ યુવકે યુવતીના ગળાના ભાગે છરી રાખી હતી અને પછી ફેરવી નાખી હતી. લોહી લુહાણ અવસ્થામાં યુવતી તરફડતી ત્યાં જ પડી ગઈ હતી. આ ઘટનાના વીડિયો સોશિયલ મીડિયા પર વાઈરલ થયા છે. વીડિયો જોનારાઓને વિચલિત કરી રહ્યા છે. બીજી તરફ વીડિયો જોનારાઓ યુવક પર ફિટકારની લાગણી વરસાવી રહ્યા છે. યુવતીની સરાજાહેર નિર્દયતાપૂર્વક હત્યા કર્યા બાદ હત્યારાએ ઝેર પી, હાથની નસ કાપી, આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો. હાલ હત્યારો ફેનિલ સારવાર હેઠળ છે.

શું છે સમગ્ર ઘટના?

કામરેજની 21 વર્ષીય વિદ્યાર્થિની ગ્રીષ્મા વેકરિયાની સાથે કાપોદ્રાની રચના સોસાયટીમાં રહેતા હત્યારા ફેનિલને પ્રેમ થઈ ગયો હતો. હત્યારો વિદ્યાર્થિનીનો વારંવાર પીછો કરી રહ્યો હતો. વિદ્યાર્થિનીએ પણ તેને આમ કરવાની ના પાડી હતી. ગ્રીષ્માના મોટા પપ્પાએ પણ તેને ઠપકો આપી સમજાવ્યો હતો પણ ફેનિલ નહોતો માન્યો. શનિવારની સાંજે હત્યારાએ ગ્રીષ્માનાં ઘર પાસે પહોંચી જઈ તેણીને બંધક બનાવી હતી અને જાહેરમાં, પરિવારજનોની સામે જ તેનું ગળું ચાકુથી રહેંસી નાખ્યું હતું. હત્યારા સામે ગ્રીષ્માનો ભાઈ પડ્યો હતો પણ ફેનિલ તેની ઉપર પણ ચાકુ લઈ હુમલો કરવાની ચેષ્ટા કરી રહ્યો હતો. હત્યા બાદ તેણે ઝેર પીધું હતું. હાલ તેને સ્મીમેર હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે.

હત્યારો ડેડ બોડી પાસે જ રહ્યો

વિદ્યાર્થિનીની હત્યા કર્યા બાદ ફેનિલ કોઈની બીક રાખ્યા વિના છાતી કાઢી ત્યાં જ ઊભો રહ્યો હતો અને કોઈને પણ યુવતીની પાસે જવા નહોતો દેતો. હત્યારાથી આસપાસના લોકો બી રહ્યા હતા. ચાકુ લઈ તે ડેડબોડીની આજુબાજુ ફરતો રહ્યો હતો અને નજીક આવનારાઓને ધમકાવતો રહ્યો હતો. બીજી બાજુ જ્યારે હત્યારાએ ગ્રીષ્માના ગળા પાસે ચાકુ રાખ્યું ત્યારે અન્ય લોકો વીડિયો ઉતારવામાં વ્યસ્ત રહ્યા હતા.

હર્ષ સંઘવીના સુરતમાં જ ધડાધડ હત્યા

સુરત એટલે ગુજરાતના ગૃહમંત્રી હર્ષ સંઘવીનો વિસ્તાર પણ અહીં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ ચીંથરેહાલ છે. અહીં એક દિવસમાં જ હત્યાના ત્રણ બનાવ બન્યા હતા. સુરતના સાંકી ગામે વૃદ્ધાની એના જ ઘરમાં નિર્મમ હત્યા કરી મૃતદેહ સળગાવી દેવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. તો પરપ્રાંતિય યુવકે મહિલાની છેડતી કરનારને ઠપકો આપ્યો તો રાત્રે તેની ચાકુના સાત ઘા ઝીંકી હત્યા કરી નાખવામાં આવી હતી. આ હત્યામાં યુવક ઓટલા પર બેઠો હતો ત્યારે બગલમાં ચાકુ દબાવી આવેલા શખ્સે ઓચિંતાનો હુમલો કરી યુવકનું ઢીમ ઢાળી દીધું હતું. હત્યારાએ યુવકને સવારમાં ધમકી આપતા એમ પણ કહ્યું હતું કે રાત્રે કાં તું નહીં કાં તો હું નહીં. ત્રીજી એક ઘટનામાં પત્ની સાથે વતનમાં મોટા ભાઈની દીકરીની સગાઈમાં જવું હતું, પરંતુ પત્ની વતન જવાની ના પાડતા ઝઘડો થયો હતો. આ ઘટનામાં હત્યારા પતિએ કોણીથી પત્નીને મારી, મોઢું અને ગળું દબાવી હત્યા કરી નાખી હતી. વિઠ્ઠલ આખી રાત પત્નીની લાશ પાસે બેસી રહ્યો હતો.

whatsapp group join link

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments