Homeગુર્જર નગરીરાજ્યનું સૌથી ગરમ શહેર બન્યું સુરેન્દ્રનગર, જાણો ક્યાં કેટલું નોંધાયું તાપમાન

રાજ્યનું સૌથી ગરમ શહેર બન્યું સુરેન્દ્રનગર, જાણો ક્યાં કેટલું નોંધાયું તાપમાન

Team Chabuk-Gujarat Desk: એપ્રિલ મહિનાની શરૂઆતથી જ રાજ્યભરમાં ગરમીનો પ્રકોપ લોકોને તપાવી રહ્યો છે. ગુજરાતભરમાં કાળઝાળ ગરમીનો અનુભવ લોકોને થઈ રહ્યો છે એમાંય ખાસ કરીને સૌરાષ્ટ્ર પંથકમાં ગરમીનો પારો આસમાને પહોંચ્યો છે. રાજકોટ સહિત સૌરાષ્ટ્રના અમુક વિસ્તારોમાં તો બેવડી ઋતુનો અનુભવ લોકો કરી રહ્યા છે. વહેલી સવારે ઝાંકળ પડતાં ઠંડુ વાતાવરણ સર્જાય છે અને બપોર થતાં જ તાપમાનનો પારો ઉંચે જાય છે. આથી દિવસમાં ઠંડી અને ગરમી એમ બે ઋતુનો અનુભવ થઈ રહ્યો છે. બપોર બાદ લોકોને ઘરમાં પણ લૂ લાગતા મુશ્કેલી પડી રહી .

સુરેન્દ્રનગરમાં સૌથી વધુ ગરમી

રાજ્યમાં સૌથી વધુ તાપમાન સુરેન્દ્રનગરમાં નોંધાયું છે. શનિવારે સુરેન્દ્રનગરમાં તાપમાનનો પારો 42.7 ડિગ્રીએ પહોંચ્યો હતો. રાજ્યમાં સૌથી વધુ તાપમાન સુરેન્દ્રનગરમાં નોંધાયું હતું. સુરેન્દ્રનગરના રણકાંઠાના વિસ્તારમાં તાપમાનનો પારો સૌથી વધુ જોવા મળ્યો છે. સુરેન્દ્રનગરમાં આકરા તાપના કારણે બપોરના સમયે રસ્તાઓ પણ સૂમસામ ભાસી રહ્યા છે. ગરમીના કારણે રસ્તો પર જાણે સ્વયંભૂ કર્ફ્યૂ હોય તેવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે.

રાજકોટમાં પણ કાળઝાળ ગરમી

રાજકોટ શહેરમાં પણ ગરમીનો પારો આકરા પાણીએ છે. રાજકોટ શહેરની વાત કરીએ તો શનિવારે 41.9 ડિગ્રી તાપમાન નોંધાયું હતું. તાપમાનનો પારો 41 ડિગ્રીને પાર કરી જતાં શહેરીજનો પણ અકળાયા હતા. આકરા તાપની સાથે રાજકોટ શહેરમાં 16 કિલોમીટરની ગરમ પવન ફૂંકાયો હતો. રાજકોટમાં શનિવારે સવારે ભેજનું પ્રમાણ 51 ટકા જેટલું રહેવા પામ્યું હતું અને સાંજે 10 ટકા રહ્યું હતું. બપોરના સમયે ગરમીએ પોતાનો પ્રકોપ વરસાવતા શહેરના માર્ગો પર લોકોની અવરજવર નહીંવત જોવા મળી હતી.

રાજકોટ ઉપરાંત કેશોદ, વેરાવળ, દ્વારકા, પોરબંદર, ઓખા, દિવ, મહુવામાં પણ ઝાંકળવર્ષા થતાં લોકોને બેવડી ઋતુનો અનુભવ થયો હતો.

ક્યાં કેટલું તાપમાન ?

સુરેન્દ્રનગર રાજ્યનું સૌથી ગરમ શહેર રહ્યું છે જ્યારે અન્ય જગ્યાએ નોંધાયેલા તાપમાનની વાત કરીએ તો અમરેલીમાં 41 ડિગ્રી, કેશોદમાં 40.1, ભૂજમાં 42 ડિગ્રી, કંડલા એરપોર્ટ પર 41.6 ડિગ્રી, ભાવનગરમાં 36.4 ડિગ્રી, વેરાવળમાં 32.8 ડિગ્રી, દ્વારકામાં 32 ડિગ્રી, મહુવા-પોરબંદરમાં 33.6 ડિગ્રી અને ઓખામાં 31.9 ડિગ્રી તાપમાન નોંધાયું છે.

ગરમીથી બચવા શું કરવું ?

બની શકે તો ગરમ હવામાં બહાર નીકળવાનું ટાળવું જોઈએ. કારણ કે ગરમ હવાથી શરીરમાં પાણી ઘટવાની સંભાવના રહે છે. જેનાથી ચક્કર આવી શકે છે. ખુલ્લા શરીર અને ખુલ્લા પગે ગરમીમાં બહાર ન નીકળવું જોઈએ. ખુલ્લા પગે ગરમીમાં ચાલવાથી લૂ લાગી શકે છે. લૂ લાગવાથી બચવા માટે સૂર્યનો પ્રકાશ સીધો માથા પર આવતો રોકવા માટે ટોપી પહેરવી જોઈએ. જો બહાર નીકળવાનું થાય તો ટોપી પહેરીને નીકળવું જોઈએ. આ ઉપરાંત સિંથેટિક અને પોલિસ્ટરના કપડા પણ ન પહેરવા જોઈએ. ગરમીમાં બહાર નીકળતી વખતે કાળા રંગના કપડાં પહેરવાનું પણ ટાળવું જોઈએ. ઘરથી બહાર નીકળો ત્યારે ગરમીમાં લાંબો સમય ભુખ્યા પેટે ન રહેવું જોઇએ. આ ઉપરાંત ગરમીમાં લોકો ઠંડું પાણી પીવાનો આગ્રહ રાખતા હોય છે. પરંતુ જ્યારે તમને પરસેવો થાય અને ચક્કર જેવું આવે તો તાત્કાલિક ઠંડુ પાણી પીવું જોઈએ નહી. પહેલાં સાદુ પાણી પીવું જોઈએ. આ ઉપરાંત ગરમીથી બચવા માટે ઠંડા પાણીથી સ્નાન કરવું જોઈએ. લૂથી બચવા માટે લીંબુ પાણી પીતા રહેવું જોઈએ.

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments