Team Chabuk-Gujarat Desk: રાજ્ય સરકાર દ્વારા 17 નવા તાલુકાઓની રચના કરવાની જાહેરાત કરવામાં આવી છે. જેનો મુખ્ય ઉદ્દેશ વહીવટી તંત્રને વધુ કાર્યક્ષમ બનાવવાનો અને નાગરિકો માટે સરકારી સેવાઓ સરળતાથી ઉપલબ્ધ કરાવવાનો છે. આ નિર્ણયથી સ્થાનિક સ્તરે વિકાસ કાર્યોને વેગ મળશે અને નાગરિકોને સરકારી કામકાજ માટે લાંબા અંતરની મુસાફરી કરવી નહીં પડે.
રાજ્ય મંત્રીમંડળે નાગરિકો, પ્રજાવર્ગો અને પદાધિકારીઓની રજૂઆતોનો સકારાત્મક પ્રતિસાદ આપતા બનાસકાંઠામાંથી નવો વાવ-થરાદ જિલ્લો તેમજ હાલના રાજ્યના 21 તાલુકામાંથી નવા 17 તાલુકાની રચના કરવાની દરખાસ્તને સર્વાનુમતે મંજૂરી આપી છે.
રાજ્ય સરકારના પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે મંત્રીમંડળના આ મહત્વપૂર્ણ નિર્ણયની ભૂમિકા આપતા જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ વહીવટી સરળીકરણનો જે વિચાર આપ્યો છે, તેને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના દિશાદર્શનમાં વર્તમાન રાજ્ય સરકાર વેગવંતો બનાવી રહી છે.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વ હેઠળની સરકારે રાજ્યના શાસનમાં વહિવટી વિકેન્દ્રીકરણથી લોકોને જિલ્લા-તાલુકા કક્ષાની કચેરીઓ સાથેના કામકાજમાં સુગમતા રહે તેમજ નવુ તાલુકા મથક નજીકમાં જ મળવાથી સામાજિક, આર્થિક, આરોગ્ય અને શૈક્ષણિક સહિતની સર્વગ્રાહી સુવિધામાં વધારો થાય તેમજ અંતરિયાળ ગામોમાંથી તાલુકા મથકે આવવા-જવામાંથી સમય, શક્તિ અને નાણાંનો પણ બચાવ થાય તેવા પ્રજાહિતલક્ષી ઉદાત્ત અભિગમથી આ નવા 17 તાલુકાઓની રચનાને મંજૂરી આપી છે, તેમ પ્રવક્તા મંત્રીએ ઉમેર્યુ હતું.
પ્રવક્તા મંત્રીએ જણાવ્યું કે, વાવ-થરાદ જિલ્લામાં હાલના બનાસકાંઠા જિલ્લાના 06 તાલુકાઓ વાવ, થરાદ, સુઈગામ, ભાભર, દિયોદર અને લાખણીનો સમાવેશ કરીને થરાદને જિલ્લા મુખ્ય મથક સાથે વાવ-થરાદ જિલ્લાની રચનાને કેબિનેટ દ્વારા મંજૂરી આપવામાં આવી છે.
પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે નવા તાલુકાઓની રચના અંગેની વિગતો આપતા કહ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ ગુજરાતના તત્કાલિન મુખ્યમંત્રી તરીકે તાલુકા એકમને વિકાસ અને વહિવટમાં વધુ સશક્ત બનાવવા ATVT એટલે કે, આપણો તાલુકો વાયબ્રન્ટ તાલુકાની વિભાવના આપી હતી. વર્ષ 2013માં નવા 23 તાલુકાઓની તેમણે કરેલી રચના પછી પ્રથમવાર સૌથી વધુ સંખ્યામાં 17 નવા તાલુકાઓની રચનાનો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની સરકારે નિર્ણય કર્યો છે.
કેબિનેટ બેઠકમાં નવો જિલ્લો વાવ – થરાદ તથા નવા ૧૭ તાલુકાની રચના માટે મંજૂરીનો મહત્ત્વપૂર્ણ નિર્ણય !
— Rushikesh Patel (@irushikeshpatel) September 24, 2025
– માનનીયમુખ્યમંત્રી શ્રી @Bhupendrapbjp જીની અધ્યક્ષતામાં મળેલી કેબિનેટ બેઠકમાં રાજ્યના ૨૧ તાલુકામાંથી નવા ૧૭ તાલુકાની રચના કરવાનો સકારાત્મક નિર્ણય લેવામાં આવ્યો છે.
– વર્ષ ૨૦૧૩… pic.twitter.com/17ThSHRTB1
મુખ્યમંત્રીએ ગત સ્વતંત્રતા દિવસે મુખ્યમંત્રી ગ્રામોત્થાન યોજનાની જે જાહેરાત કરેલી છે, તેનો લાભ નવા બનનારા તાલુકા મથકોને મળવાથી તેનો પણ શહેરી ઢબે વિકાસ થઈ શકશે, તેમ તેમણે ઉમેર્યું હતું.
તેમણે કહ્યું હતું કે, વડાપ્રધાનએ વિકસિત ભારત @ 2047ના કરેલા સંકલ્પમાં વિકસિત ગુજરાત @ 2047 માટે વિકાસશીલ તાલુકાઓ વિકસિત થાય તે દિશામાં નવા જિલ્લા-તાલુકાઓની રચના કરવામાં આવશે. આ નવા 17 તાલુકાઓની રચના થવાથી હાલના 51 વિકાસશીલ તાલુકાઓની સંખ્યામાં 10 તાલુકાઓનો વધારો થશે અને તેમને પણ વિકાસશીલ તાલુકાઓને મળતી ગ્રાન્ટનો લાભ મળતો થશે.
એટલું જ નહીં, નવા જિલ્લા અને તાલુકાઓનું નવીન વહિવટી માળખું ઉભુ કરવા સાથે વિવિધ વિકાસ કામો માટે મળતી ગ્રાન્ટમાં પણ વધારો થશે.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત