Team Chabuk-Gujarat Desk: રાજકોટ શહેરમાં આજે બે એવી ઘટના બની છે જેને સૌને હચમચાવી દીધા છે. રમતા-રમતાં બે યુવકો મોતને ભેટ્યા છે. બન્ને યુવકના મોત હાર્ટ એટેકના કારણે થયા હોવાનું પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે. ગઈકાલે રવિવારે રાજકોટના જાણીતા રેસકોર્સ ગ્રાઉન્ડમાં ક્રિકેટ મેચ રમી રહેલા યુવકનું હાર્ટ એટેક આવતા મોત થયું છે. રેસકોર્સ ગ્રાઉન્ડમાં ટેનિસ બોલથી ક્રિકેટ મેચરમાં બેટિંગ દરમિયાન યુવકને બોલ વાગ્યો હતો જેથી તેણે રનર રાખ્યો હતો. ઈજા બાદ યુવક 22 રને આઉટ થઈ જતાં તે કારમાં બેસીને મેચ જોઈ રહ્યો હતો. આ દરમિયાન તેનું હૃદય કામ કરતું બંધ થઈ ગયું હતું અને તે ઢળી પડ્યો હતો.
આમ યુવકની તબિયત બગડતાં તેને તાત્કાલિક હોસ્પિટલ લઈ જવામાં આવ્યો હતો પરંતુ ત્યાં હાજર તબીબોએ તેને મૃત જાહેર કર્યો હતો. મૃતક યુવક ગાંધીગ્રામ વિસ્તારના ભારતીનગરમાં રહેતો રવિ ગાવડે હોવાનું જાણવા મળ્યું છે. યુવક રવિવારે સવારે તેના મિત્રો સાથે રેસકોર્સ મેદાનમાં ક્રિકેટ રમવા ગયો હતો અને સ્થાનિક ટીમ સાથે ટેનિસ બોલથી ક્રિકેટની મેચ રમી રહ્યો હતો. રવિ બેટિંગમાં આવ્યો ત્યારે તેને ટેનિસનો બોલ લાગતાં તે ઇન્જર્ડ થયો હતો અને શ્વાસ ચડવા લાગતાં તેણે રનર રાખ્યો હતો. ઇજા થવા છતાં બેટિંગ કરીને 22 રન બનાવી તે આઉટ થયો હતો, આઉટ થતાં જ પોતાની ટીમના અન્ય સભ્યો સાથે બેઠો હતો. પરંતુ તેને છાતીમાં થોડો દુઃખાવો ઊપડતાં તે બાજુમાં પાર્ક કરેલી પોતાની કારમાં જઈને બેઠો હતો અને મેચ જોતો હતો, અચાનક જ રવિ કારમાંથી નીચે ફંગોળાયો હતો અને બેભાન થઈ ગયો હતો. આ દૃશ્ય જોઈ તેના મિત્રો મેચ અટકાવી તેની પાસે દોડી ગયા હતા અને છાતીમાં પમ્પિંગ શરૂ કરી તેને કારમાં જ હોસ્પિટલે લઈ ગયા હતા, પરંતુ સારવાર મળે તે પહેલાં જ તે મોતને ભેટ્યો હતો. મળતી માહિતી પ્રમાણે મૃતક રવિ મોબાઇલના કવરનો વેપાર કરતો હતો અને તેને બે સંતાન છે. રવિના મોતના સમાચાર મળતાં પરિવારજનોમાં પણ આક્રંદ છવાયો છે.
બીજો બનાવ શહેરની મારવાડી કોલેજમાં ગઈકાલે બન્યો હતો. મારવાડી કોલેજમાં ગઇકાલે સાંજે 7.30 વાગ્યા આસપાસ ફૂટબોલ રમતો વિદ્યાર્થી ઢળી પડ્યો હતો. બાદમાં તેને હોસ્પિટલ ખસેડાતાં તબીબોએ હાર્ટ-એટેકથી મોત થયાનું જણાવ્યું હતું. આ વિદ્યાર્થી મૂળ ઓડિશાનો અને હાલ ગાંધીધામ રહેતો અને રાજકોટની મારવાડી કોલેજમાં કોમ્પ્યુટર સાયન્સમાં અભ્યાસ કરતો વિવેકકુમાર ભાસ્કર છે. વિવેકકુમાર ભાસ્કર નામનો વિદ્યાર્થી ગઈકાલે સાંજે 7:30 કલાકે મારવાડી કોલેજના કેમ્પસમાં ગ્રાઉન્ડમાં ફૂટબોલ રમતો હતો. ત્યારે અચાનક બેભાન થઈ જતાં તેને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો હતો, પરંતુ અહીં સારવાર મળે એ પૂર્વે જ તેનું મોત થયું હતું.
તબીબોએ વિવેકકુમારનું મોત હાર્ટએટેકથી થયું હોવાનું જણાવ્યું હતું. મૃતક વિવેકકુમાર બે ભાઈમાં મોટો હતો, તેના પિતા નિવૃત્ત આર્મીમેન છે અને ગાંધીધામની એક કંપનીમાં નોકરી કરે છે. આ બનાવની જાણ થતાં તેઓ રાજકોટ પહોંચ્યા હતા.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત