2011ના વિશ્વકપની ધોનીની એ સિક્સ યાદ છે ? 28 વર્ષ બાદ ભારતના હાથમાં વર્લ્ડ કપ આવ્યો હતો. પહેલાં સ્કોર યાદ અપાવી દઉ. શ્રીલંકાએ ભારતને 275 રનનો લક્ષ્ય આપ્યું હતું. ફાઈનલ મેચમાં જ સહેવાગનો જાદુ નહતો ચાલ્યો. સહેવાગ મલિંગાના બોલ પર 0 રને જ LBW થયો હતો.
આ મેચમાં સચિન પણ કંઈ ખાસ નહતો કરી શક્યો. સચિન પણ મલિંગાના બોલ પર સંગાકારાને કેચ આપી બેઠો. સચિનનો સ્કોર હતો 14 બોલમાં 18 રન.
સહેવાગ આઉટ થયો ત્યારબાદ ગૌતમ ગંભીરે કમાન સંભાળી. જ્યારે સચિનની વિકેટ પડ્યા બાદ કોહલી મેદાન પર આવ્યો. બંનેએ સારી પાર્ટનરશીપ નોંધાવી. જો કે, કોહલી પણ 35 રને ખરાબ શોટ રમી બોલર દિલશાનને જ કેચ આપી બેસે છે. હવે આવે છે ધોની. તમામ લોકોને એવું હતું કે વિકેટ જશે એટલે યુવરાજસિંહ મેદાન પર આવશે. જો કે, ધોનીએ મેદાન પર આવીને સૌને ચોકાવી દીધા.
હવે પડદા પાછળની વાત
આમ જોઈએ તો નંબર ચાર પર યુવરાજને બેટિંગ માટે આવવાનું હતું પરંતુ સચિનના કહેવાથી ધોની મેદાનમાં આવ્યો અને આ નિર્ણય જ નિર્ણાયક સાબિત થયો. ધોનીએ મેદાન પર શ્રીલંકન બોલરોને મચક ન આપી અને મેચ તેના હાથમાંથી છીનવી લીધી. ભારત 6 વિકેટે મેચ અને વિશ્વકપનો ખિતાબ જીતી લીધો.
એક ઈન્ટરવ્યૂમાં સહેવાગ આ વાત કહે છે અને સચિન તેંડુલકર સ્વીકારે પણ છે. સહેવાગ કહે છે કે, અમે જ્યારે ડ્રેસિંગરૂમમાં બેઠા હતા ત્યારે એમ.એસ.ધોની આવ્યો, તે સમયે વિરાટ કોહલી અને ગૌતમ ગંભીર બેટિંગ કરી રહ્યા હતા. ત્યારે સચિને કહ્યું કે, એમ.એસ. જો રાઈટી આઉટ થાય તો રાઈટી જશે અને લેફ્ટી આઉટ થાય તો લેફ્ટી. ત્યારપછી વિરાટ કોહલી આઉટ થયો અને વિરાટની જગ્યાએ એમ.એસ.ધોની બેટિંગ માટે મેદાનમાં ઉતર્યો.
યુવરાજ ચોથા નંબરે બેટિંગ કરવા ન ગયો. એ પણ સચિનની દેન હતી. પહેલીવાર સચિને ડાયરેક્ટ મેસેજ પાસ કર્યો હતો. અને રિઝલ્ટ તમારી સામે છે.
આ મેચનો અન્ય એક પડદા પાછળનો કિસ્સો પણ મજેદાર છે. આ સમગ્ર મેચ દરમિયાન સહેવાગ અને સચિન બંને ડ્રેસિંગરૂમમાં બેઠા રહ્યા હતા. સચિને જ સહેવાગને પોતાની સાથે બેસાડી રાખ્યો હતો. એટલું જ નહીં સહેવાગ કહે છે કે, સચિને પોતાના બેગમાંથી ભગવાનના ફોટા પોતાની સામે રાખ્યા હતા અને તેની સામે હાથ જોડીને બેઠો હતો. એટલે કે ભગવાને ખુદ ભગવાન સામે હાથ જોડ્યા હતા. નક્કી આ સ્થિતિમાં ભગવાન પણ મુંઝાણા હશે!
હવે સચિન સહેવાગની વાત નીકળી જ છે તો બંનેનો એક અન્ય રમૂજી કિસ્સો પણ કહી જ દઉ. સહેવાગ ડ્રેસિંગરૂમમાં બહુ બોલ-બોલ કરતો. સહેવાગનું બોલવાનું બંધ કરાવવા માટે સચિન તેની સામે કેળુ ફેંકતો. આમ, સહેવાગ કેળુ ખાવામાં વ્યસ્ત થઈ જતો અને આટલીવાર માટે તેનું બક-બક પણ બંધ થઈ જતું.