Homeગામનાં ચોરેબ્રિટને રમકડાંના વાઘથી સાબિત કર્યું કે ટીપૂ અત્યંત ક્રૂર હતો

બ્રિટને રમકડાંના વાઘથી સાબિત કર્યું કે ટીપૂ અત્યંત ક્રૂર હતો

માંડ માંડ જ્યારે ભારતના એક પ્રાંત સામે અંગ્રેજોની જીત થતી ત્યારે અંગ્રેજો બીજું કંઈ નહીં પણ એક ચિત્રકારને તૈયાર રાખતા હતા. રાજા કે નવાબ કંપનીના ગવર્નર જનરલ સમક્ષ પ્રસ્તુત થાય, પછી અંગ્રેજો નવાબ/રાજા સાથે સંધિ કરે. આ સંધિ એક કાવતરૂ જ હોય, જેમાં ભારતના નવાબ કે રાજાની સલ્તનત ખતરામાં પડવાની જ હોય. તેની પાસે બીજો કોઈ વિકલ્પ ન હોય.

ચિત્રકાર નવાબોની આવી શરમજનક સ્થિતિને જોઈ બાદમાં ચિત્ર બનાવે. અંગ્રેજોને આવા ચિત્રો બનાવવાની મજા આવતી હતી. આ ચિત્રો જોતા ખ્યાલ આવે છે કે તેઓ અભિનયમાં પણ સૂરાપૂરા હતા. ભવિષ્યના લોકો ઈતિહાસ જોઈ-જાણી શું કહેશે એ પ્રમાણે હાવભાવ આપતા હતા. લોર્ડ કોર્નિવોલિસે જ્યારે ટીપૂ સુલ્તાનના બંન્ને દીકરાઓનો કબ્જો લીધો એ સમયનું ચિત્ર 1793માં ડેનિયલ ઓર્મ દ્રારા તૈયાર કરવામાં આવ્યું હતું. 1785માં વોરન હેસ્ટિંગ્સ જ્યારે બ્રિટન પરત ફર્યો તો બંગાળમાં યોગ્ય રીતે શાસન ન ચલાવવા બદલ તેના પર મહાભિયોગની કાર્યવાહી કરવામાં આવી હતી. એ પછી જેટલા પણ ગવર્નર જનરલ ભારતમાં આવ્યા તેમણે ચિત્રો પર વધારે આધાર રાખ્યો. કદાચ સાબિતી માટે ? વોરન હેસ્ટિંગ્સ પર ખટલો ચાલેલો તેનું ચિત્ર પણ 1798માં આર.જી.પોલાર્ડે તૈયાર કર્યું હતું. જે ચિત્ર જોઈને જ અન્ય અંગ્રેજ અધિકારીઓ ડરી ગયા હોવા જોઈએ કે આવું થશે તો શું થશે ?

હવે મૂળ મુદ્દા પર આવીએ તો ટીપૂ સુલ્તાન વિશે એક એવી દંતકથા કે હકિકત ? ઈતિહાસમાં છે કે ટીપૂએ એક વાઘને મારેલો. આ માટે જ તેને શેર-એ-મૈસૂર જેવી ઉપાધિ મળી હતી. એક વખત ફ્રાન્સથી આવેલા પોતાના મિત્રની સાથે તે જંગલમાં શિકાર કરવા ગયો, જ્યાં વાઘે તેના પર હુમલો કર્યો. દશેરાના દિવસે જ ઘોડુ ન દોડે તેમ ખરા સમયે બંદૂકે સાથ ન આપ્યો અને કટાર પણ નીચે પડી ગઈ. પછી હથિયાર વગર વાઘનો સામનો કરતા કરતા અચાનક ટીપૂનાં હાથમાં નીચે પડેલી કટાર આવી ગઈ. તેણે કટારથી વાઘનો વધ કર્યો. એ પછી ઉપર જેમ કહ્યું તેમ શેર-એ-મૈસૂર ઉપનામ તેને મળ્યું. તેના ઝંડામાં પણ વાઘનું જ ચિન્હ હતું. તેણે ઘણી તલવારોના હાથા (મૂઠ) પણ વાઘ ઘુરકતો હોય તેવા બનાવડાવેલા

આ બધા સિવાય ટીપૂ પાસે એક વિશાળકાય રમકડું હતું. હાર્મોનિયમ જેવું અને જેટલું જ. માની લો હાર્મોનિયમ જ હતું. જેમાં અંગ્રેજ સરકારની ક્રૂર મશ્કરી કરતી દર્શાવવામાં આવી હતી. એક અંગ્રેજ સિપોઈ (અંગ્રેજો સિપાહીની જગ્યાએ સિપોઈ બોલતા) ટટ્ટાર સુઈ ગયો છે અને તેના પર એક વાઘે હુમલો કર્યો છે. આ વાઘ એ ટીપૂ સુલ્તાન છે અને અંગ્રેજ તો તમને ખ્યાલ જ છે. અંગ્રેજો 1799માં છેલ્લા એંગ્લો-મૈસૂર વિગ્રહ બાદ શ્રીરંગપટ્ટમમાંથી વાઘનું આ રમકડું ઈંગ્લેન્ડ લઈ ગયા હતા. આ રમકડાં દ્વારા એમણે સાબિત કર્યું કે ટીપૂ કેવો ઘાતકી શાસક હતો.

આ વાઘ લાકડા અને ધાતુનો બનેલો છે. તેની ઉપરના ભાગને ખોલી શકાય છે અને હાર્મોનિયમની માફક વગાડી પણ શકાય છે. વાઘ જ્યારે હુમલો કરે ત્યારે માણસની જેવી સ્થિતિ થાય તેવી અદ્દલ ‘વોકલ’ સ્થિતિ આ રમકડું પેદા કરી શકે છે. નીચે પડેલો અંગ્રેજ બચાવ માટે તડફડિયા મારે છે, પોતાનો એક હાથ ઉંચો કરે છે, પણ વાઘ છોડતો નથી. વાઘ ઘુરકી શકે છે અને જમીનદોસ્ત થયેલો અંગ્રેજ રાડો પાડે છે. નિષ્ણાંતો કહે છે કે, ‘‘બહારનો ધાતુનો ઢાંચો સાથે જ આંતરિક ધાતુને મિશ્રિત કરી હાથી દાંતના ઉપયોગ દ્રારા જે નિર્માણ કરવામાં આવ્યું છે, તેમાં શક્યતા છે કે કોઈ યુરોપિયન કલાકારનો હાથ હોવો જોઈએ.’’ પણ કોઈ ભારતીયનો હાથ હશે તેવું કહેવામાં અંગ્રેજી નિષ્ણાંતો માત્ર સંભાવના વ્યક્ત કરી રહ્યાં છે. એટલા માટે કે નહીં ને કોઈ દિવસ કોહીનૂર હિરા જેવું થયું તો !

શ્રીરંગપટ્ટમમાં હાર ખમ્યા બાદ ટીપૂના મહેલમાં અંગ્રેજોએ રીતસરની લૂંટ ચલાવી હતી. તેમાંથી ઘણી કિંમતી વસ્તુઓ તૂટી ગઈ, જેની કિંમત અત્યારે કરોડોમાં થાય. ભવિષ્યના ડ્યૂક બનનારા આર્થર વેલેસ્લીએ એ સમયે કહ્યું હતું કે, ‘‘ટીપૂની ઘણી કિંમતી વસ્તુઓ અને ખજાનાને ઈનામ તરીકે વહેંચી દેવામાં આવી. કિંમતી ધાતુઓ અને ઝવેરાતની વસ્તુઓ તોડી નાખવામાં આવી હતી. તેના ભવ્યાતિભવ્ય સિંહાસનના ટુકડાઓ રાજા અને લંડનમાં ઈસ્ટ ઈન્ડિયા કંપનીના ડિરેક્ટરને મોકલવામાં આવ્યા હતા. યાંત્રિક વાઘ એટલો ખાસ મૂલ્યવાન નહોતો, પણ તે કંઈક અનોખો હતો એટલે તેને બ્રિટન મોકલી દેવામાં આવ્યો.’’

સેન્ટ જેમ્સ ક્રોનિકલ અથવા બ્રિટિશ ઈવનિંગ પોસ્ટના અંક 6605માં 19 એપ્રિલ 1800ની સાલના રોજ છપાયેલા એક અહેવાલમાં, ટીપૂ અને તેના વાઘને કેવી રીતે ચિત્રિત કરવામાં આવ્યો હતો તેની માહિતી મળે છે. તેનો ભાવાનુવાદ જોઈએ તો….

‘‘આ અંગ્રેજ રાષ્ટ્ર પ્રત્યે ટીપૂ સાહેબના તિરસ્કારનો પુરાવો છે. આ મેકેનિઝમનું સૌથી ક્રુર અને બિભત્સ ચિત્ર છે. જેમાં રોયલ ટાઈગર એક અંગ્રેજનું ભક્ષણ કરતો દર્શાવવામાં આવ્યો છે. શ્રીરંગપટ્ટમનાં પેલેસમાંથી તે મળી આવ્યો. આ વાઘના અંગમાંથી નીકળતી ધ્વનિઓ મનુષ્યના સંકટની સ્થિતિ સાથે મળતી આવે છે. જે અત્યાચારની ભયાનક ગર્જનાઓ સાથે ચાલે છે. આ મશીન એટલું વિવાદિત છે કે જ્યારે વાઘ વ્યક્તિના અંગો સાથે રમી રહ્યો હોય છે ત્યારે યૂરોપીયનનો હાથ અસહાય અને દુખની સ્થિતિમાં લાચાર બનીને વારંવાર મદદની ભીખ માગે છે. આ માણસની પીડાને વ્યક્ત કરવા માટે નિર્મિત કરવામાં આવ્યું છે.’’

ટીપૂનો આ વાઘ અત્યારે લંડનના Victoria and Albert સંગ્રહાલયમાં મળશે. જેનું નામ ક્વીન વિક્ટોરિયા અને પ્રિન્સ આલ્બર્ટના નામ પરથી રાખવામાં આવ્યું છે. 1852માં સ્થપાયેલા આ મ્યુઝિયમમાં કુલ 2.27 મિલિયન (વીકિપીડિયાના જણાવ્યા અનુસાર) ઐતિહાસિક વસ્તુઓ આવેલી છે. શરૂઆતમાં તેનું નામ Museum of Manufactures હતું. આ સમયે બ્રિટન પાસે એટલી દુર્લભ વસ્તુઓ ન હતી. ધીમે ધીમે વિશ્વભરમાં લૂંટ ચલાવવામાં આવી અને સંગ્રહાલયનો દરેક ખાલી ખૂણો ભરાતો ગયો. માત્ર સાઉથ એશિયાની અહીં 60,000 ભવ્ય વસ્તુઓ છે. જેમાં શાહજહાના દારૂ પીવાના ગ્લાસનો પણ સમાવેશ થાય છે. ફેબ્રુઆરી 1854માં ફરી વખત સંગ્રહાલયનું નામ બદલી South Kensington Museum રાખી દેવામાં આવ્યું. આ એ જ સંગ્રહાલય છે જેના પર બીજા વિશ્વયુદ્ધમાં બોમ્બમારો કરવામાં આવ્યો હતો. પણ અંદર રહેલ ભારત સહિતના વિવિધ દેશોની ઐતિહાસિક વસ્તુઓને નાની અમથી પણ ખરોચ ન આવી. માત્ર તેમનું પોતાનું જ Victorian Stained Glass તૂટી ગયું. બોલો લ્યો…

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments


Notice: ob_end_flush(): Failed to send buffer of zlib output compression (1) in /home/thechabu/public_html/wp-includes/functions.php on line 5420

Notice: ob_end_flush(): Failed to send buffer of zlib output compression (1) in /home/thechabu/public_html/wp-includes/functions.php on line 5420