Homeગુર્જર નગરી18થી વધુની ઉંમરના વ્યક્તિને ક્યારે અને કેવી રીતે મળશે વેક્સિન, જાણો સમગ્ર...

18થી વધુની ઉંમરના વ્યક્તિને ક્યારે અને કેવી રીતે મળશે વેક્સિન, જાણો સમગ્ર માહિતી

Team Chabuk-Gujarat Desk: આવતીકાલ 1લી મેથી ગુજરાત સહિત દેશભરમાં 18થી વધુની ઉંમરના લોકો માટે વેક્સિનેશનનો પ્રારંભ થઈ રહ્યો છે. આવતીકાલે ગુજરાતનો સ્થાપના દિવસ પણ છે. ત્યારે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ આવતીકાલ 1લી મેથી શરૂ થતાં વેક્સિનેશનના ચોથા તબક્કાની વ્યવસ્થા અંગેની જાણકારી આપી હતી. ગુજરાતમાં હાલ 10 જિલ્લામાં જ 18થી વધુની ઉંમરના લોકોને વેક્સિન આપવામાં આવશે. સાથે જ જે લોકોએ ઓનલાઈન રજિસ્ટ્રેશન કરાવ્યું હશે તેઓને એસએમએસ આવ્યા બાદ જ વેક્સિન લેવા જવાનું રહેશે.

યુવાનોને ઝડપથી વેક્સિન મળશેઃ વિજય રૂપાણી

મુખ્યમંત્રી વિજય રૂપાણીએ જણાવ્યું હતું કે, ભારતમાં 18 વર્ષથી ઉપરના અને 45 વર્ષથી નીચેના લોકોને વેક્સિન આપવા માટેનું ચોથા તબક્કાનું અભિયાન 1લી મેથી શરૂ થવા જઈ રહ્યું છે. 1લી મે ગુજરાતનો સ્થાપના દિવસ છે. આવતીકાલથી જ ગુજરાતમાં 18 વર્ષથી વધુની ઉંમરના યુવાનોને વેક્સિન આપવાનો પ્રારંભ થશે. ગુજરાત સરકારે અઢી કરોડ વેક્સિનના ડોઝનો ઓર્ડર બે કંપનીને આપી દીધો છે. સરકાર સતત કંપનીઓના સંપર્કમાં છે. વધુને વધુ ઝડપથી જથ્થો પ્રાપ્ત થાય અને ઝડપથી આપણે યુવાનોને વેક્સિન આપીએ તેવા પ્રયત્નો ચાલુ છે.

એક્ટિવ કેસ વધુ છે ત્યાં જ વેક્સિન અપાશે

મુખ્યમંત્રીએ જણાવ્યું કે આજે સાંજ સુધીમાં હવાઈ માર્ગેથી 3 લાખ વેક્સિજનના ડોઝ ગુજરાત પહોંચશે. કંપની તરફથી ગુજરાતને ખાતરી મળી છે કે મે મહિનામાં તેઓ 11 લાખ વેક્સિનના ડોઝ આપશે. વધુ જથ્થો મળે તે માટેના સરકાર પ્રયત્ન કરી રહી છે. આવતીકાલ 1લી મેથી જ જ્યાં કોરોનાનું વધુ સંક્રમણ છે, એક્ટિવ કેસ જ્યાં વધારે છે એવા 10 જિલ્લામાં આ વેક્સિન આપવાના કાર્યક્રમનો પ્રારંભ થશે. બાકીના જિલ્લામાં પણ જેમ જેમ વેક્સિન આવશે તેમ તેમ તબક્કા પ્રમાણે વેક્સિન કાર્યક્રમ શરૂ કરીશું પરંતુ સંક્રમણને ખાળવા માટે હાલ 10 જિલ્લામાં વેક્સિન કાર્યક્રમ શરૂ થશે.

આ 10 જિલ્લામાં આવતીકાલથી વેક્સિનેશનના ચોથા તબક્કાનો પ્રારંભ

આવતીકાલ 1લી મેથી 18થી વધુ ઉંમરના લોકોને જે જિલ્લામાં વેક્સિન મળવાની છે તે જિલ્લામાં અમદાવાદ, સુરત, વડોદરા, રાજકોટ, ભાવનગર, જામનગર, કચ્છ, મહેસાણા, ગાંધીનગર અને ભરૂચનો સમાવેશ કરાયો છે. આ 10 જિલ્લામાં આવતીકાલ 1લી મેથી સવારે 9 વાગ્યાથી 18થી મોટી ઉંમરના લોકોને વેક્સિન આપવાનું શરૂ થશે.

એસએમએસ આવે તેને જ વેક્સિન લેવા જવું

18થી વધુ ઉંમરના લોકોએ વેક્સિન લેવા માટે ઓનલાઈન રજિસ્ટ્રેશન ફરજિયાત કરાયું છે. ઓનલાઈન રજિસ્ટ્રેશન વિના 18થી વધુ અને 45થી ઓછી ઉંમરના લોકોને વેક્સિન નહીં અપાય. હાલ અનેક લોકોએ રજિસ્ટ્રેશન કરાવ્યું છે પરંતુ ક્યા દિવસે અને કઈ જગ્યાએ વેક્સિન લેવા જવું તે અંગે ઘણા લોકો અવઢવમાં છે. ત્યારે આ અંગે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ સ્પષ્ટતા કરતાં કહ્યું હતું કે, જે લોકોએ ઓનલાઈન રજિસ્ટ્રેશન કરાવ્યું છે તેઓને મોબાઈલમાં એસએમએસ આવશે ત્યારબાદ જ તેઓએ વેક્સિન લેવા જવાનું રહેશે. કોઈ વ્યક્તિ સીધા વેક્સિન કેન્દ્ર પર જશે તેઓને વેક્સિન નહીં મળે. જેઓએ ઓનલાઈન રજિસ્ટ્રેશન કરાવ્યું હશે અને એસએમએસ પ્રાપ્ત થયો હશે તેઓને જ સ્થળ પર વેક્સિન આપવામાં આવશે.

મુખ્યમંત્રીએ ઉમેર્યું હતું કે વધુને વધુ લોકો ઓનલાઈન રજિસ્ટ્રેશન કરાવે. સરકાર બધાને વેક્સિન મળી રહે તે માટે કટિબદ્ધ છે. તબક્કા પ્રમાણે તમામ લોકોનો વેક્સિનમાં નંબર આવશે એટલે કોઈએ ઉતાવળ ન કરવી, અવ્યવસ્થા ન કરે અને ચિંતા પણ ન કરે.

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments