Homeગુર્જર નગરીકોરોના ટેસ્ટની કિંમત મુદ્દે ગુજરાત સરકાર રાજસ્થાન અને દિલ્હીના પગલે

કોરોના ટેસ્ટની કિંમત મુદ્દે ગુજરાત સરકાર રાજસ્થાન અને દિલ્હીના પગલે

ગુજરાત રાજયમાં ખાનગી લેબોરેટરીમાં થતા કોરોનાના ટેસ્ટીંગની કિંમતમાં નોધપાત્ર ઘટાડો કરવામાં આવ્યો છે. આ ઘટાડો આજથી જ અમલમાં આવશે. ખાનગી લેબોરેટરીમા RTPCRનો ટેસ્ટ જે રૂપિયા 1500માં થતો હતો તે હવે રૂપિયા 800માં કરાશે. ખાનગી લેબોરેટરી વાળા ઘરે જઈને કે અન્ય હોસ્પિટલમા જઈને સેમ્પલ લઈને ટેસ્ટ માટે જે 2000 રૂપિયા વસુલતા હતા તે હવે રૂપિયા 1100 જ વસુલી શકશે.

કોર ગ્રુપની બેઠકમાં લેવાયો નિર્ણય

નાયબ મુખ્યમંત્રી નીતિનભાઇ પટેલે જણાવ્યું છે કે, રાજયમાં પ્રવર્તી રહેલ કોરોનાની સાંપ્રત પરિસ્થિતિને ધ્યાને લઇને અને નાગરિકોના હિતને ધ્યાને લઈને ખાનગી લેબોરેટરીમાં થતા ટેસ્ટની કિંમતમાં પણ ઘટાડો કરવાનો મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના અધ્યક્ષસ્થાને મળેલ કોર ગ્રુપની બેઠકમાં આ મહત્ત્વનો નિર્ણય કરાયો છે. જેનો રાજ્યભરમાં આજથી અમલ થશે.

કીટની સંખ્યામાં પણ વધારો

નાયબ મુખ્યમંત્રીએ ઉમેર્યુ કે, કોરોનાના દર્દીઓને ખાનગી લેબોરેટરીમાં થતાં ટેસ્ટ માટે જે તે સમયે જે દર નક્કી કરાયા હતા તેમાં પણ નોંધપાત્ર ઘટાડો કર્યો છે. રાજ્યમાં જે તે સમયે ટેસ્ટ માટેની કીટ પણ મર્યાદિત પ્રમાણમાં ઉપલબ્ધ થતી હતી. આજે હવે કીટની સંખ્યામાં અને કીટના ઉત્પાદનમાં પણ વધારો થતાં આ નિર્ણય કરાયો છે.

હવે રૂપિયા 800

તેમણે ઉમેર્યુ કે, ખાનગી લેબોરેટરીમાં જે RTPCR ટેસ્ટ કરવા માટે રૂપિયા 1500 નિયત કરાયા હતા તે ઘટાડીને હવે રૂપિયા 800 કરવામાં આવ્યા છે એટલે કે સાતસો રૂપિયાનો ઘટાડો કર્યો છે. એ જ રીતે ખાનગી લેબોરેટરીના ટેકનિશિયન લોકોના ઘરે જઈને કે અન્ય હોસ્પિટલમાં જઈને સેમ્પલ લઇને જે ટેસ્ટ કરતાં હતા તેનો દર રૂપિયા 2000 વસુલવામાં આવતો હતો તેમાં પણ રૂપિયા 900નો ઘટાડો કરાયો છે, એટલે હવે આ ટેસ્ટ પણ રૂપિયા 1100માં કરવામાં આવશે.

દિલ્હી અને રાજસ્થાનના માર્ગે

મહત્વનું છે કે ગુજરાત સરકાર પહેલાં દિલ્હીની કેજરીવાલ સરકાર અને રાજસ્થાનની અશોક ગેહલોત સરકારે પણ RTPCR ટેસ્ટના ભાવમાં ઘટાટો કર્યો હતો. રાજસ્થાન અને દિલ્હી સરકારે પણ RTPCR ટેસ્ટ 800 રૂપિયા નક્કી કર્યા છે જે બાદ આજે ગુજરાત સરકારે પણ RTPCR ટેસ્ટના ભાવમાં ઘટાડો કરીને 800 રૂપિયા નક્કી કર્યો છે. આ ચાર્જ આજથી જ રાજ્યમાં કાર્યરત ખાનગી લેબોરેટરીઓ માટે લાગુ પડી જશે.

ગ્રાહકો લેબોરેટરી સામે ફરિયાદ કરી શકશે

ગુજરાતમાં શરૂઆતમાં RTPCR ટેસ્ટ માટે આશરે 4500 જેટલો ચાર્જ ખાનગી લેબોરેટરીમાં લેવામાં આવતો હતો ત્યારબાદ રાજ્ય સરકારે આ ચાર્જમાં ઘટાડો કરીને 2500 રૂપિયા કર્યો હતો ત્યારબાદ 2500થી ઘટાડીને 1500 રૂપિયા ટેસ્ટનો ચાર્જ નક્કી કર્યો હતો. આજે તેમાં પણ રાજ્ય સરકારે ઘટાડો કરવાનો નિર્ણય લઈને 800 રૂપિયા ચાર્જ નિર્ધારિત કર્યો છે. એટલે કે હવે કોઈપણ ખાનગી લેબોરેટરી લોકો પાસેથી RTPCR ટેસ્ટ માટે 800 રૂપિયાથી વધુ ચાર્જ નહીં લઈ શકે. જો વધુ ચાર્જ વસુલવામાં આવતો હશે તો ગ્રાહકો લેબોરેટરી સામે ફરિયાદ કરી શકશે.

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments