Team Chabuk-Gujarat Desk: દેશના વિકાસ મોડલ ગણાતા ગુજરાતમાં રોજગારીના હાલ કેવા છે તે ભરૂચની આ ઘટના પરથી ખ્યાલ આવી શકે છે. વિકાસશીલ ગુજરાતની વાતો વચ્ચે રાજ્યમાં લાખો શિક્ષિત યુવાનો બેરોજગાર ભટકી રહ્યા છે. સરકારી નોકરીઓ મેળવવા માટે લાખો અરજીઓ થતી હોય છે. હવે તો ખાનગી કંપનીઓ પણ ભરતી માટે યુવાનો લાઈનો લગાવી રહ્યા છે. આવું જ કંઈક બન્યું છે ભરૂચની એક કંપનીમાં. ભરૂચમાં એક ખાનગી કંપનીએ ચાર જગ્યાઓ માટે ઈન્ટરવ્યૂની જાહેરાત આપી હતી. ગઈકાલે શુક્રવારે આ કંપનીમાં ઈન્ટરવ્યૂ આપવા માટે આશરે 500 થી 700 ઉમેદવારો ઉમટી પડ્યા હતા. ચાર જગ્યાઓ માટે આટલી મોટી સંખ્યામાં ઉમેદવારો ઉમટી પડશે એવો ખ્યાલ તો કંપનીને પણ નહીં હોય.
ઈન્ટરવ્યૂ સ્થળ પર ધાર્યા કરતાં વધુ ઉમેદવારો ભેગાં થઈ જતાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. સ્થિતિ થાળે પાડવા માટે પોલીસને ઈન્ટરવ્યૂ સ્થળ પર આવીને બળ પ્રયોગ કરવાની ફરજ પણ પડી હતી. ભરૂચમાં આવેલી UPL-5 નામની કંપનીએ પ્લાન્ટ ઓપરેટર, મિકેનિકલ, યુટીલિટી ઓપરેટર્સ અને મિકેનિકલ એન્જિનિયર્સની 4 પોસ્ટ માટે ગઈકાલે શુક્રવારે સવારે 9 વાગ્યાથી બપોરના 2 વાગ્યા સુધી ઈન્ટરવ્યૂનું આયોજન કર્યું હતું. ભરૂચ શહેરની એબીસી ચોકડી નજીક આવેલી લોર્ડ્સ રંગ ઈન હોટલમાં આ ઈન્ટરવ્યૂ રાખવામાં આવ્યું હતું. વહેલી સવારથી જ જિલ્લા અને રાજ્યભરમાંથી બેરોજગાર યુવાનો નોકરી મેળવવાની આશાએ ઉમટી પડ્યા હતા. ચાર જગ્યાની ભરતી માટે એટલા બધાં યુવાનો ઉમટી પડ્યા હતા કે સ્થિતિને કાબૂમાં લેવી મુશ્કેલ બની હતી.
હોટલની બહાર આશરે 500 થી 700 ઉમેદવારો એકઠાં થઈ ગયા હતા. સ્થળ પર જોતાં એવું લાગ્યું કે કોરોનાની ગાઈડલાઈનનો પણ ભંગ થયો હતો. જાહેરનામાનો ભંગ થતાં સી ડિવિઝન પોલીસ સ્થળ પર પહોંચી હતી. ઉમેદવારોની ભીડને વિખેરવા માટે પોલીસે બળ પ્રયોગ કર્યો હતો અને ઈન્ટરવ્યૂ યોજનાર કંપનીના સત્તાધિશો અને હોટલ સામે જાહેરનામા ભંગનો ગુનો દાખલ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી હતી. જો કે કંપનીને સ્વપ્ને પણ ખ્યાલ નહીં હોય કે ચાર જગ્યાની ભરતી માટે આટલી મોટી સંખ્યામાં ઉમેદવારો ઉમટી પડશે.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત