હે ચાબુક. આજે ડબકા મારીને વચ્ચે જરા પણ ન બોલતો. આજે વચ્ચે બોલ્યો તો તારી જીભડી કાપી નાખીશ. આજે ખાલી મેં સંદેશના અખબારમાં જે વાંચ્યું એની જ વિગતસર વાત કરવા દે અને પછી મને મારો મત મૂકવા દે.
સવારમાં હું બીડી પીવા જઉં જગમાલની દુકાને. એ તો તને ખ્યાલ છે. હું જગમાલની દુકાને ગયો. સંદેશ છાપુ વાંચતો હતો અને વાંચતા વાંચતા મારું ધ્યાન ગયું એક ખબર ઉપર. ખબરનું હેડિંગ કંઈક આવું છે ચાબુક.
‘‘પત્રકારત્વ ભવનમાં વિદ્યાર્થિનીના માર્ક્સ વધારી Ph.D .માં એડમિશન!’’
હવે વાત એવી છે ચાબુક કે સિત્તેર ટકા મેરીટ ટેસ્ટના અને ત્રીસ ડી.આર.સીના માર્ક ગણી પ્રવેશનો નિયમ હોવા છતાં વધુ માર્ક આપી દીધા. એક બેનને મેરીટ ટેસ્ટમાં 100માંથી 32 માર્ક છે. હું એનું નામ નથી લખતો. જે હશે એ સમજી જાશે. બાકી સંદેશવાળાવે તો નામજોગ લખ્યું જ છે.

હવે યુનિવર્સિટી ગ્રાન્ટ કમિશન મુજબ આ બેનને મેરીટ ટેસ્ટમાં 100માંથી મળેલા 32 માર્કના સિત્તેર ટકા ગણીએ તો માર્ક થાય 22. હવે ડી.આર.સીમાં 30 ટકા વેઈટેજ મુજબ જો 30માંથી 30 મળી જાય તો પણ કૂલ માર્ક થાય 22+30 એટલે 52. પરંતુ યુનિવર્સિટીની વેબસાઈટ પર મૂકાયેલા પરિણામમાં આ બેનને 66 માર્ક છે અને તેઓને પીએચડી માટે પસંદ કરીને ગાઈડ પણ ફાળવી દેવાયા છે. તો વિચાર ચાબુક કે આ ડી.આર.સીના તો વધુમાં વધુ માર્ક 30 ગણાવા જોઈએ એની જગ્યાએ 44 ગણી નાખ્યા. એટલે પેલા બેનના ટોટલ માર્ક થયા 66.
હવે આંકડાની આવી માયાજાળમાં મને તો કંઈ સમજાતું જ ન હતું. જે હોય એ પણ પીએચડી પાછળ આંધળી દોટ મૂકીને Dr લખાવવા અધીરા બનેલા કેટલા નવયુવાનોને મારે એક વાત કહેવી છે. મારી વાતનો ચાબુક વિરોધ થાશે જ. થવો જ જોઈએ, કારણ કે પીએચડીવાળા હોશિયાર વિદ્યાર્થીઓ વિરોધ કરવાનાને!!

હું તો હજી રાહ જોઉં છું કે સંદેશવાળા આના પર કંઈક વધારે પ્રકાશ પાડે. અને મને તો ચાબુક આ આખી ઘટનામાં હંગામા ફિલ્મના પરેશભાઈ રાવલ યાદ આવી ગયા. તું પણ જોઈ લે નીચે.

એકવાર ગ્રંથાલયમાં હું પીએચડીનો થીસીસ ફંફોસતો હતો. ગજબ લખે ચાબુક. જોડણીમાં તો કોઈ અનુશાસન જ જોવા ન મળે. એવું લાગે જાણે થીસીસ થ્રી ઈડિયટના વીરુસહસ્ત્રબુદ્ધે ઉર્ફ વાઈરસની જેમ અંતિમ વર્ષમાં બે હાથે લખતા હશે.

મને એ બતાવો કે પીએચડીનું કરેલું સંશોધન જે તે વ્યક્તિની આગળ Dr લગાવવા અને નોકરી મેળવવા સિવાય ક્યાં કામ આવે ? ચાબુક પહેલા તો મને લાગતું કે યુનિવર્સિટીઓમાં જે Dr લાગેલા હોય ને એ પણ દવાઓ આપવાનું કામ કરતાં હશે. તે હું પણ એક દિવસ એક વિદ્યાલયમાં ગયેલો. એમણે મને કહ્યું કે આ એ ડોક્ટર નથી જેમની તમે વાત કરો છો. આ તો ભણાવનારા ડોક્ટર છે.
હવે ચાબુક જે ડોક્ટર દવા ન આપી શકે એ તારા કે મારા તો શું કામનો ? મારી વાત સમજે છો તું ? લોકોને પ્રેક્ટિકલ સંશોધનો જોઈએ છે. લખેલા સંશોધનો નથી જોતા. ખેડૂતને ટ્રેક્ટર પર 500 પાનાંનો નિબંધ લખીને આપો એનાથી કામ નથી, પણ ટ્રેક્ટર બનાવીને આપો એનાથી કામ છે. તો પછી માની લે ચાબુક કે એ ભણાવનારા ડોક્ટરે કોઈ વિષય પર પીએચડી કર્યું છે એ તને કે મને ક્યાં કામ આવ્યું ? લખો છો તો લખ્યા પછી તમારું સંશોધન પ્રેક્ટિકલી જીવનમાં ક્યાંય કામ આવે છે.
મને તો એમફીલ કરેલા ઉપર દયા આવે છે ચાબુક. એમફીલ કરે છે અને છતાં એમને પીએચડીની પ્રવેશ પરીક્ષા આપવી પડે છે. જેમ એમફીલની કોઈ કિંમત હવે નથી રહી, એમ થોડા સમયમાં જ પીએચડીની કિંમત પણ ચણા-મમરા બરાબર થઈ જશે.
Phd શું કામે થાય છે ?
Phd સરકારી નોકરી મેળવવા માટે જ થાય છે. એ વાત તો સાફ છે. મોટાભાગના પીએચડીના થોથા કઈ જગ્યાએ કામ આવે છે ? ટીએસ ઈલિયટ નામના અંગ્રેજીના એક મહાન સાહિત્યકાર છે. એમના સાહિત્યમાં રહેલા અસ્તિત્વવાદ પર તું પીએચડી કરે છો. તો એ સંશોધન મને શું કામમાં આવવાનું છે ?
પાંચ વર્ષ પછી એક નવો વિદ્યાર્થી આવશે. ટી.એસ.ઈલિયટ અને ચંદ્રકાંત બક્ષીના અસ્તિત્વવાદની તુલના કરી અભ્યાસ કરશે. જેમાં તે અગાઉ ભાઈએ કરેલા ટી.એસ.ઈલિયટની મદદ લેશે. હવે નીચે વાંચી લે. એકના એક સંદર્ભો અને એકની એક ચવાય ગયેલી વાતો.

સંશોધનમાંથી સંદર્ભો ઉઠાવવામાં આવશે. કોપી કરવામાં આવશે. અને નવો Phdનો વિદ્યાર્થી એ તૈયાર કરી નાખશે. ગાઈડને તો આ વાતની કંઈ ખબર જ નથી હોતી. બે અખબારો પર તુલનાત્મક અધ્યયન કરી એક વિદ્યાર્થી પીએચડી થાય છે, તેનાથી પત્રકારત્વની શાખા સાથે સંકળાયેલા વિદ્યાર્થીઓ સિવાય કોને ફરક પડે છે ? આપણા ગુજરાતમાંથી જેટલા લોકો Phd થાય છે એમાંથી કોઈને પણ નોબલ પ્રાઈઝ કેમ નથી મળતો? હા, પીએચડી થયા એવું છાપામાં નોબેલ અચૂક મળે છે. એ લખનારા પણ આપણે જ પાછા.
વાત માત્ર સૌરાષ્ટ્ર યુનિવર્સિટી કે પત્રકારત્વ ભવનની નથી. ઘણાને આ વાતની ખબર હશે ચાબુક પણ બોલશે નહીં. તમારું પીએચડી તમારી શાખાની બહાર કોઈને કામ નથી આવતું. જે સામાન્ય માણસ છે તેને તો બિલકુલ કામ નથી આવતું.

જે દિવસે અંગ્રેજીનો વિદ્યાર્થી ભૌતિકશાસ્ત્રનું અને ભૌતિકશાસ્ત્રનો વિદ્યાર્થી લાઈબ્રેરી સાયન્સનો થીસીસ ફંફોસતો દેખાય તો સમજવું કે કામ લાગ્યું. મને ઘણા કહેતા હોય કે, ‘ગોવા બાપા તમે તો જો કેવું ફટાફટ લખી નાખો, તમારે પીએચડી કરવાની જરૂર છે.’
એ ભાઈને ત્યારે મેં ખાલી એટલું જ કહેલું કે, ‘મારી ગાય ડબલ દૂધ દે તો હું સાહિત્ય કે પત્રકારત્વ ઉપર પીએચડી કરું. લખેલ મારા કંઈ કામનું નથી મને પ્રેક્ટિકલ મશીન બનાવીને આપો.’