1.રામાયણ અને મહાભારતનો બાળપણથી તમારા પર પ્રભાવ રહ્યો? કે પછી યુવા અવસ્થામાં આવ્યા અને એક સમજણ વિકસી.
નાનપણમાં મારા નાનીમા, માસી, મમ્મી અને દાદીમા પાસેથી અનેક વાર્તાઓ સાંભળવા મળતી, રાત્રે સૂતી વખતે કાયમ ભજન સાંભળતા સૂવાની આદત હતી, ‘મારી ઝૂંપડીએ રામ ક્યારે પધારો..’ ભજન હોય કે ‘આંખ મારી ઉઘડે ત્યાં તો સીતારામ દેખું..’ લગભગ રોજ ચાર પાંચ ભજન સાંભળતો અને એ ક્રમ વર્ષો સુધી ચાલ્યો. મામાના ઘરે આવતા જનકલ્યાણ, અખંડ આનંદ વગેરે મારે માટે સાચવીને રખાતાં અને વેકેશનમાં એ બધા વાંચવા મળતા. મારા પપ્પા પૂજ્ય ડોંગરેજી મહારાજની કથામાં પોથીપૂજામાં બેસતા, ઘરમાં અનેક ચર્ચાઓ થતી અને એમ ધાર્મિક વાતો સતત સાંભળવા મળતી. ત્યારે ફક્ત વાર્તાઓ લાગતી વાતોનો અર્થ ધીરે ધીરે સમજાતો ગયો.

- લોકડાઉનમાં જેમ જેમ રામાયણ અને મહાભારતના એપિસોડ આવતા જતા હતા. બીજા દિવસે ફેસબુક પર આપ ધડાધડ લખતા જતા હતા. આટલી સ્પીડ કેવી રીતે આવી ગઈ?
લોકડાઉનમાં બે વસ્તુ એકસાથે થઈ, અચાનક સાવ નવરા થઈ ગયાં, ઘરમાં પૂરાઈ ગયા, અમારા પ્રોજેક્ટમાં ફીલ્ડ પર કામ બંધ થયું એટલે નાનામોટા રિવ્યૂ અને ઓનલાઇન ટ્રેનિંગ સિવાય વધારે બોજ હતો નહીં. એવામાં રામાયણ અને મહાભારતનું પ્રસારણ શરૂ થયું. આ શ્રેણીઓ જોતાં મારા બાળકોને પ્રશ્નો થયાં અને શરૂઆતમાં એમના પ્રશ્નોનો જવાબ આપ્યો એ ફેસબુક પર મૂક્યો. જો કોરોના ન હોત તો કદાચ સંતાનોને રામાયણ કે મહાભારત આમ બતાવ્યું અને સમજાવ્યું ન હોત.

સમજણ એમના પર મૂકી દીધી હોત. પછી એવા જ થોડાં પ્રશ્નો મને પણ થયાં, ધારાવાહિક જોઈને અને વિચારીને જે સૂઝ્યું એ લખવાનું શરૂ કર્યું, એમાં મિત્રોના પ્રશ્નો અને વિચારો ઉમેરાયા, ઘટનાઓનો તર્ક અને ગૂઢાર્થ શોધવાની મજા આવવા લાગી કારણ કે એ બહાને આ ગ્રંથો ફરી વાંચવા મળ્યા અને એમ વિવિધ ઘટનાઓ વિશે, પાત્રો વિશે અને માન્યતાઓ પાછળની વાર્તાઓ વિશે લખતો રહ્યો. એમાં પરોક્ષ રીતે ૨૦૦૭થી અક્ષરનાદ પર ટાઈપ કરવાનો અને સંપાદનનો અનુભવ પણ ખૂબ કામ લાગ્યો. ગુજરાતી ટાઈપમાં સારી એવી ઝડપ છે, વિચારોની સાથે સતત ટાઈપ કરી શકું છું એનો ભરપૂર ફાયદો થયો અને ઉપરાંત એ નવરાશના સમયમાં બીજુ કાંઈ વિઘ્ન નહોતું એટલે રોજ સાત આઠ કલાક વાંચન – વિચારવું અને લખવું એ જ પ્રવૃત્તિને આપ્યા અને આમ લેખો લખાતાં ગયા.
- લખવાની શરૂઆત ક્યારથી કરી અને પ્રથમ વખત કઈ જગ્યાએ છપાયું હતું ? જ્યારે છપાયું ત્યારે ફિલ કેવી આવી?
લખવાની શરૂઆત તો શાળા દરમ્યાન જ થઈ હતી, એક ફુલસ્કેપ નોટમાં સતત આસપાસની ઘટનાઓ, લોકો અને પરિસ્થિતિ વિશે લખતો. મકાન બદલાયું એમાં એ નોટ ખોવાઈ ગઈ, પછી દસમા અને બારમા ધોરણ દરમ્યાન, એન્જિનિઅરિંગ દરમ્યાન લખવાનું સાવ છૂટી ગયું. ૨૦૦૧માં દિલ્હી નોકરી કરવા ગયો ત્યારે નિ:શુલ્ક ઇન્ટરનેટ મળ્યું અને યાહુ જીઓસિટીઝ પર પેજ બનાવી ગુજરાતી કવિતાઓ, નિબંધો વગેરે લખી સ્કેન કરી મૂકવાનું શરૂ કર્યું. એમ કરતાં બસ્સોથી વધુ પેજ બનાવેલા પણ ફરી માસ્ટર્સમાં એડમિશન લીધું અને એ પ્રયોગ પડી ભાંગ્યો. ૨૦૦૭થી પહેલા વર્ડપ્રેસ પર બ્લોગ અને પછી અક્ષરનાદ.કોમ તરીકે સતત લખાતું થયું અને એ વળગણ કાયમ રાખ્યું છે. મૃગેશભાઈએ ૨૦૦૫માં મારી કવિતાઓ રીડગુજરાતી પર મૂકી, પીપાવાવ પાસે દરિયામાં આવેલા શિયાળબેટ અને સવાઈબેટ વિશેનો મારો લેખ નવનીત સમર્પણમાં છપાયો, ત્યારે ખરેખર ખૂબ મજા આવી ગઈ.

પીપાવાવના ચેરમેન નિખિલભાઈ ગાંધી પાસે એ અંક ઓડિટર પ્રિય સ્નેહલભાઈ મઝુમદારે પહોંચાડ્યો અને મેનેજમેન્ટે વધાવ્યો ત્યારે ખૂબ આનંદ થયેલો. મદુરાઈના કૃષ્ણન, જે રસ્તે ભટકતાં અસહાય માનસિક અસ્થિર દર્દીઓને જાળવવા – ખવડાવવા ખૂબ અસરકારક પ્રયત્ન કરી રહ્યાં હતા તેમના આર્થિક પડકારો વિશે ફોનથી માહિતી લઈ અખંડ આનંદમાં અને અક્ષરનાદ પર લખ્યું અને એને સારી એવી મદદ મળી રહી એ પણ અલભ્ય આનંદ હતો, સતત જે શીખતો રહ્યો અને અક્ષરનાદ વિકસાવતો રહ્યો એ બ્લોગિંગ વિશે સાયબર સફરમાં લખ્યું. નડીયાદથી પ્રસિદ્ધ થતા ક્વોલિટી સક્સેસમાં ઇન્ટરનેટના વિવિધ પાસા વિશે કૉલમ લખી. એ સિવાય વિવિધ વિષયો પર અક્ષરનાદમાં સતત લખ્યું. આમ અક્ષરનાદ પર સંપાદનનો અને વિવિધ સામયિકોએ લેખનનો અનુભવ સતત મળ્યો છે. સમયની સાથે એ અનુભવે મને વાક્યરચના, જોડણી અને લેખન વિશે સમગ્રતયા ઘણું શીખવ્યું છે.
- માઈક્રોફિક્શનનો આખો વિચાર તમારા મગજમાં કઈ રીતે આવ્યો? અને પછી બીજા લેખકો પણ જોડાતા ગયા.
૨૦૦૯-૧૦ની આસપાસ ઝેન કૉઅન વાંચી, પછી મિત્ર ડૉ. હાર્દિક યાજ્ઞિક સાથે એની ચર્ચા દરમ્યાન એવી વાર્તાઓ આપણે કઈ રીતે લખી શકીએ, એમાં શું વિશેષતાઓ હોય કે નિયમો હોય, એનું બંધારણ વગેરે ચર્ચાઓ સાથે માઇક્રોફિક્શનનો વિચાર આવ્યો, અંગ્રેજી માઇક્રોફિક્શનનો અભ્યાસ કર્યો, અક્ષરનાદ પર ગુજરાતી માઇક્રોફિક્શન મૂકી, વાચકમિત્રોને અને સહસર્જકોને ખૂબ ગમી, એમણે પણ હાથ અજમાવ્યો, પછી અક્ષરનાદ પર સ્પર્ધા કરી, અનેક મિત્રો જોડાયા, પછી બીજી સ્પર્ધા કરી,વધુ મિત્રો જોડાયા અને બીજી સ્પર્ધા પૂર્ણ થયે આ પ્રકારને વિગતે સમજવા, ચર્ચા કરવા અને સતત લખવા તથા એકબીજાને સુધારવા વ્હોટ્સએપ ગૃપ સર્જન બનાવ્યું.

પછી પણ સ્પર્ધાઓ તો થતી જ રહી, દિવ્યભાસ્કરમાં કૉલમ શરૂ થઈ, મમતાના બે વિશેષાંકો થયા, બે પુસ્તકો કર્યા, અનેક ‘માઇક્રોફિક્શનની મહેફિલ’ કાર્યક્રમો કર્યા અને સાથે સર્જનની પ્રવૃત્તિઓનું વટવૃક્ષ અલગથી વિસ્તર્યું જે હવે માઇક્રોફિક્શન શૉટ્સ પુસ્તક સ્વરૂપે ખૂબ સરસ રીતે પોંખાયું.
- જિજ્ઞેશ અધ્યારુને કેવા પ્રકારનાં પુસ્તકો વાંચવા ગમે? અને તમને ગમતાં પાંચ પુસ્તકોના માત્ર નામ કહો, જે તમે અન્ય વાંચકોને સજેસ્ટ કરવા માગતા હો?
મને નવલકથાઓ બહુ ગમે, પણ હવે ટૂર પર હોઉં એ સિવાય વાંચવાનો એટલો બધો સમય નથી મળતો. મને ટૂંકી વાર્તાઓ ખૂબ ગમે અને ફિલસૂફીના પુસ્તકો, પ્રવાસવર્ણનો વાંચવાની ખૂબ મજા આવે. મને ગમતા ફક્ત પાંચ પુસ્તકો તો કઈ રીતે કહેવા. એ યાદીમાં મૂકવા હોય તો ઢગલો પુસ્તક મૂકવા પડે પણ પાંચ જ વિચારું તો…
પુસ્તક | લેખક |
ધ ગેટલેસ ગેટ | મુમોન |
અંગાર | અશ્વિની ભટ્ટ |
સમુદ્રાન્તિકે | ધૃવ ભટ્ટ |
સક્કરબાર | ગુણવંતરાય આચાર્ય |
અ પેબલ ફૉર યોર પોકેટ | થિટ્ચ ન્હાટહાન્હ |
- ઈન્ટરનેટ પર ગુજરાતી સાહિત્ય વિશે સર્ચ કરીએ ત્યારે બે નામ સૌ પ્રથમ આવે. અક્ષરનાદ અને રિડગુજરાતી. આ બેઉની શરૂઆત કઈ રીતે થઈ?
સ્વર્ગીય મૃગેશભાઈએ રીડગુજરાતી શરુ કરી આપણી ભાષાની બહુ મોટી સેવા કરી છે. રીડગુજરાતી દોઢ દસકાથી પણ વધુ સમયથી ગુજરાતી સાહિત્યનો સીમાસ્તંભ છે. મારી કવિતાઓ સૌ પ્રથમ રીડગુજરાતી પર ૨૦૦૫માં પ્રસ્તુત થયેલી. અને પછી મેં મૃગેશભાઈને નિબંધો વગેરે મોકલવાનું શરુ કર્યું ત્યારે એમણે મને મારો બ્લોગ શરૂ કરવા સૂચન કર્યું. અક્ષરનાદની પ્રાથમિક ગોઠવણી, ડોમેઈનથી હોસ્ટિંગ સુધી બધું એમણે જ કરી આપ્યું અને એમ પહેલા વર્ડપ્રેસ પર અને પછી અક્ષરનાદ ડોટ કોમ પર મારી સાહિત્ય યાત્રા શરુ થઇ. અનેક મિત્રોને લખતા કરવાનો યશ આ બંને વેબસાઈટને નામે છે, અનેકોને પ્રથમ વખત મંચ આપવાનું પુણ્ય પણ આ બંને વેબસાઇટ્સને મળ્યું છે અને એ માટે હું મૃગેશભાઈનો ખુબ આભારી છું. એમના અકાળ અવસાન પછી રીડગુજરાતી પણ મેં હાથમાં લીધી.
- તમારી સામે હું બે વિકલ્પ રાખું છું. એક લખવું અને બીજું વાંચવું. બેમાંથી કયો વિકલ્પ પહેલા પસંદ કરશો? અને શા માટે?
વાંચવું એ સૌથી પહેલી પ્રાથમિકતા છે, લખવાનું તો પછી જ આવે. નાનપણમાં લાંબી સ્વાધ્યાયપોથીઓની વચ્ચે છુપાવીને હરકિસન મહેતા અને ગુણવંતરાય આચાર્યની નવલકથાઓ વાંચી છે, વેકેશનમાં કલાકો વાંચવામાં જ વિતાવ્યા છે, અને એ વળગણ અત્યાર સુધી છે જ, નવલકથા લઈને બેઠો હોઉં તો એમાં ખોવાઈ જ જવાય.

અથશ્રી માટે અનેક પુસ્તકો ફંફોસવાનો અવસર મળ્યો. પુસ્તક થઇ ગયા પછી હવે જે નવી શ્રેણી શરુ કરી છે એ માટે પહેલાથી વધારે સંદર્ભ પુસ્તકો જોવાની જરૂર પડે છે, એટલે એ રીતે પણ લખતા પહેલા વાંચવાની ખુબ જરૂરત રહે છે. વાંચવું એ મૂળભૂત જરૂરત છે, લખવું એ પછીની પ્રવૃત્તિ છે.
- મહાભારત અને રામાયણ આ બંને ગ્રંથમાંથી તમને ગમતું એક પાત્ર. જે તમારા હ્રદયની ખૂબ નજીક હોય. અને છેલ્લે છેલ્લે એ પાત્ર વિશે ગમતી તમારી બે ચાર લાઈન.
મને હનુમાનજી, કૌશલ્યાજી, દ્રૌપદી, અશ્વત્થામા, વિદુર, ભીષ્મ, કર્ણ વગેરે અનેક પાત્રો ખૂબ ગમે છે. અત્યારે મારી લખેલી ‘શકુનીની રોજનીશી’ મઠારવાનો પ્રયત્ન કરી રહ્યો છું. દુર્યોધન સુયોધન હતો અને ફક્ત એની ઈર્ષ્યાએ એને નકારાત્મક બનાવ્યો? એની પાછળ મહત્વનો દોરીસંચાર હતો શકુનીનો અને એ જો આજના સમયના વાતાવરણ મુજબ ત્યારની રોજનીશી લખે તો એ લોકોને, એ ઘટનાઓને અને પરિસ્થિતિને રજુ કરતી વાત કેવી હોય એ અક્ષરનાદ પર હપ્તે હપ્તે લખેલું અને હવે એને પણ પુસ્તક સ્વરૂપે લાવવાનો પ્રયત્ન કરવો છે.

મને કાયમ હનુમાનજી ખૂબ ગમ્યા છે, જેને સ્નેહ કર્યો એના પ્રત્યે શંકા વગરનું પૂર્ણ સમર્પણ, દ્રઢ વિશ્વાસ અને અદ્રુત આદર હનુમાનજીને પણ એમના જેટલા જ મહાન આદર્શ બનાવે છે. હનુમાનજી વગરના રામની કલ્પના જેમ મુશ્કેલ છે એમ કદાચ એવા સમર્પિત ભક્ત વગર ભગવાનની કલ્પના ન થઇ શકે. હનુમાનજી બળ બુદ્ધિ અને સમર્પણનું પ્રતીક છે, એ હોય ત્યારે આપણે આપોઆપ સુરક્ષિત અનુભવીએ છીએ. અને એટલે જ ડર, નિરાશા કે સંકટ સમયે આપણે એમનું જ સ્મરણ કરીએ છીએ. જય હનુમાન જ્ઞાન ગુણ સાગર, જય કપીશ તિહુ લોક ઉજાગર.