Homeદે ઘુમા કેકૃણાલ પંડ્યાએ ડેબ્યુ મેચમાં જ આ ત્રણ રેકોર્ડ નોંધાવી દીધા

કૃણાલ પંડ્યાએ ડેબ્યુ મેચમાં જ આ ત્રણ રેકોર્ડ નોંધાવી દીધા

Team Chabuk- Sports Desk: ક્રિકેટની રમતમાં એક જ ટીમમાં બે સગા ભાઈઓ સાથે રમતા ભાગ્યે જ જોવા મળે છે. જો કે ભારતીય ક્રિકેટમાં આ મોકો ગુજરાતે દર્શકોને ઘણી વખત આપ્યો છે. વડોદરાના પઠાણ બંધુ બાદ હવે પંડ્યા બંધુ ક્રિકેટમાં કિસ્મત અજમાવીને ક્રિકેટ રસીયાઓને મનોરંજન પૂરું પાડી રહ્યા છે.

પંડ્યા બંધુ માટે આજનો દિવસ કંઈક ખાસ છે. એટલે જ બન્ને ભાઈ આજે એકબીજાને ભેટીને રડી પડ્યા હતા. આ આંસુ ખુશીની સાથે સાથે દુઃખના પણ હોય શકે છે. કેમ કે થોડા દિવસ પહેલાં હાર્દિક પંડ્યા અને કૃણાલ પંડ્યાના પિતા આ દુનિયાને અલવિદા કહીને તેમના પરિવારને છોડીને ચાલ્યા ગયા હતા. આજે જ્યારે કૃણાલ પંડ્યાને વન-ડે ક્રિકેટના પદાર્પણ સમયે નાનાભાઈ હાર્દિક પંડ્યાએ કેપ આપી ત્યારે કૃણાલ ભાવુક થઈને રડી પડ્યો. એક તરફ વન-ડે ક્રિકેટમાં મળેલા ચાન્સની ખુશી અને બીજી તરફ એ વાતનું દુઃખ કે જો પિતા આ ઘડીને તેમની આંખોથી નિહાળી શક્યા હોત તો કેટલા ખુશ થયા હોત.

હાર્દિક પંડ્યા અને કૃણાલ પંડ્યા આઈપીએલમાં તો મુંબઈ ઇન્ડિયન્સમાં એક સાથે રમતાં ઘણી વખત જોવા મળ્યા. પરંતુ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં વન-ડે મેચમાં હાર્દિક પંડ્યા બાદ હવે મોટાભાઈ કૃણાલ પંડ્યાની પણ એન્ટ્રી થઈ ગઈ છે. કૃણાલ પંડ્યાએ પુણેમાં ઈંગ્લેન્ડ સામેની પ્રથમ વન-ડેમાં ડેબ્યુ કર્યું. ડેબ્યુ મેચમાં જ કૃણાલ પંડ્યાએ રેકોર્ડ બનાવીને ટીમમાં પોતાના પગ મજબૂત કરી દીધા છે.

કૃણાલ પંડ્યાને બેટિંગમાં ઉતરવાનો અવસર છેક 41મી ઓવરમાં મળ્યો. હાર્દિક પંડ્યા આઉટ થતાં કૃણાલ પંડ્યા મેદાનમાં આવ્યો. ડેબ્યુ મેચના પ્રથમ બોલમાં એક રન લીધા બાદ પછીની ઓવરમાં સેમ કરનની કૃણાલે ધોલાઈ કરી નાખી. એક જ ઓવરમાં ત્રણ ચોગ્ગા ફટકારી દીધા. કૃણાલ પંડ્યાએ પ્રથમ 10 બોલમાં 18 રન બનાવી નાખ્યા. ત્યારબાદ કૃણાલની બેટિંગ થોડી ધીમી પડી. પરંતુ 29 રન બનાવ્યા બાદ કૃણાલ પંડ્યાએ પ્રથમ સિક્સ ફટકારી. ઇનિંગની 48મી ઓવરમાં કૃણાલ પંડ્યાએ તમામ જોર લગાવી દીધું. 48મી ઓવર ફેંકી રહેલા માર્ક વુડના ત્રીજા બોલ પર ચોગ્ગો અને ચોથા બોલ પર છગ્ગો ફટકાર્યો. આ ઓવરમાં એક રન લઈને કૃણાલ પંડ્યાએ 25 બોલમાં 49 રન કરી લીધા.

49મી ઓવરના પ્રથમ બોલ પર એક રન લઈને કૃણાલ પંડ્યાએ 50 રન પૂરા કરી લીધા. 26 બોલમાં 50 રન પૂર્ણ કરતાંની સાથે જ કૃણાલે પોતાના નામે એક રેકોર્ડ નોંધાવી દીધો. માત્ર 26 બોલમાં ફિફ્ટી ફટકારતાની સાથે જ ડેબ્યુ મેચમાં સૌથી ઝડપી ફિફ્ટી મારનાર બેટ્સમેન બની ગયો. સાથે જ ઈંગ્લેન્ડ સામે ભારત તરફથી સૌથી ઝડપી ફિફ્ટી પણ બની ગઈ. વર્ષ 2012 પછી ભારત તરફથી સૌથી ઝડપી ફિફ્ટી પણ કૃણાલ પંડ્યાના નામે નોંધાઈ ગઈ. આમ કૃણાલ પંડ્યાએ એક કાંકરે ત્રણ પક્ષી માર્યા.

41મી ઓવરમાં ક્રિઝ પર આવેલા કૃણાલ પંડ્યાએ 50મી ઓવર સુધી અણનમ બેટિંગ કરીને 31 બોલમાં 58 રન બનાવ્યા. ભારતીય ટીમનો સ્કોર 300ને પાર પહોંચાડવામાં કૃણાલ પંડ્યાએ મહત્વનું અને ખરા સયમે યોગદાન આપ્યું. કૃણાલે કેએલ રાહુલ સાથે મળીને 57 બોલમાં 112 રનની ભાગીદારી પણ નોંધાવી. જેના કારણે 50 ઓવરમાં ભારતીય ટીમનો સ્કોર 317 રને પહોંચી ગયો.

મુંબઈ ઇન્ડિયન્સની બલ્લે બલ્લે

ટૂંક સમયમાં આઈપીએલ શરૂ થવા જઈ રહી છે. ત્યારે આઈપીએલમાં સૌથી વધુ વખત ચેમ્પિયન્સ બનનાર ટીમ મુંબઈ ઇન્ડિયન્સ માટે ખુશીના સમાચાર છે. તાજેતરમાં જ મુંબઈ ઇન્ડિયન્સના ત્રણ ખેલાડીઓએ આંતરરાષ્ટ્રીય ડેબ્યુ મેચમાં ફિફ્ટી ફટકારી છે. આજે કૃણાલ પંડ્યાએ ફિફ્ટી ફટકારી હતી તે પહેલાં ઈંગ્લેન્ડ સામેની ટી-20 મેચની સિરીઝમાં ઈશાન કિશન અને સૂર્યકુમાર યાદવે ફિફ્ટી ફટકારી હતી. આમ મુંબઈ ઇન્ડિયન્સના ત્રણ ખેલાડીઓએ શાનદાર પ્રદર્શન કરીને આઈપીએલ પહેલાં મુંબઈ ઇન્ડિયન્સને ખુશ થવાનો મોકો આપી દીધો છે.

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments