Homeગુર્જર નગરીકળિયુગી માઃ માનસિક બીમાર પુત્ર બહેનને હેરાન કરતો હતો, માએ જીવ લઈ...

કળિયુગી માઃ માનસિક બીમાર પુત્ર બહેનને હેરાન કરતો હતો, માએ જીવ લઈ લીધો

Team Chabuk-Gujarat Desk: મા તે મા બીજા વગડાના વા. આ કહેવત છે માતા અને સંતાનો માટે. પોતાના સંતાનો પર કોઈ મુસીબત આવે તો મા પહેલાં આગળ આવી જાય છે અને મુસીબત સંતાન સુધી પહોંચવા દેતી નથી. મા એટલે ભગવાન. મા એટલે તારણહાર. મા એટલે પ્રેમનું ઝરણું. મા એટલે વાત્સલ્યની મૂર્તિ. મા એટલે ભગવાને સર્જેલું દુનિયાનું શ્રેષ્ઠ પાત્ર. પરંતુ આજે એવા કિસ્સાની વાત કરવાની છે જેણે સાબિત કરી દીધુ છે કે આ કળિયુગ છે. કેટલીક કળિયુગી મા વાત્સલ્યની મૂર્તિ નથી કે નથી પ્રેમનું ઝરણું. આવી માતાને માત્ર કળિયુગી મા જ કહી શકાય.

વાત અમરેલી જિલ્લાની છે. અહીં એક માએ પોતાના 30 વર્ષીય દીકરાની હત્યા કરી દીધી. દીકરો માનસિક રીતે બીમાર હતો અને તેની બહેનને હેરાન કરતો હતો. બસ આ જ વાતની આ માતાને રીસ ચઢી અને ડંડો લઈને દીકરા પર તૂટી પડી.

આરોપ છે કે, સવજી શિયાળ નામના પુત્રને તેની માતા દુધીબેન ઉપરાંત પાડોશીએ પણ માર માર્યો હતો. પોલીસે કહ્યું કે, 27 માર્ચ અને સોમવારે આ બનાવ બન્યો હતો. સાવરકુંડલા પોલીસે આ મુદ્દે ગુનો દાખલ કર્યો છે અને વધુ તપાસ શરૂ કરી છે.

પોલીસની પ્રાથમિક તપાસમાં સામે આવ્યું કે, દુધીબેનનો માનસિક રીતે દિવ્યાંગ 30 વર્ષીય પુત્ર સવજી તેની નાની બહેનને હેરાન કરી રહ્યો હતો. જેને દુધીબેને શાંત કરાવવાની કોશિશ કરી હતી. જો કે,  માનસિક રીતે દિવ્યાંગ પુત્ર તેમના તાબે ન થયો એટલે તેમણે પાડોશમાંથી મુન્ના નામના વ્યક્તિને બોલાવ્યો હતો. પહેલાં બંનેએ સવજીને સમજાવવાનો પ્રયાસ કર્યો પરંતુ સવજીએ તેમનું ન માનતા તેને શિક્ષા આપવાનું નક્કી કર્યું હતું. પોલીસે કહ્યું કે, સવજીની માતા દુધી બહેને સવજીને પકડી રાખ્યો હતો અને પાડોશી મુન્નાએ તેને ઢોર માર માર્યો હતો. માર માર્યા બાદ બંને તેને ત્યાંજ છોડીને ચાલ્યા ગયા હતા.

ઘટનાની જાણ ક્યારે થઈ ?

મૃતક 30 વર્ષીય સવજી વિવાહિત હતો. તેના લગ્નજીવનમાં ચાર સંતાનો પણ છે. ચાર સંતાનોમાં ત્રણ પુત્રી અને એક પુત્ર છે. ઘટનાના દિવસે તેની પત્ની પિયર ગઈ હતી. પિયરથી જ્યારે તે પરત ફરી ત્યારે સવજી બેશુદ્ધ હાલતમાં પડ્યો હતો. જેને લઈને તેને સાસુ અને આસપાસના લોકોને જાણ કરી હતી. જોકે, ત્યાં સુધીમાં બહું મોડું થઈ ગયું હતું. સવજીનું મોત થઈ ગયું હતું.

માતાએ કબૂલ્યો ગુનો

સમગ્ર ઘટના અંગે સવજીની માતા દૂધીબેને કબૂલ્યું છે કે, તેમણે જ તેમના પુત્રને માર માર્યો હતો અને ત્યારબાદ તેને એ જ હાલતમાં છોડીને જતાં રહ્યા હતા. હાલ પોલીસે મૃતક સવજીની પત્નીની ફરિયાદના આધારે દુધીબેન અને તેમના પાડોશી મુન્ના વિરૂદ્ધ હત્યાનો ગુનો દાખલ કરી વધુ તપાસ શરૂ કરી છે.

આમ, અમરેલીમાં એક માતાના હાથે જ પોતાના પુત્રનો સંસાર ભાંગી પડ્યો છે. ચાર-ચાર સંતાનો રઝડી પડ્યા છે. જો માતાએ પોતાના ગુસ્સાને કાબૂમાં રાખ્યો હોત તો આજે ચાર સંતાનોને તેના પિતાની છત્રછાયા ગુમાવવી ન પડી હોત.

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments