Team Chabuk-Gujarat Desk: અમદાવાદમાં વધુ એક નકલી PSIનો ભાંડો ફૂટી ગયો છે અને હવે તેને જેલની હવા ખાવાનો વારો આવ્યો છે. નકલી PSI બનીને ફરતાં આ શખ્સનો કિસ્સો થોડો અલગ છે. કારણે કે તેણે નકલી PSI બનીને પારકાને જ નહીં પરંતુ તેના પોતાના લોકોને પણ મામુ બનાવ્યા હતા. એ પણ પાંચ પાંચ વર્ષ સુધી. પાંચ વર્ષ સુધી તેના સાસરિયાને ખબર જ ન પડી કે તેમનો જમાઈ જગતસિંહ બીહોલા તો મોટો ફેકુ છે.
કેવી રીતે ઝડપાયો ?
રામોલ વિસ્તારમાં એક વ્યક્તિ કાર લઈને જઈ રહ્યો હતો. આ દરમિયાન પોલીસે કારને અટકાવી હતી. જો કે, કારચાલક લાજવાના બદલે ગાજ્યો હતો અને ઉલટાનો પોલીસ પર જ રૌફ જમાવવા લાગ્યો હતો. ઉત્સાહમાં ને ઉત્સાહમાં આ વ્યક્તિએ પોલીસને કહી દીધું હતું કે મારો જમાઈ PSI છે. બબાલ વધી જતાં પોલીસે પણ કહી દીધુ હતું કે, તો તમારા જમાઈને અહીં બાલાવી લો.
ત્યારબાદ આ વ્યક્તિએ તેના જમાઈને ફોન કર્યો હતો. જમાઈએ વૈભવી કારમાં પોલીસની વર્દીમાં જ ત્યાં એન્ટ્રી કરી હતી. આ વ્યક્તિએ આવીને પહેલાં તો હાજર કોન્સ્ટેબલને ધમકાવ્યા હતા. જોકે, ત્યારબાદ તેના પર શંકા જતાં તેની ઉલટ પૂછપરછ કરાઈ હતી. આ દરમિયાન અન્ય પોલીસ અધિકારી પણ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. ત્યારબાદ વધુ તપાસમાં તે PSI ન હોવાનું જાણવા મળ્યું હતું. જમાઈ PSI ન હોવાનો ખુલાસો થતાં સસરાના મોઢામાંથી પણ એક શબ્દ નીકળ્યો ન હતો. આમ, સસરા અને જમાઈ બંનેની પોલીસે અટકાયત કરી લીધી હતી.
અસલી PSI ન બની શકતાં નકલી બની ગયો
પોલીસની વધુ પૂછપરછમાં સામે આવ્યું કે, જગતસિંહ બીહોલાએ બી.એ. વીથ ઈંગ્લિશમાં ગ્રેજ્યુએશન કર્યું છે. જગતસિંહનું સપનું હતું કે તે પીએસઆઈ બને. જેના માટે તેણે ખુબ મહેનત પણ કરી હોવાનું તે કહી રહ્યો છે. જગતસિંહે પોલીસ સમક્ષ કબુલ્યું કે તેણે પાંચ વખત પીએસઆઈની પરીક્ષા આપી હતી પરંતુ પાંચેય વાર તે નાપાસ થયો હતો. ત્યારબાદ તેને નકલી PSI બનવાનો વિચાર આવ્યો હતો.
નકલી આઈડી બતાવી ડ્રેસ સીવડાવ્યો
આરોપી જગતસિંહે પહેલાં ક્રાઈમબ્રાંચના પીએસઆઈનું નકલી આઈડી બનાવ્યું હતું. આ આઈડીના આધારે તેણે અમદાવાદના મેઘાણીનગરમાં PSIનો યુનિફોર્મ સીવડાવ્યો હતો. ખોટી નેમ પ્લેટ પણ બનાવી હતી. ડ્રેસ પહેરતા એવું જ લાગે કે તે અસલી PSI છે. જગતસિંહ મોંઘીદાટ કારમાં ફરતો હોવાનું પણ જાણવા મળ્યું છે.
કોન્સ્ટેબલ સલામ ઠોકતો
તપાસમાં સામે આવ્યું કે, આરોપીની પાડોશમાં જ ક્રાઈમબ્રાંચમાં ફરજ બજાવતા એક કોન્સ્ટેબલ રહે છે. આ કોન્સ્ટેબલને પણ જગતસિંહે PSI તરીકેની ઓળખ આપી હતી. જગતસિંહની ટાઈટ ઈસ્ત્રીવાળી વર્દી જોઈને આ કોન્સ્ટેબલ પણ તેને સલામ ઠોકતો હતો. આરોપીએ કોન્સ્ટેબલને જણાવ્યું હતું કે તે રેલવે પોલીસમાં ફરજ બજાવતો હતો પણ ત્યાંથી સસ્પેન્ડ કરી હવે લૂણાવાડામાં ફરજ પર મૂક્યો છે
સાસરિયામાં ખોટું બોલ્યો
જગતસિંહે પોતાના સાસરિયામાં પણ પોતે PSI હોવાનું જણાવ્યું હતું. જેથી સસરાને એવું જ હતું કે તેનો જમાઈ પીએસઆઈ છે. જો કે, આ વાત પર પણ પોલીસને શંકા છે. પોલીસ તપાસ કરી રહી છે કે, સસરા સાચુ બોલી રહ્યા છે કે પછી જમાઈ સાથે સંડોવાયેલા છે. બીજી તરફ પોલીસે એ દિશામાં પણ તપાસ શરૂ કરી છે કે, પાંચ વર્ષમાં નકલી PSI બનીને તેણે કેટલા લોકો પાસેથી રૂપિયા પડાવ્યા છે. કારણે કે, પોલીસની તપાસમાં જાણવા મળ્યું છે કે, આરોપી સામાન્ય સિક્યોરિટીની નોકરી કરે છે તો પછી તેની પાસે વૈભવી કાર આવી ક્યાંથી ? હાલ પોલીસે જગતસિંહ પાસેથી વૈભવી કાર અને મોબાઈલ સહિત 8 લાખનો મુદ્દામાલ કબજે કરી વધુ તપાસ શરૂ કરી છે.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત