Team Chabuk-Gujarat Desk: સગીર યુવતીઓને લલચાવી-ફોસલાવી પ્રેમ સંબંધો રાખતા અને બાદમાં ગર્ભવતી બનાવી તરછોડી મૂકતા કિસ્સામાં વધુ એકનો ઉમેરો થયો છે. આ ઘટના છે બારડોલીની જ્યાં એક નબીરા સાથે પ્રેમ સંબંધ રાખવો સગીરાને ભારે પડી ગયો અને પેટમાં તેનું અઢી માસનું બાળક રહી ગયું.
બારડોલી તાલુકાના સીંગોદ ગામે સગીરાને ગર્ભવતી બનાવી રફુચક્કર થઈ ગયેલા નબીરાના કિસ્સાએ સમગ્ર સીંગોદ ગામમાં ચર્ચા જગાવી છે. કડોદ હાઈસ્કૂલમાં અભ્યાસ કરતી આ સગીરાને લલચાવી ફોસલાવી આશિકે પ્રેમજાળમાં ફસાવી લીધી હતી. તેને સોનેરી સપના બતાવ્યા હતા અને બાદમાં અવારનવાર તેની સાથે વાઘેચા ગામની સીમમાં સંબંધો બાંધ્યા હતા. જે પછી આશિક યુવાન અન્ય યુવતી સાથે લગ્ન કરવાનો હોય તેવી ફરિયાદ નોંધાતા પોલીસે લગ્નના આગલા દિવસે જ તેની ધરપકડનો ચાંદલો લખી નાખ્યો હતો.
દસમાં ધોરણમાં નાપાસ થયેલી આ સગીરા બારડોલીના કડોદમાં કોર્સ કરવા માટે જતી હતી ત્યાં તેની મુલાકાત 19 વર્ષીય પ્રફુલ્લ વિનોદભાઈ પટેલ નામના છેલબટાઉ સાથે થઈ હતી. અભ્યાસ પૂર્ણ થયા બાદ સગીરા બારડોલીની ખાનગી હોસ્પિટલમાં નોકરી કરતી હતી. અહીં તેની આંખ વિનોદ સાથે મળી ગઈ.
વિનોદ અવાર નવાર પોતાની બાઈક લઈ સગીરાને મળવા માટે આવતો હતો. તેની સાથે મીઠી મીઠી વાતો કરતો હતો અને ફોસલાવતો રહેતો હતો. સગીરાને પ્રફુલ્લની વાતો થકી પ્રેમમાં પડતા વાર ન લાગી અને તેણે તેના પર વિશ્વાસ મૂકી પોતાનું સર્વસ્વ આપી દીધું.
સગીરા પ્રેમજાળમાં ફસાતા જ પ્રફુલ્લ તેની સાથે શારીરિક સંબંધો બાંધવા લાગ્યો અને તેને ભોળવવા લાગ્યો. આ સિવાય બંને પાંડેસરામાં ઘર ભાડે રાખીને પણ વસવાટ કરતા હતા. જોકે તેમનું ઘરે રહેવું વધારે સમય સુધી ટક્યું ન હતું. નવરા પ્રફુલ્લને દારૂનું વ્યસન હતું ઉપરથી તે બેરોજગાર પણ હતો જેથી બંને અલગ થયા હતા.
આ સમયે પ્રફુલ્લ અન્ય યુવતી સાથે લગ્ન કરવાનો હોવાની વાત સગીરાના કાને પડી હતી. સગીરાએ તાત્કાલિક પોલીસ ફરિયાદ નોંધાવી હતી જેથી પ્રેમીને શિક્ષા મળે, કારણ કે તેના પેટમાં પ્રફુલ્લનું અઢી મહિનાનું બાળક ધબકતું હતું. પોલીસે પણ તાત્કાલિક કાર્યવાહી કરી આશિક પ્રફુલ્લની ધરપકડ કરતાં, હાલ પ્રફુલ્લનો માંડવો ઘરના આંગણાની જગ્યાએ પોલીસ સ્ટેશનમાં ખોડાઈ ગયો છે.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત