Team Chabuk-Gujarat Desk: ગુજરાતમાં કોરોના દરરોજ રેકોર્ડ તોડી રહ્યો છે. આજે ગુજરાતમાં દૈનિક કોરોનાના કેસ 3 હજારને પાર થઈ ગયા છે. અગાઉ ક્યારેય ગુજરાતમાં આટલા પ્રમાણમાં દૈનિક કેસ નોંધાયા નથી. કોરોના ગુજરાતમાં વિકરાળ સ્વરૂપ ધારણ કરી ચૂક્યો છે. 5 એપ્રિલના રોજ સરકારના ચોપડે 3160 કોરોનાના નવા 3160 કેસ નોંધાયા છે. વધતા જતાં કોરોનાના કેસના કારણે સરકારી તંત્ર પણ માથું ખંજવાળી રહ્યું છે. પ્રજાના માથે ભય ભમી રહ્યો છે. હોસ્પિટલો પણ હવે હાઉસફુલ થઈ રહી છે. સ્માશાન ગૃહોમાં મૃતદેહોની લાઈનો લાગી રહી છે.
અત્યાર સુધીના સૌથી વધુ દૈનિક કેસ
ગુજરાતમાં આજે નોંધાયેલા કેસ અત્યાર સુધીના સૌથી વધુ દૈનિક કેસ છે. 24 કલાકમાં ગુજરાતમાં 3160 કેસ નોંધાયા છે જ્યારે સામે 2028 દર્દીઓ કોરોનામાંથી મુક્ત થયા છે. અત્યાર સુધી કુલ 3 લાખ 765 દર્દીઓ કોરોનાને હરાવી ચૂક્યા છે. રાજ્યમાં કોરોનામાંથી સાજા થવાનો દર 93.25 ટકા જેટલો થયો છે.
સરકારી ચોપડે છેલ્લા 24 કલાકમાં કોરોનાથી કુલ 15 મૃત્યુ નોંધાયા છે. જેમાં સુરત શહેરમાં સૌથી વધુ 7 મોત, અમદાવાદ શહેરમાં 6 મોત, ભાવનગર અને વડોદરા શહેરમાં 1-1 મોત કોરોનાના કારણે નોંધાયા છે. ગુજરાતમાં છેલ્લા ચાર દિવસથી કોરોનાથી 10થી વધુ મોત નોંધાઈ રહ્યા છે. 2 એપ્રિલે 11, 3 એપ્રિલે 13, 4 એપ્રિલે 14 અને આજે 5 એપ્રિલે 15 લોકોના કોરોનાથી મોત થયા છે.
ગુજરાતમાં અત્યાર સુધીના સૌથી વધુ 3160 દૈનિક કેસ નોંધાયા#gujaratcorona pic.twitter.com/LaHW8RtgSw
— thechabuk (@thechabuk) April 5, 2021
અમદાવાદ શહેરમાં સૌથી વધુ કેસ
કોરોના વાઇરસે અમદાવાદને બાનમાં લીધું હોય તેવું લાગી રહ્યું છે. રાજ્યમાં અમદાવાદ શહેરમાં સૌથી વધુ કોરોનાના કેસ નોંધાઈ રહ્યા છે. છેલ્લા 24 કલાકમાં અમદાવાદ શહેરમાં કોરોનાના 773 નવા દર્દીઓ ઉમેરાયા છે જ્યારે 455 લોકોને ડિસ્ચાર્જ કરાયા છે. તો સુરત શહેરમાં પણ 24 કલાકમાં કોરોનાના નવા 603 કેસ નોંધાયા છે અને 540 લોકોને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. રાજકોટ શહેરમાં આજે 283 કોરોનાના દર્દી નોંધાયા છે. રાજકોટ શહેરમાં આજે 144 દર્દીઓને રજા આપવામાં આવી છે. વડોદરા શહેરની વાત કરીએ છેલ્લા 24 કલાકમાં 216 નવા કેસ નોંધાયા છે અને 179 દર્દીઓને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. આજે ગુજરાતનો એકેય એવો જિલ્લો નથી જ્યાં કોરોનાનો કેસ ન નોંધાયો હોય. તમામ 33 જિલ્લાઓમાં કોરોનાએ હાજરી પૂરાવી છે. ગુજરાતમાં આજે સૌથી ઓછો 1 કેસ પોરબંદર જિલ્લામાં નોંધાયો છે.
સરકારી ચોપડે ગુજરાતમાં અત્યાર સુધી 4581 લોકોના કોરોનાથી મોત થઈ ચૂક્યા છે. ગુજરાતમાં હાલ 1,62,252 દર્દીઓ સારવાર હેઠળ છે. જેમાંથી 167 દર્દીઓ વેન્ટીલેટર પર છે અને 16085 દર્દીઓની હાલત સ્થિર છે.
રસીકરણમાં ગતિ
ગુજરાતમાં સરકારી તંત્રએ વધતા કોરોનાના કેસની વચ્ચે રસીકરણ પ્રક્રિયા તેજ બનાવી છે. આજે રાજ્યમાં કુલ 3 લાખ 280 લોકોને રસી આપવામાં આવી હતી. જેમાં 2,73,041 લોકોને પ્રથમ ડોઝ અને 25,343 લોકોને બીજો ડોઝ આપવામાં આવ્યો છે. અત્યાર સુધીમાં ગુજરાતમાં કુલ 67,62,638 લોકોને રસીનો પ્રથમ ડોઝ અને 8,10,126 લોકોને રસીનો બીજો ડોઝ આપી દેવામાં આવ્યો છે. રસીકરણ પ્રક્રિયા વધુ ઝડપી બનાવવા માટે હાલ વિવિધ જિલ્લા અને તાલુકા સ્તરે સરકારી તંત્ર સ્થાનિક સામાજિક સંસ્થાઓનો સહયોગ લઈને રસીકરણ કેમ્પનું આયોજન પણ કરી રહી છે. સરકાર દાવો કરી રહી છે કે ગુજરાતમાં અત્યાર સુધી કોઈપણ વ્યક્તિને રસીની આડ અસર થઈ નથી.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત