Team Chabuk-Gujarat Desk: ગીર સોમનાથના વેરાવળમાં ગૌ-હત્યા અને ગૌતસ્કરી પર રોક લગાવવા માટે હિન્દુ યુવા સંગઠન છેલ્લા ચાર દિવસથી ઉપવાસ આંદોલન પર છે. આ આંદોલનને અન્ય સંગઠનોનું પણ સમર્થન મળી રહ્યું છે. હિન્દુ યુવા સંગઠનની માગણી છે કે, ગૌ-હત્યા અને ગૌ તસ્કરીના ગુનેગારો વિરુદ્ધ ગુજસીટોક હેઠળ કાર્યવાહી કરવામાં આવે.
ગીર સોમનાથ જિલ્લા હિન્દુ યુવા સંગઠનના પ્રમુખ જતીનબાપુ અને હિન્દુ યુવા સંગઠનના કાર્યકર્તાઓ વેરાવળમાં દુઃખ ભંજન હનુમાનજીના સાનિધ્યમાં આમરણાંત ઉપવાસ પર બેઠા છે.
હિન્દુ યુવા સંગઠનના રાષ્ટ્રીય પ્રમુખ રઘુવીરસિંહ જાડેજાએ આંદોલનકારીઓની મુલાકાત લીધી હતી અને કાર્યકર્તાઓની માગણીને યોગ્ય ગણાવી હતી. રઘુવીરસિંહ જાડેજાએ લલકાર કર્યો હતો કે, આ માગણીને વહેલીતકે પૂરી કરવામાં આવે. જો માગણી પૂરી નહીં થાય તો દેશભરમાંથી હિન્દુ યુવા સંગઠનના કાર્યકર્તાઓની સાથે અન્ય ગૌપ્રેમીઓ પણ વેરાવળ પહોંચશે અને આંદોલનને વેગ આપશે.

રઘુવીરસિંહે કહ્યું હતું કે, જરૂર પડશે તો અમે ગુજરાતની સમગ્ર ટીમ સાથે મેદાનમાં ઉતરીશું. આ લડાઈમાં ગીર સોમનાથના કાર્યકર્તાઓ એકલા નથી. તંત્ર આ વાતને ધ્યાનમાં રાખે.
તેમણે કહ્યું કે સેંકડો વર્ષોથી એક મુદ્દો હિન્દુ સમાજને સતત સતાવી રહ્યો છે. ગૌહત્યા બંધ થવી જોઈએ. ગૌતસ્કરી બંધ કરવી જોઈએ. તેમણે કહ્યું કે આ મુદ્દો ચૂંટણી પૂરતો સિમિત થઈ જાય છે. માત્ર ભાષણમાં જ આ મુદ્દે સિમિત રહે છે. આ મુદ્દાનું ક્યારેય નિરાકરણ નથી આવતું. ત્યારે હિન્દુ યુવા સંગઠન હંમેશા એવા મુદ્દા ઉઠાવે છે જે સમાજને સ્પર્શતા હોય. ત્રણ દિવસ સુધી જતીનભાઈએ અન્નનો એક દાણો ખાધો નથી. તેમણે કહ્યું કે, જે લોકો ગૌતસ્કરી કરે છે તે ખરેખર આતંકવાદી કૃત્ય છે. એટલે જે ગુજરાત સરકારે ગુજસીટોક કાયદો બનાવ્યો છે તે આ કાયદા અંતર્ગત ગૌહત્યારાઓને આવરી લેવામાં આવે જેથી ગૌહત્યા સંપૂર્ણ બંધ થાય. જતીનભાઈનો બહુ વ્યાજબી મુદ્દો છે પરંતુ સરકારના પેટનું પાણી હલતું નથી.

ઊના તાલુકાના હિન્દુ યુવા સંગઠનના કાર્યકર્તાઓ પણ આંદોલનમાં જોડાયા છે. આ ઉપરાંત અંજાર, નખત્રાણા અને ભુજથી પણ કાર્યકર્તાઓ વેરાવળ પહોંચ્યા હતા.
આ આંદોલનના સમર્થનમાં ઉત્તર ગુજરાત હિન્દુ યુવા સંગઠનના પ્રમુખ ભૃગુવેન્દ્રસિંહ, ભાલકા મહામંડલેશ્વર ખોડિયાર આશ્રમના મહામંડલેશ્વર બાપુ, વાણંદ યુવા સંગઠન, સાઈ મિત્ર મંડળ, વિહિપ કેશોદ પ્રખંડ, મહાકાલ ગૃપ, બજરંગ ગૌશાળા ભાલકા તેમજ વિવિધ ગૌશાળાના ગૌભક્તો પણ ઉતર્યા છે. આ ઉપરાંત વિવિધ સમાજના આગેવાનોએ પણ ઉપવાસ છાવણીની મુલાકાત લઈને આંદોલનને સમર્થન આપ્યુ હતું.

આરોપ છે કે, છેલ્લા કેટલાક સમયથી ગૌતસ્કરીની ઘટનાઓ વધી છે. આરોપીઓને કાયદાનો કોઈ ડર ન હોય તેમ ગૌ તસ્કરી કરી રહ્યા છે. જેથી આવા લોકો પર લગામ લાગવી જરૂરી છે.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત