Team Chabuk-Editor View: જૂનાગઢની ધરોહર સમી અને જ્યાંથી ધીરૂભાઈ અંબાણી સહિત કંઈ કેટલાય દિગ્ગજોએ અભ્યાસ કર્યો છે એવી સ્વામી વિવેકાનંદ હાઈસ્કૂલના સાયન્સ વિભાગને ખંભાતી તાળું મારી દેવાના વિવાદનું શમન થયું નથી. સોશિયલ મીડિયામાં અવારનવાર શાળાને બંધ કરી દેવાનો વિરોધ જ્વાળામુખી બની ફૂટી નીકળે છે.
1976ની સાલમાં સૌ પ્રથમ વખત આ શાળામાં અભ્યાસની શરૂઆત થઈ હતી. એક વખત હતો જ્યારે વિજ્ઞાન પ્રવાહના વિદ્યાર્થીઓની એડમિશન માટે અહીં લાંબી કતારો લાગતી હતી, જેને અહીં વિજ્ઞાન પ્રવાહમાં એડમિશન મળે એ ખૂદને ભાગ્યશાળી સમજતો હતો, પણ 2021માં વિજ્ઞાન વિભાગને બંધ કરવાનો નિર્ણય લેતા હવે સ્થાનિકો રોષે ભરાયા છે, કારણ કે ગરીબ વિદ્યાર્થીઓ હવે અભ્યાસ કરવા માટે ક્યાં જશે?
અહીં જ્યારે વિજ્ઞાનનો અભ્યાસક્રમ બંધ કરવામાં આવ્યો ત્યારે વિદ્યાર્થીની સંખ્યા 14 હતી. શાળા સંચાલકોનું કહેવું છે કે આ નિર્ણય ચપટી વગાડતા નથી લેવામાં આવ્યો. છેલ્લા ચાર વર્ષથી આ પ્રક્રિયા ચાલી રહી હતી બાદમાં વિદ્યાર્થીઓની સંખ્યા ઓછી રહેતા આ નિર્ણય લેવામાં આવ્યો છે.
જૂનાગઢ વિજ્ઞાન પ્રવાહનું પહેલાથી પાવરહાઉસ રહ્યું છે અને જૂનાગઢ જ જાણે હાટ બજાર હોય એમ ખાનગી શાળાઓ ધડાધડ ખોલી નાખવામાં આવી છે. ભણવાનું પણ ત્યાં, રહેવાનું પણ ત્યાં, શિક્ષણ પણ ત્યાં અને ઉપરથી આકર્ષવા માટે તેમનું પરિણામ તો હોય જ છે. જેથી વિદ્યાર્થીઓનો સરકારી શાળામાં રસ ઘટતો જઈ રહ્યો છે. જો વિદ્યાર્થીઓનો રસ સરકારી શિક્ષણ પ્રત્યે ઘટતો જઈ રહ્યો હોય તો શા માટે સરકાર આ માટેના યોગ્ય પ્રયાસો નથી કરતી, એ સવાલ પણ ઊભો થઈ રહ્યો છે.
સરકારી શાળા તો સરકારની જ હોય છે તો પછી સરકારી શાળામાં વિદ્યાર્થી આવે આ માટે એમણે પગલાં લેવા જોઈએ. મહેનત કરવી જોઈએ. 14 વિદ્યાર્થીઓની સંખ્યા એવો સવાલ પણ ઊભો કરે છે કે સરકારી શાળાઓમાં શિક્ષણનું સ્તર ભયજનક રીતે કથળ્યું છે અને સરકાર સરકારી શાળા હોવા છતાં અગમચેતીના પગલાં નથી ભરી રહી.
પણ બધા લોકોનું આકર્ષણ કંઈ ખાનગી પ્રત્યે નથી. જૂજ એવા લોકો પણ હોય છે જેઓ સરકારી શાળામાં ભણવા ઈચ્છુંક હોય છે. આ માટે વિવેકાનંદ એક સમયે બેસ્ટ વિકલ્પ તરીકે ઊભરી હતી. સફેદ કલરના ડ્રેસમાં વિદ્યાર્થીઓનાં રીતસરના ટોળા ઉમટતા હતા. હવે ખાનગી શાળાઓ જ એટલી થઈ ગઈ છે કે સરકારી જ ચાલતી નથી.
જો વિદ્યાર્થીઓને રસ માત્ર અને માત્ર ખાનગી શાળાઓ પ્રત્યે જ છે તો પછી એ વાત સાબિત થાય છે કે ખાનગી સામે સરકારી ટકી નથી શકતી, કારણ કે ખાનગીમાં ખૂબ મહેનત થાય છે સરકારીમાં મહેનત નથી થતી. નહીંતર છોકરાઓ ખાનગી દિશા તરફ થોડા ભાગે.
આ અંગે ગોપાલભાઈ દવેરાએ ટ્વીટરના માધ્યમ દ્વારા વધુ એક વખત વિરોધ વ્યક્ત કર્યો હતો. તેમણે જૂનાગઢમાં સ્વામી વિવેકાનંદ હાઈસ્કૂલમાં વિજ્ઞાન પ્રવાહનો અભ્યાસક્રમ બંધ કરવામાં આવ્યો છે. ગરીબ અને મધ્યમવર્ગના છોકરાઓ ક્યાં ભણવા જાશે ? જેવો પ્રશ્ન ઉઠાવ્યો હતો. એમણે વધુમાં લખ્યું છે કે જૂનાગઢને રોપવેની નહીં પણ સરકારી શાળાની જરૂર છે.

આ પહેલા પણ ગોપાલ દવેરાએ ખખડધજ થઈ ગયેલી નરસિંહ વિદ્યા મંદિર શાળાની વાત પણ ઉચ્ચારી હતી અને રિનોવેશન કરવાની અપીલ કરી હતી.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત