Homeગુર્જર નગરીગુજરાત લૉકડાઉન ભણી ? HCનો સરકારને મહત્વનો નિર્દેશ

ગુજરાત લૉકડાઉન ભણી ? HCનો સરકારને મહત્વનો નિર્દેશ

Team Chabuk-Gujarat Desk: ગુજરાતમાં કોરોના વાયરસનો કહેર દિવસેને દિવસે વધી રહ્યો છે. રાજ્યમાં નોંધાતા દૈનિક કેસમાં અચાનક જ ઉછાળો જોવા મળી રહ્યો છે. સુરત અને અમદાવાદ વચ્ચે જાણે રેસ લાગી હોય તેમ અહીં કોરોનાના કેસના આંકડાએ એક્સેલેટર પર પગ મુકી દીધો છે. તો સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતમાં પણ કોરોનાના કેસમાં વધારો થયો છે. બીજી તરફ હવે કોરોના વાયરસની ચેઈન તોડવા માટે ખુદ હાઈકોર્ટે સરકારને નિર્દેશ કરવો પડ્યો છે.

HCએ શું નિર્દેશ કર્યો ?

હાઈકોર્ટના ચીફ જસ્ટીસ વિક્રમનાથ અને જસ્ટીસ ભાર્ગવ કારિયાની ખંડપીઠે સરકારને નિર્દેશ કર્યો છે કે, કોરોના સંક્રમણને રોકવા માટે નક્કર પગલાં લેવા જરૂરી છે. કોરોના સંક્રમણની ચેઈનને તોડવી જરૂરી છે. જે માટે ત્રણથી ચાર દિવસનો કર્ફ્યૂ લાદવા અને વીકએન્ડ કર્ફ્યૂ બાબતે સરકારને જરૂરી નિર્ણય લેવા નિર્દેશ કર્યો છે.

લૉકડાઉન થશે ?

એક તરફ કોરોના વાયરસે ગુજરાતને ફરી બાનમાં લેવાનું શરૂ કર્યું છે. હાલ સ્થિતિ કર્ફ્યૂ લાદવાની ઉભી થઈ છે પરંતુ શક્યતા એવી પણ છે કે આગામી સમયમાં વીકએન્ડ લોકડાઉન પણ ગુજરાતમાં જોવા મળે. જો સરકાર આ નિર્ણય પર મહોર મારશે તો ગુજરાતમાં ફરી શનિ-રવિ બજારોમાં તાળા જોવા મળશે.

ઈન્ડિયન મેડિકલ એસો.નો પીએમને પત્ર

ઈન્ડિયન મેડિકલ એસોસિએશને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને પત્ર લખીને આંશિક લોકડાઉનની માગણી કરી છે. ઈન્ડિયન મેડિકલ એસોસિએશને પત્રમાં જણાવ્યું છે કે, હાલ કોરોના સંક્રમણને કાબૂમાં લેવા માટે વેક્સિન જ એક માત્ર ઉપાય છે. રાજ્યમાં દરેક જગ્યાએ વેક્સિન સેન્ટર ઉભા કરીને વોક ઈન વેક્સિનની વ્યવસ્થા કરવામાં આવે.

ગુજરાત સરકાર પણ આ મુદ્દે ગંભીર બની છે. આગામી સમયમાં શનિ-રવિ લૉકડાઉન જાહેર કરાય નહીં તો જ નવાઈ છે. સરકારે કોરોના સંક્રમણને અટકાવવા માટે નિયમો વધુ કડક બનાવ્યા છે. સાથે જ ભીડ ન કરવા પણ અપીલ કરી છે.

ગામડાઓ લૉકડાઉન તરફ

હાલ ગુજરાતમાં કેટલાક ગામડાઓમાં સ્વયંભૂ લોકડાઉન જાહેર કરાયું છે. સૌરાષ્ટ્રના કેટલાક ગામડાઓ તેમજ ઉત્તર ગુજરાતમાં કોરોના વિસ્ફોટ થતાં આંશિક લોકડાઉન લગાવાયું છે. જામનગર, મોરબી, જૂનાગઢના કેટલાક ગામે લોકડાઉનનો નિર્ણય લીધો છે. આ ઉપરાંત વલસાડ, કડી, આણંદ અને ખેડા અને દાહોદમાં પણ સ્વયંભૂ લોકો લોકડાઉન કરી રહ્યા છે.

જવાબદાર કોણ ?

કોરોનાની બીજી લહેર વધુ ઘાતક છે. કોરોનાના કેસ જેમ જેમ વધી રહ્યા છે તેમ તેમ કોરોનાથી સાજા થનારા લોકોની સંખ્યા ઘટી રહી છે. હાલ રિકવરી રેટ 93.81 ટકાએ પહોંચી ગયો છે. કોરોનાની બીજી લહેર ચાલી રહી છે તે હકીકત છે. નેતાઓ કહી ચુક્યા છે કે ચૂંટણીના કારણે આ લહેર નથી આવી. તેઓ અન્ય રાજ્યોના ઉદાહરણ પણ આપી ચુક્યા છે જ્યાં ચૂંટણી નથી પરંતુ એ વાત માનવામાં નથી આવતી કે ચૂંટણીની ભીડના કારણે કોરોના વકર્યો નથી. સવાલ પણ ઉઠી રહ્યા છે કે, શું ચૂંટણીની ભીડ અને સામાન્ય ભીડ અલગ હોય છે ?

નિયમો વધુ કડક

ગુજરાતમાં કોરોનાને અટકાવવામાં ક્યાંક તો ચુક રહી ગઈ છે. આ ભૂલમાં જેટલા નેતાઓ ભાગીદાર છે એટલી બેદરકાર પ્રજા પણ ભાગીદાર છે જે માસ્ક અને સોશિયલ ડિસ્ટંસિંગના નિયમોને ઘોળીને પી ગઈ છે. હવે આ મુદ્દે કોર્ટે દખલગીરી કરવી પડી છે. આગામી સમયમાં હવે કર્ફ્યૂ સહિતના નિયમોનું પ્રજાએ ફરીથી પાલન કરવું પડશે.

કોરોના આમ કાબૂમાં આવશે ?

જો કે, સવાલ એ પણ છે કે, શું માતેલા સાંઢ જેમ ગુજરાતમાં ભડકી રહેલો કોરોનાસૂર ત્રણ ચાર દિવસના કર્ફ્યૂથી કાબૂમાં આવી જશે ?  શું કોરોના કાબૂમાં નહીં આવે તો ફરીથી રાજ્યમાં લોકડાઉન કરાશે ?  

…તો વેપારીઓની ફરી તૂટશે કમર

હાઈકોર્ટના નિર્દેશથી થોડા સમય પહેલાં જ નાઈટકર્ફ્યૂમાં છૂટ આપવા મુદ્દે રજૂઆત કરનારા વેપારીઓની ચિંતા વધી છે. વેપારીઓ કહી રહ્યા છે કે, છૂટ તો ન મળી પણ હવે લોકડાઉનના અણસાર મળી રહ્યા છે. વેપારીઓએ કહ્યું કે, કર્ફ્યૂ સુધી બરાબર છે પરંતુ લોકડાઉન ન થવું જોઈએ નહીં તો ગયા વર્ષે પડી ભાંગેલો ધંધો ફરી ભાંગી પડશે.

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments