Team Chabuk-Gujarat Desk: રાજકોટથી મુંબઈ સુધી જે ગેંગે તરખાટ મચાવીને રાખી દીધો હતો. પોલીસ માટે પણ આ ગેંગ માથાનો દુઃખાવો બની ગઈ હતી તે ગેંગ આખરે ઝડપાઈ ગઈ છે. રાજકોટથી મુંબઈ સુધી નેશનલ હાઈવે પર તરખાટ મચાવનાર આંતર રાજ્ય ગેંગની ત્રિપુટીને આખરે વલસાડ પોલીસે ઝડપી લીધી છે. વલસાડ એસઓજી અને એલસીબી પોલીસે સંયુક્ત ઓપરેશન હાથ ધરીને ગેંગના ત્રણ શખ્સોને મુંબઈથી દબોચી લીધા છે. આ ગેંગ જે ગુના આચરતી હતી તેની મોડસ ઓપરેન્ડી પણ અનોખી જ હતી.
આંતર રાજ્ય ગેંગનો પર્દાફાશ
વલસાડ જિલ્લા એલસીબી અને એસઓજી પોલીસના હાથે ઝડપાયેલી આ ત્રિપુટી ખાસ કરીને નેશનલ હાઈવે પર જ ગુના આચરતી હોવાનું પોલીસે જણાવ્યું છે. પોલીસના જણાવ્યા અનુસાર રાજ્યમાંથી પસાર થતાં અમદાવાદ-મુંબઈ નેશનલ હાઈવે પર સૌરાષ્ટ્રથી લઈને મુંબઈ સુધી આ ગેંગે તરખાટ મચાવીને રાખ્યો હતો. આ આંતર રાજ્ય ગેંગના ત્રણ સાગરિતોને પોલીસે મુંબઈથી દબોચી લીધા હતા અને જેલ ભેગા કરી દીધા છે.
કેવી હતી મોડસ ઓપરેન્ડી ?
પોલીસના જણાવ્યા પ્રમાણે આ ગેંગ રાજકોટથી લઈને મુંબઈ સુધી નેશનલ હાઈવે પર આવેલા બંગલો અને ફ્લેટને જ નિશાન બનાવી ઘરફોડ ચોરી કરતી હતી. આ ત્રિપુટી અમદાવાદ-મુંબઈ નેશનલ હાઈવે પર મોંઘીદાટ કારમાં ફરતી અને હાઈવે નજીક ચોકીદાર કે સિક્યુરિટી ન હોય તેવા બંગલો અને ફ્લેટને નિશાન બનાવતી. આવા ફ્લેટ અને બંગલોમાં ત્રાટકી ગણતરીની મિનિટોમાં જ ઘરમાંથી ચોરી કરીને હાઈવે પરથી જ મુંબઈ ફરાર થઈ જતા હતાં.
પોલીસની પ્રાથમિક તપાસમાં આરોપીઓએ અમદાવાદ-મુંબઈ નેશનલ હાઈવે પર સૌરાષ્ટ્રથી લઈને મુંબઈ સુધી અનેક બંગલો અને ફ્લેટમાં ચોરી કરી હોવાની કબૂલાત આપી છે. આ આંતરરાજ્ય ચોર ત્રિપુટીએ આચરેલા 25થી વધુ ગુનાઓનો ભેદ ઉકેલવામાં વલસાડ પોલીસને સફળતા મળી છે.
પોલીસે આપેલી માહિતી મુજબ, ઝડપાયેલા આરોપીઓ અમદાવાદ-મુંબઈ નેશનલ હાઈવે પર હાઈવેને અડીને આવેલા બંગલો કે ફ્લેટ જે વોચમેન કે ચોકીદાર વિના જોવા મળતા તેની રેકી કરતા અને ત્યારબાદ મોકો જોઈ ચોક્કસ બંગલો કે ફ્લેટને નિશાન બનાવી તેમાં ચોરી કરી હાઇવે પરથી જ મુંબઈના મલાડ પહોંચી જતા. આ ગેંગ અત્યાર સુધી અમદાવાદ-મુંબઈ નેશનલ હાઈવે પર સૌરાષ્ટ્રના રાજકોટ, ચોટીલા, સુરેન્દ્રનગરમાં હાઇવે પર આવેલા ફ્લેટ અને બંગલોને નિશાન બનાવી ચૂકી છે.
વધુમાં આ ત્રિપુટીએ વલસાડના અતુલ નજીક હાઈવે પર આવેલા એક ફ્લેટને પણ નિશાન બનાવ્યો હતો. ત્યારબાદ મહારાષ્ટ્રના નાસિકમાં પણ એક ફ્લેટમાંથી હજારો રૂપિયાના મતાની ચોરી કરી હતી. સેલવાસના નરોલીમાં આવેલી એક સોસાયટીમાં પણ ચોરી કરી અને ફરાર થઈ ગયા હતા. ચોર ત્રિપુટી વિરુદ્ધ ગુજરાત, દાદરા નગર હવેલી અને મહારાષ્ટ્રમાં પણ ગુનાઓ નોંધાઈ ચુક્યા છે. તેમા કુણાલ સતીશ થાનકી અને રોની જોસેફ ફર્નાન્ડીસ વિરુદ્ધ મહારાષ્ટ્રના અનેક પોલીસ સ્ટેશનમાં ગુનો નોધાયા હોવાનુ બહાર આવ્યું છે.
મલાડથી ઝડપાયા આરોપી
વલસાડ જિલ્લા એસઓજીના પીઆઈ બારડ સાહેબ અને એલસીબીના પીઆઈ ગોસ્વામી સાહેબની ટીમને આ ત્રિપુટી મુંબઈમા હોવાની બાતમી મળી હતી. બાતમીના આધારે વલસાડ જિલ્લા એસઓજી અને એલસીબીની ટીમે મુંબઈના ગોરેગાંવના મલાડ વિસ્તારમાં રેડ કરી હતી. આ રેડ દરમિયાન પોલીસના હાથે આ ત્રિપુટી ઝડપાઈ ગઈ હતી. ઝડપાયેલા ત્રણેય આરોપીઓ અલગ અલગ વિસ્તારના રહેવાસી છે. પ્રથમ આરોપી કૃણાલ સતીષ થાનકી જે પોરબંદરનો છે, બીજો આરોપી સલીમ ઉર્ફે અયાન અશગરઅલી અન્સારી જે મુંબઈનો છે અને ત્રીજો આરોપી રોની જોસેફ ફર્નાન્ડીસ ઉર્ફે સાહિલ સલીમ ખાન જે ગોવાનો છે.
આરોપીઓની પુછપરછમાં 25થી વધુ ગુનાઓનો ભેદ ઉકેલાયો છે અને આરોપીઓ વિરુદ્ધ અત્યાર સુધી પોલીસના ચોપડે અનેક ગુના નોંધાઈ ચુક્યા હોવાનું પણ સામે આવ્યું હતું. પોલીસે આ ત્રણેય આરોપીઓ પાસેથી ચાંદીના દાગીના અને રોકડ રકમ મળી અંદાજે 20 હજાર રૂપિયા સહિતનો મુદ્દામાલ કબજે કર્યો છે.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત