ઝાલાવાડી જલજીરા: 1999 સુધીમાં ભારતના કોઈ નાના શહેરમાં કે તાલુકામાં જાઓ ત્યારે બે અનુભવ થાય. આ અનુભવ ખૂબ ઓછા લોકોને થયો હશે. પહેલો અનુભવ કોઈ વ્યક્તિના હાથમાં રેડિયો હોય અને ખિલાડીના ગીત વાગતા હોય, બીજો અનુભવ છકડો (ભારકઢી) કે ઓટોમાં ખિલાડીના ગીત વાગતા હોય. આશિકીના ગીતો તો હોય જ પણ વચ્ચે વાદા રહા સનમ ગીત આવી જ જાય. જતિન-લલિતના સંગીતે ખિલાડી ફિલ્મથી સંગીતની દુનિયામાં એક નવો વળાંક લાવ્યો હતો. 90ની સંગીતમાં જે પ્રેમનો ટચ હોવો જોઈએ એ એમણે બરકરાર રાખ્યો. નહીંતર એ આશિકી બાદ કાટ ખાઈ જાત. હવે ખિલાડીના ગીતો જોઈએ એટલા સાંભળવા નથી મળતા. કોઈને યાદ કરાવીએ તો એ ગીતો એમનાં પ્રિય હતા એવું શુદ્ધ શબ્દોમાં કહી દે છે. ગીતની કડીઓ પણ તેમને મોઢે હોય છે. પણ ખૂબ ઓછા છે જેમના ચહેરા પર પહેલા જેવો ભાવ દેખાય આવે છે.
અબ્બાસ મસ્તાન ન હોત તો શું ન હોત ? એમણે બાઝીગરથી શાહરૂખ ખાનને ઓળખ અપાવી અને ખિલાડી થકી અક્ષય કુમારની ડગમગતી કારકિર્દીને સ્થિર કરી દીધી. તેને ખિલાડીની જ કાયમી ઓળખ અપાવી દીધી. એ ફિલ્મમાં અક્ષય કુમારનું નામ રાજ મલ્હોત્રા છે. બાદમાં અક્ષય કુમારે ત્રણ ફિલ્મોમાં રાજ મલ્હોત્રા નામ સાથે રોલ પ્લે કર્યા. ધર્મેશ દર્શનની હા મૈંને ભી પ્યાર કિયા હૈ, ઐતરાજ અને અંદાજ.
1975ની સાલમાં રિષી કપૂર અને નીતુ કપૂરની એક ફિલ્મ આવી હતી. ફિલ્મનું નામ ખેલ ખેલ મે. રિષી-નીતુ યંગ હતા. રિષી તો બોબીમાંથી આળસ મરડીને ઊભો થયો હોય તેવો છોકરો જ લાગતો હતો. એ ફિલ્મનું કથાવસ્તુ એટલે ખિલાડી ફિલ્મ બનાવવા માટેનો સ્ટવ. જેના પર ખિલાડી નામની ખિચડી અબ્બાસ મસ્તાન નામના રસોયાએ રાંધવા માટે મૂકી.
દરેક રોલ અને કથા પર કોઈને કોઈનું નામ લખેલું હોય છે. ખિલાડી ઉપર અક્ષય કુમારનું પહેલાથી નામ લખેલું હતું. જો અક્ષય કુમાર ખિલાડી ફિલ્મ ન કરેત તો આજે તેની જે પોપ્યુલારિટી છે એ શક્ય છે ન પણ હોત, કારણ કે આ ફિલ્મ સૌ પહેલા સલમાન ખાનના બીજા નંબરના ભાઈ અરબાઝ ખાનને ઓફર થઈ હતી. અરબાઝનું આ ફિલ્મથી ડેબ્યુ થવાનું હતું પણ ન થવાનું થઈ ગયું. અરબાઝ ખાન માટે ત્રીજા નંબરના ભાઈ સોહેલ ખાને પહેલાથી રામ નામની ફિલ્મનું લોન્ચપેડ તૈયાર રાખ્યું હતું. અરબાઝ ત્યાંથી લોન્ચ થયો એવું કેટલાને ખબર છે? અરબાઝની કરિયર આખેઆખી પાણીમાં ગઈ. ખરું લોન્ચપેડ તેના માટે ખિલાડી બનવાનું હતું પણ ભાઈના કારણે ન બની શક્યું, આ કારણે જ અક્ષય કુમાર સુપરસ્ટારના સિંહાસન પર બેસી ગયો અને એ પણ સીધા આમિર, અજય, શાહરૂખ, સૈફ અને સલમાનની બાજુમાં. બીજી વાત એ કે અક્ષય અને અરબાઝ પહેલા અબ્બાસ અને મસ્તાને રિષી કપૂર અને ગોવિંદાના નામ ફાઈનલ કર્યા હતા. જોકે આ બંને અભિનેતા 1990ના સમય મુજબ કોલેજીયન જેવા લાગતા નહોતા. એ થોડું શરીર કાઢી ગયા હતા!
આટલી સરસ ફિલ્મમાં સૌથી વધારે વખાણ કોના થયા હશે? અભિનેત્રીઓના હુસ્નના નહોતા થયા. અક્ષય કુમારની સ્ટાઈલ અને તેના અભિનયના પણ નહોતા થયા, દીપક તિજોરી કે રાતોરાત પોતાની કોમેડીથી કોમેડી સ્ટાર બની જનાર જ્હોની લીવરના પણ નહોતા થયા. વિલનના રોલમાં આવતા ને અચાનક પોઝિટિવ બની જનારા શક્તિ કપૂરના પણ નહોતા થયા. માથું પાછળ હલાવતા આચાર્ય કોન્ટ્રાક્ટર સાહેબના પણ નહોતા થયા. વખાણ અનંત મહાદેવનના થયા હતા. એક્ટિંગ એને કહેવાય કે છેલ્લે સુધી ખબર જ ન પડવા દે. 1992માં થીએટરમાંથી નીકળતા લોકો બસ એ જ વાત કરતા હતા કે, ‘આ હોય શકે એવું તો આપણે વિચાર્યું પણ નહોતું.’ બસ આ જ તો છે એક્ટિંગની અદભુત કરામત.
1991માં આ ઘટના બની હતી તેવું સાબિત થાય છે. ના, સત્ય ઘટના નથી, પણ 1991માં બની હતી એવું એટલા માટે કહી શકીએ, કારણ કે અક્ષય કુમાર અને દીપક તિજોરી જ્યાં ડેડબોડી છુપાવવા માટે જાય છે ત્યાં થિએટરના પાર્કિંગમાં સાજન ફિલ્મનું પોસ્ટર હોય છે. એ સિનેમાનું નામ છે સત્યમ સિનેમા.
આ ફિલ્મની સૌથી મોટી વાત એ છે કે છેલ્લે છેલ્લે જ્યારે રાજ ઘાયલ બોનીને અમિતા હોસ્પિટલમાં લઈ જાય છે, એ હોસ્પિટલનું નામ જેના પરથી પડ્યું એ અમિતા ખૂદ ફિલ્મ અભિનેત્રી હતી અને આ અમિતાની દીકરીએ પણ ખિલાડી ફિલ્મમાં કામ કર્યું હતું. જેનું ફિલ્મમાં ખૂન થાય છે. અર્થાત્ શબીના જે શીતલ બને છે.
ગુંડાઓના કારણે ભયથી કાંપતો બોની જ્યારે છુપવા માટે ધમપછાડા મારતો હોય છે ત્યારે બેકગ્રાઊન્ડમાં એક સંગીત વાગતું હોય છે. આ સંગીત ઉઠાંતરી કરેલું છે અને એ પણ એક હિન્દી ફિલ્મમાંથી જ. ફિલ્મનું નામ છે અમિતાભ બચ્ચનની 1990માં રિલીઝ થયેલી અગ્નિપથ.
1992 શોલા ઔર શબનમ નામની દિવ્યા ભારતી અને ગોવિંદાની ફિલ્મ રિલીઝ થઈ હતી. આ ફિલ્મનું પહેલા કામચલાઉ શીર્ષક ખિલાડી રાખવામાં આવ્યું હતું. જોકે વિનસ પાસે આ શીર્ષકનાં રાઈટ્સ પહેલાથી હતા. વિનસ કંપનીએ પ્રોડ્યુસ કરેલી પ્રથમ ફિલ્મ જ ખિલાડી હતી. જો વિનસ પ્રોડ્યુસ ન કરેત તો ત્યાર સુધીમાં ખિલાડી શીર્ષક શોલા ઔર શબનમને મળી ચૂક્યું હોત. ખિલાડી રિલીઝ અને હીટ થયા બાદ વિનસની પાસે ધડાધડ છ ફિલ્મો પ્રોડ્યુસ થવા માટે આવી અને એ છમાં એક બાઝીગર હતી. હજુ એક વાત કે મિથુન ચક્રવર્તીની ફિલ્મ જૂઠી શાનને હકીકતે શીર્ષક આપવામાં આવ્યું હતું ખિલાડી.
ફિલ્મમાં એક ગીત છે હોકે મન આજ મગન. ફિલ્મ જ્યારે ધનાધન ચાલી રહી હતી અને ત્રણ મહિના પણ થઈ ગયા હતા ત્યારે આ ગીતને પાછળથી એડિટ કરીને જોઈન્ટ કરવામાં આવ્યું હતું. તેની ટ્યૂનને સંગીત દિગ્દર્શક જતિન અને લલિતે રાજુ બન ગયા જેન્ટલમેનમાં પણ રિ-યુઝ કરી હતી. પણ થોડા અલગ અંદાજમાં. ફિલ્મનું સંગીત હીટ થયા પછી ખબર નહીં શું થયું ? સંગીત દિગ્દર્શક જતિન-લલિત અને ફિલ્મ દિગ્દર્શક અબ્બાસ મસ્તાનની જોડીએ કોઈ દિવસ સાથે કામ કર્યું જ નહીં. કલાકારો હીટ ન જાય તો કામ ન કરે, આ તો હીટ ગયું અને કામ ન કર્યું. અબ્બાસ મસ્તાન જ્યારે જતિન અને લલિતને મળ્યા ત્યારે તેમણે આ બંને સંગીત દિગ્દર્શકોની બેન્કમાંથી જ ફિલ્મનું સંગીત પસંદ કરી લીધું હતું. જેથી ગીતો પહેલાથી જ તૈયાર હતા. બાદમાં ફિલ્મમાં જોડી દેવામાં આવ્યા.
પ્રેમ ચોપરાની જ્યારે એન્ટ્રી થાય છે ત્યારે એક ખતરનાક સંગીત વાગે છે. આ સંગીતને રિ-ક્રિએટ કરી મુન્નાભાઈ એમ.બી.બી.એસ ફિલ્મના મેઈન બેકગ્રાઊન્ડમાં વાપરવામાં આવ્યું હતું.
ફિલ્મમાં લીડ હીરો અને સેકન્ડ હીરો કોણ છે એ બધાને ખ્યાલ છે. હીરો છે અક્ષય કુમાર અને સેકન્ડ લીડ હીરો છે દીપક તિજોરી. થયું એવું કે દીપક તિજોરીએ મીડિયા સામે બે બાક નિવેદન આપી દીધું કે, ફિલ્મનો હીરો હું છું, આ કારણે આ ફિલ્મ સફળ ગઈ છે. આ ઘટનાએ અક્ષયને નિરાશ કરી દીધો હતો. જોકે બાદમાં અક્ષયે મગનું નામ મરી નહોતું પાડ્યું.
આ ફિલ્મની મેઈન થીમ શું છે? થીમ છે કે જ્યારે અપહરણકર્તા અને અપહરણ થનાર બંનેના ફાયદા માટે કામ કરવામાં આવ્યું હોય અને મામલો અચાનક બિચકી ગયો હોય. ફાયદો બંને બાજુ હોય પણ સંજોગો એવા વળાંક લે કે ગાડી ઉલટી ઘુમી જાય. આ જ થીમ બાદમાં પાંચ અને શૈતાનમાં પણ ઉપયોગમાં લેવામાં આવી હતી.
જ્હોની લીવર બધાથી ઘણો અલગ જ દેખાય છે. એટલા માટે કે તેણે પોતે આ પાત્રને ઈમ્પ્રુવ કર્યું હતું. મલયાલી વ્યક્તિનો રોલ ભજવવો એ તેનો પોતાનો વિચાર હતો. કેટલાક સંવાદો તેણે પોતે જ ઉમેર્યા હતા. કોઈએ લખ્યાં નહોતાં, કોઈએ વિચાર્યાં સુદ્ધા નહોતાં. આ જીનિયસ અભિનેતાની નિશાની છે કે દિગ્દર્શકને તેની અપેક્ષા કરતા વધારે આપે.
આદિ ઈરાની દીપક તિજોરીવાળો રોલ પ્લે કરવાનો હતો. બન્યું એવું કે એ પહેલા આશિકી ફિલ્મ આવી ગઈ અને બોક્સઓફિસ પર બમ્પર કમાણી કરી છવાઈ ગઈ. દીપક તિજોરી એકાએક મોટું નામ બની ગયું અને તેના નામ પર લોકો ફિલ્મ પણ જોતા હોવાથી આખરે અક્ષયના મિત્ર તરીકે દીપક તિજોરીનું નામ ફાઈનલ કરવામાં આવ્યું.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત