Team Chabuk-Gujarat Desk: 2019નું વર્ષ હતું. પાકિસ્તાન અને ઓસ્ટ્રેલિયા વચ્ચેની મેચ હતી. ઓપનિંગ બેટ્સમેન ડેવિડ વોર્નરે મેદાનમાં આવીને મેદાનમાંથી ન જવાનું મન બનાવી લીધું હતું. નોટઆઉટ 335 રન ઠોકી દીધા. 39 ફોર અને એક સિક્સનો સમાવેશ થતો હતો. 418 બોલનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. ટેસ્ટમાં 418 બોલમાં 335 એટલે વોર્નરે રીતસરની ટી ટ્વેન્ટી જ રમી લીધી હતી. ખરી વાર્તા અહીંથી શરૂ થાય છે.
ઓસ્ટ્રેલિયા તરફથી વિકેટકિપર બેટ્સમેન અને કેપ્ટન ટીમ પેઈને જો દાવ ડિક્લેર ન કર્યો હોત, તો ડેવિડ વોર્નર 400 રનનો લારાનો આજના દિવસે જ 12 એપ્રિલ 2004ના રોજ ઈંગ્લેન્ડ વિરૂદ્ધ બનાવેલો કિર્તીમાન ધ્વંસ કરી નાખેત! આવી વાતો સોશિયલ મીડિયા પર થવા લાગી હતી. લારાનો રેકોર્ડ ખતરામાં હતો. જોકે હવે દાવ ડિક્લેર થયા પછી આ ચર્ચાને કોઈ અવકાશ નથી રહેતો. પણ એ ચર્ચાને અવકાશ રહે જ છે કે લારાનો 400નો રેકોર્ડ કોઈ તોડશે પણ કે નહીં. આ તો 2019ની સાલના ઈતિહાસની વાત થઈ. હવે થોડા એ સમયમાં ચાલ્યા જઈએ જ્યારે ઓસ્ટ્રેલિયાની ટીમનું ક્રિકેટમાં એકહથ્થુ શાસન હતું. કોરોના જેમ માણસને ખાઈ જાય છે એમ એ વિરોધી ટીમને ફાડીને ખાઈ જતી હતી.
ઝિમ્બાબ્વે જેવી નબળી ટીમ હતી અને સામે ઓસ્ટ્રેલિયાની ટીમ હતી. વોર્નર કરતા હેડન વધારે ખતરનાક છે તેમાં શંકાને કોઈ સ્થાન નથી. એ કોઈ પણ બોલને ફટકારવામાં પોતાના કદનો ભરપૂર ઉપયોગ કરતો હતો. ઉપરથી લેફ્ટ હેન્ડેડ હોવું ફાયદામાં છે. ઓસ્ટ્રેલિયાના વર્તમાન કોચ જસ્ટીન લેંગરની સાથે ઓપનિંગ જોડી હેડનની બનતી હતી. હેડને ઝિમ્બાબ્વેની ટીમને ધોળા દિવસે તારા દેખાડતા 380 રન ફટકારી દીધા. આ પહેલા સિરીઝના આયોજન પૂર્વે ઝિમ્બાબ્વેની ટીમે વિરોધ પણ નોંધવેલો કે તેની સમકક્ષ ટીમ તો હોવી જોઈએ. ક્યાં રાજા ભોજ અને ક્યાં ગાંગો તેલી.
9 ઓક્ટોબર 2003ના રોજ હેડને આ કરિશ્મો રચી દીધો. તેણે લારાનો નવ વર્ષ જૂનો રેકોર્ડ તોડી નાખ્યો હતો. 16 એપ્રિલ 1994નાં રોજ વેસ્ટ ઈન્ડિઝના બ્રાયન લારાએ ઈંગ્લેન્ડ વિરૂદ્ધ સેન્ટ જ્હોન્સમાં 375 રન ફટકાર્યા હતા. આ એ સમયનો વિશ્વ રેકોર્ડ હતો. લારાએ પોતાના જ હમવતની ગેરી સોબર્સના 365 રનના કિર્તીમાનને ધ્વંસ કરી દીધો હતો. હવે હેડનના નામે રેકોર્ડ હતો અને લારા જેવો દાવભૂખ્યો માણસ આ રન પોતાને નામે કરવા માટે કંઈ પણ કરવા તૈયાર હતો.
લારાને રન અને દાવભૂખ્યો તેનાં નિર્મમ ઈતિહાસના કારણે પણ કહી શકાય. લારાએ બનાવેલો એ રેકોર્ડ ઈતિહાસની ડાયરીમાં આજે પણ અકબંધ છે. પહેલા તેના પર નજર નાખી લઈએ. લારા એક સ્વાર્થી ક્રિકેટર છે. તેણે 6 જૂન 1994નાં રોજ 427 બોલમાં 501 રન, જેમાં 62 ચોગ્ગા અને 10 છગ્ગા પણ સામેલ હતાં, ફટકારેલા.
આટલા બધા રન કાઉન્ટી ક્રિકેટમાં બન્યા હતા. એ પણ ઈંગ્લેન્ડના એજબેસ્ટન મેદાનમાં વારવિકશાયર માટે રમતા. લારાની વિરોધી ટીમ ડરહમની હતી. લારા આ મેચમાં સાત કલાક કરતાં વધારે ફેણ ચડાવેલા નાગની જેમ મેદાનમાં રહ્યો અને દરેક બોલરને ડસ્યો પણ ખરો. આ મેચમાં લારા નસીબનો બળીયો સાબિત થયો. એ ત્રણ વખત આઉટ થયો હતો. 12 રન પર બોલ્ડ થયો તો એ બોલ નો બોલ હતો. 18 રન પર હતો ત્યારે વિકેટ કિપર ક્રિસ સ્કોટે તેનો કેચ છોડી દીધો. કેચ છોડ્યા પછી તેણે નિરાશ થઈ કહેલું કે, ‘હવે લારા સેન્ચુરી મારશે.’ એ સાચો હતો. લારાએ સેન્ચુરી મારી. ઉપરા ઉપરી પાંચ સેન્ચુરી મારી. કુલ 500 રન એકલા હાથે કરી નાખ્યા. છેલ્લા બોલે ચોગ્ગો ફટકારી તેણે 500 પૂરા કર્યા હતા.
આ ઈનિંગ રમી તેના સાત અઠવાડિયા પહેલા જ લારાએ ગેરી સોબર્સનો રેકોર્ડ તોડ્યો હતો. ફર્સ્ટ ક્લાસમાં આ રેકોર્ડ પહેલા પાકિસ્તાનના મહોમ્મદ હનીફના નામે હતો. હનીફે 1959ની સાલમાં કરાંચીમાં 499 રનની ઈનિંગ રમી હતી. જે કિર્તીમાન લારાએ તોડી નાખ્યો. લારા પર હંમેશાં આરોપ લાગતો રહ્યો કે તે રનભૂખ્યો છે. દાવ ભૂખ્યો પણ છે. રેકોર્ડ બનાવવા ખાતર તે રમ્યા જ રાખે છે. ટીમની ચિંતા નથી કરતો. 375 વખતે પણ આ વિવાદિત ગર્જના થઈ, ફર્સ્ટ ક્લાસના 500 વખતે પણ આ સૂર હાઈ પીચ પર હતો અને 400 વખતે પણ ક્રિકેટ નિષ્ણાતો અને કેટલાક ખેલાડીઓ ગાંગરવાના જ હતા. જોકે લારાને તેની કોઈ ચિંતા નહોતી. હવે ફરી પાછા આવી જાઓ.
લારાએ જે મેદાનમાં 375 કર્યા હતાં એ જ મેદાનમાં અને એ જ વિપક્ષી ટીમની વિરૂદ્ધમાં 400 રન કરી નાખ્યા. ચાર મેચની સિરીઝની આ છેલ્લી ટેસ્ટ મેચ હતી. વેસ્ટ ઈન્ડિઝે પ્રથમ બેટીંગ લીધી. પાંચ વિકેટના નુકસાન પર 751 રનનો પહાડ ઊભો કરી દીધો. 751માંથી 400 (અણનમ) એકલા લારાનાં હતા. 582 બોલમાં 43 ચોગ્ગા અને 4 છગ્ગાની મદદથી બનાવ્યા હતા. છ મહિનાની અંદર અંદર લારાએ મેથ્યુ હેડન પાસેથી તેનું સિંહાસન પરત પણ લઈ લીધું અને વિશ્વનો એકમાત્ર એવો ક્રિકેટર બન્યો જેણે આંતરાષ્ટ્રીય ટેસ્ટ ક્રિકેટમાં 400 રન ફટકાર્યા હોય. આજે પણ ટેસ્ટ ક્રિકેટમાં પર્દાપણ કરનારા બેટ્સમેનની નજર આ રેકોર્ડ પર હોય છે. 12 એપ્રિલ 2004ના રોજ આ રેકોર્ડ બન્યો હતો અને ભાઈઓ બહેનો એ દિવસ આજે છે.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત