Team Chabuk-Gujarat Desk: કોરોનાના વધતા જતા સંક્રમણને ધ્યાનમાં રાખીને દર્દીઓને સારામાં સારી સારવાર આપવાની પ્રતિબદ્ધતા સાથે ગુજરાત સરકારે ભારત સરકારના ગૃહ મંત્રાલયના ડિફેન્સ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ ઓર્ગેનાઇઝેશન (DRDO)ના સહયોગથી અમદાવાદમાં 900 બેડની સંપૂર્ણ સુવિધાસજ્જ ડેડીકેટેડ કોવિડ કેર હોસ્પિટલ ઉભી કરશે.
બે અઠવાડિયામાં ઉભી કરાશે હોસ્પિટલ
અમદાવાદમાં ગુજરાત યુનિવર્સિટીના કન્વેન્શન સેન્ટરમાં આગામી બે અઠવાડિયામાં આ હોસ્પિટલ કાર્યરત કરાશે. મુખ્યમંત્રી વિજય રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે ગાંધીનગરમાં કોર કમિટીની બેઠકમાં હોસ્પિટલના નિર્માણની કામગીરીની વિસ્તૃત સમીક્ષા કરી હતી.
900 બેડની હોસ્પિટલ
અમદાવાદમાં 132 ફૂટ રિંગ રોડ પર આવેલા ગુજરાત યુનિવર્સિટીના કન્વેન્શન એન્ડ એક્ઝિબિશન સેન્ટરમાં 900 બેડની ડેડીકેટેડ કોવિડ કેર હોસ્પિટલમાં 150 આઇ.સી.યુ. બેડ હશે, જયાં 150 વેન્ટિલેટર્સની વ્યવસ્થા પણ હશે. તમામે તમામ 900 બેડ ઓક્સિજનની સુવિધા સાથેના હશે. જો જરુર પડે તો વધુ ૫૦૦ પથારીઓ વધારી શકાય એવી વ્યવસ્થા પણ રાખવામાં આવી છે. આ હોસ્પિટલમાં પોર્ટેબલ એક્સ-રે મશીનની પણ સુવિધાઓ ઉપલબ્ધ કરાવાશે. કોરોનાના દર્દીઓને સારામાં સારી સારવાર મળી રહે એવું તમામ આયોજન કરવામાં આવ્યું છે.
CMએ કેન્દ્ર સરકારને કરી હતી રજૂઆત
મુખ્યમંત્રી વિજય રૂપાણીએ આ હોસ્પિટલના સંચાલન અને વહીવટ માટે ઉપયોગી સૂચનો કર્યા હતા. ગુજરાતમાં કોરોનાના દર્દીઓને સારામાં સારી સારવાર આપી શકાય એ માટે વ્યવસ્થાઓ વધારવામાં મદદરૂપ થવા ગુજરાત સરકારે ભારત સરકારને વિનંતી કરી હતી. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને ગૃહમંત્રી અમિત શાહે ગુજરાતની જરૂરિયાતને ધ્યાનમાં રાખીને આ અભૂતપૂર્વ પહેલને સાકાર કરવામાં મદદ કરી છે. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ આ માટે કેન્દ્ર સરકારનો આભાર માન્યો હતો.
અંજુ શર્માને સોંપાઈ જવાબદારી
અમદાવાદમાં ગુજરાત યુનિવર્સિટીના કન્વેન્શન સેન્ટરમાં આગામી બે અઠવાડિયામાં આ હોસ્પિટલ ઉભી કરાશે. જેના સંચાલનની જવાબદારી રાજ્યના ઉચ્ચ અને ટેકનિકલ શિક્ષણ વિભાગના અગ્ર સચિવ અંજુ શર્માને સોંપવામાં આવી છે. ગુજરાત યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર ર્ડા. હિમાંશુ પંડયા અને ડીઆરડીઓના કર્નલ બી. ચૌબે ઉપરાંત ગુજરાત સરકારના સંલગ્ન વિભાગના અધિકારીઓ આ હોસ્પિટલના સંચાલનમાં સહયોગ આપશે.
ક્રિટીકલ કેરની સુવિધા
900 બેડની આ હોસ્પિટલમાં ઇન્ટેન્સિવ અને ક્રિટીકલ કેરની સુવિધા હશે. આ સ્થળે દર્દીઓ માટે ટોઇલેટ-બાથરૂમ જેવી તમામ સુવિધાઓ હશે. હેલ્પડેસ્ક ઉપરાંત દર્દીઓ અને તબીબો તથા પેરામેડીકલ સ્ટાફ માટે ભોજન-નાસ્તાની વ્યવસ્થા હશે. ફરજ બજાવતા તબીબો અને પેરામેડીકલ સ્ટાફ માટે રેસ્ટરૂમની વ્યવસ્થા પણ ઉભી કરાશે.
આગામી બે અઠવાડિયામાં આ હોસ્પિટલ કાર્યરત થઇ જાય તે માટે અગ્રતા અને યુદ્ધના ધોરણે કામ શરૂ કરવા માટે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ DRDOના કર્નલ બી. ચૌબે અને અગ્ર સચિવ અંજુ શર્માને જરુરી સૂચનાઓ આપી હતી.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત