Team Chabuk-Gujarat Desk: રાજ્ય સહિત દેશભરમાં કોરોના વાઇરસે હાહાકાર મચાવ્યો છે. કોરોનાએ દેશના અર્થતંત્રની કરોડરજ્જુને ભાંગી નાખી છે. તમામ ધંધા-રોજગાર પર મોટી અસર પડી છે. અનેક કંપનીઓ અને ફેક્ટરીઓ કોરોનાના કહેરના કારણે મુશ્કેલ સમયમાંથી પસાર થઈ રહી છે. અનેક લોકો આ કપરા સમયમાં નોકરી ગુમાવી ચુક્યા છે. તેવામાં ખેડૂતોને પણ કોરોના કારણે મુસિબતમાંથી પસાર થવાનો વારો આવ્યો છે. પાક ધિરાણ ભરવાની તારીખ નજીક આવી રહી હોવાથી ખેડૂતો પણ અકળાયા છે.
ગુજરાતની વાત કરીએ તો રાજ્યમાં 22 લાખથી વધુ ખેડૂતોને એપ્રિલ અને મે મહિનામાં પાક ધિરાણ ભરવાનું હોય છે. હાથ પર પાકના રૂપિયા ન આવ્યા નથી ત્યારે પાક ધિરાણ ભરવાનો સમય નજીક આવતા ખેડૂતોને મુંઝવણમાં મૂકાયા છે. સરકારે તાજેતરમાં અલગ અલગ પાકની એમએસપીથી ટેકાના ભાવે ખરીદી બંધ કરી દીધી છે. કોરોનાના કારણે રાજ્યના લગભગ માર્કેટિંગ યાર્ડમાં ટેકાના ભાવે ખરીદી બંધ થઈ ગઈ છે. આ સ્થિતિમાં ખેડૂતોનો પાક વેચાઈ રહ્યો નથી. પાક ન વેચાતા ખેડૂતોના હાથમાં રૂપિયા પણ નથી આવી રહ્યા, તેવામાં પાક ધિરાણની રકમ પરત કરવાનો સમય આવી જતાં ખેડૂતોની મુશ્કેલીમાં વધારો થયો છે.
અનેક ખેડૂતો હાલની સ્થિતિએ બેંકોમાં પાક ધિરાણની રકમ પરત કરી શકે તેમ નથી. જેથી ખેડૂતોની માગ છે કે સરકાર દ્વારા પાક ધિરાણ પરત કરવાની મુદતમાં વધારો કરવામાં આવે. જો પાક ધિરાણ પરત કરવાની સમય મર્યાદામાં વધારો કરવામાં નહીં તો લાખો ખેડૂતોને 7 ટકા વ્યાજ ભરવું પડી શકે છે.
આ અંગે ભારતીય કિસાન સંઘ ગુજરાતે સરકારને તાત્કાલિક ખેડૂતોની પાક ધિરાણની રકમ પરત કરવાની મુદતમાં વધારો કરવા અથવા નવા વર્ષમાં કન્વર્ઝન કરી આપવા માગ કરી છે. સંઘ પ્રદેશના અધ્યક્ષ વિઠ્ઠલ દૂધાત્રાએ કહ્યું છે કે, ગત વર્ષે માર્ચ મહિનામાં કોરોના વાઇરસના કારણે લોકડાઉન થયું હતું ત્યારે સરકારે પાક ધિરાણ પરત કરવાની મુદત વધારી આપી હતી. આ વર્ષે પણ કોરોના મહામારીના કારણે ખેડૂતો મુશ્કેલીમાં મૂકાયા છે ત્યારે સરકાર પાક ધિરાણ પરત કરવાની મુદત વધારી આપે તેવી રજૂઆત કરી છે.
મહત્વનું છે કે એપ્રિલ મહિનાના પહેલા અને બીજા અઠવાડિયાથી જ સરકારે ચણા, જીરું, ઘઉં સહિતના પાકોની ટેકાના ભાવે થતી ખરીદી બંધ કરી દીધી છે. કોરોના વાઇરસના વધતા કહેરની વચ્ચે રાજ્યના ઉંઝા, ગોંડલ, રાજકોટ જેવા મોટા સહિતના ઘણા બધા માર્કેટિંગ યાર્ડો બંધ છે. ખેડૂતોનો પાક તેમની પાસે જ પડ્યો છે. ખેડૂતો પણ માર્કેટિંગ યાર્ડમાં ખરીદી શરૂ થવાની રાહ જોઈ રહ્યા છે. હાથ પર નાણા ન હોવાથી અનેક ખેડૂતો પાક ધિરાણ પરત કરવાની સ્થિતિમાં નથી. બીજી તરફ કિસાન ક્રેડિટ કાર્ડ હેઠળ મળતા ધિરાણમાં એક વર્ષની મુદતમાં રકમ પરત થાય તો જ 7 ટકા વ્યાજમાંથી માફી મળી શકે છે. ગત વર્ષે મુદત વધારાને કારણે આ વર્ષે લોનની મુદત એપ્રિલ-મે મહિનામાં પૂર્ણ થાય છે. તેથી સરકાર રૂપિયા ત્રણ લાખ સુધીની શૂન્ય ટકા ધિરાણને નવા વર્ષમાં કન્વર્ઝન કરી આપે અથવા સ્થિતિ સામાન્ય ન થાય ત્યાં સુધી ધિરાણ ભરવાની મુદતમાં વધારો કરી આપે તેવી માગ કરવામાં આવી રહી છે. જો આમ નહીં થાય તો અનેક ખેડૂતોને પાક ધિરાણ પર 7 ટકા વ્યાજ ભરપાઈ કરવું પડી શકે છે.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત