Team Chabuk-Gujarat Desk: કોરોના સામે માનવી લાચાર બની ગયો છે. સરકારી તંત્ર પણ કોરોનાને નાથવામાં વામણું સાબિત થયું છે. નજર સામે દરરોજ અનેક લોકો મોતને ભેટી રહ્યા છે. સારવારના અભાવે અનેક લોકો જીવ ગુમાવી રહ્યા છે. કોરોના અનેક પરિવારને કલ્પાત કરાવી રહ્યો છે. કોરોનાથી જીવ ગુમાવનાર લોકોના પરિવાર પર અચાનક આભ તૂટી પડ્યું હોય તેવી પરિસ્થિતિનું નિર્માણ થઈ રહ્યું છે. કોરોનાથી થતાં અમુક મોત દરેક વ્યક્તિને અંદરથી હચમચાવી મૂકે તેવા હોય છે. સમાચારો સાંભળીને ભલભલના હ્રદય કંપી ઉઠે છે. ત્યારે તાજેતરમાં ગુજરાતમાં એવી બે ઘટના બની છે જેમાં નવજાત શિશુને રડતાં મૂકીને માતા કોરોના કાળમાં હોમાઈ ગઈ છે.
પ્રથમ ઘટના છે ભરૂચની. ભરૂચમાં માત્ર 14 દિવસના પુત્રની માતાનું મોત થતાં પરિવાર પર મુસીબતનો પહાડ આવી પડ્યો હોય તેવી સ્થિતિ નિર્માણ પામી છે. ભરૂચના સામાજિક કાર્યકર નિખિલ શાહની પત્ની ભદ્રેશાનું કોરોનાના કારણે મોત થયું છે. નિખિલ શાહ અને ભદ્રેશાના લગ્ન હજુ દોઢ વર્ષ પહેલાં જ થયાં હતા. બન્નેએ જીવનભર સાથ નિભાવવાના એકબીજાને વચન આપ્યા હતા. પરંતુ ભદ્રેશા આ રીતે છોડીને ચાલી જશે તેવું નિખિલે સ્વપ્નમાં પણ નહતું વિચાર્યું.
વિધિની વક્રતા એ છે કે ભદ્રેશા તેમના 14 દિવસના પુત્રને છોડીને ચાલી ગઈ છે. ભદ્રેશાને ડિલીવરીના અંતિમ દિવસોમાં કોરોના થયો હતો. ગર્ભવતી હોવાથી ભદ્રેશાની હાલત ગંભીર બની હતી. જેથી ડિલીવરીનો સમય નજીક આવતો હોય પરિવારજનોએ ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. જ્યાં ભદ્રેશાએ 14 દિવસ પહેલાં પુત્રને જન્મ આપ્યો હતો.
પુત્રના જન્મ બાદ ભદ્રેશાની હાલત વધુ ગંભીર બની હતી. કોરોના સામે લડતાં લડતાં તેની તબિયત વધુ લથડતાં તેને સારવાર માટે વેન્ટીલેટર પર રાખવામાં આવી હતી. એક તરફ ભદ્રેશા વેન્ટીલેટર પર સારવાર લઈ રહી હતી જ્યારે બીજી તરફ નવજાત શિશુ માતાના ધાવણ માટે તડપી રહ્યું હતું. આ દરમિયાન ભદ્રેશાની તબિયતમાં થોડો સુધારો થતાં તેણે પુત્રને માત્ર એક વખત સ્તનપાન કરાવ્યું હતું.
એક વખત સ્તનપાન કરાવ્યા બાદ ભદ્રેશાની તબિયત વધુ લથડી હતી. જેથી તેને સારવાર માટે હોસ્પિટલ ખસેડાઈ હતી. પરંતુ પરિવારના પ્રયત્નો અને પુત્ર માટે જીવવાની ભદ્રેશાની આશા ઠગારી નીવડી હતી અને કોરોના સામેનો જંગ ભદ્રેશા હારી ગઈ હતી. કોરોનાએ 14 દિવસના પુત્રની માતાનો જીવ લઈ લેતાં પરિવાર પર ઉંડા આઘાતમાં ગરકાવ થઈ ગયો છે. 14 દિવસના પુત્રએ મા શું છે ? માનો પ્રેમ કોને કહેવાય ? એ હજુ જાણ્યું પણ નહતું ત્યાં જ માતા તેને છોડીને ચાલી ગઈ છે.
આવી જ બીજી ઘટના પાટણની ખાનગી હોસ્પિટલમાં બની છે. જ્યાં પુત્રના જન્મ બાદ માતાનું મોત થયું છે. બનાસકાંઠાના દાંતીવાડા તાલુકાના ધનિયાવાડા ગામની અને રાજસ્થાનના હડમતીયા ગામે પરણાવેલી સરોજકુંવર દેવડાનું પણ કોરોનાના કારણે મૃત્યુ થયું છે. સરોજકુંવર ગર્ભાવસ્થા દરમિયાન કોરોનાથી સંક્રમિત થઈ હતી. જેથી તેને પાટણની ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. જ્યાં તેનો રિપોર્ટ પોઝિટિવ આવતા ધારપુર સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. હોસ્પિટલમાં સારવાર દરમિયાન જ સરોજકુંવર બેભાન થઈ ગઈ હતી અને બેહોશીની હાલતમાં જ તેણે પુત્રને જન્મ આપ્યો હતો. ભાનમાં આવ્યા બાદ તેના કાને શબ્દો પડ્યા કે, તેને દીકરો જન્મ્યો છે. બસ આટલું સાંભળતાની સાથે જ સરોજકુંવરે જીવ છોડી દીધો હતો. આમ સરોજકુંવર પણ પુત્રને છોડીને ચાલી જતાં પરિવાર કલ્પાત કરી રહ્યો છે. તાજા જન્મેલા બાળકને માતાનું દૂધ પણ નસીબ ન થયું.
સરોજકુંવરે જન્મ આપેલા નવજાત શિશુને હાલ ધારપુર મેડિકલ કોલેજના બેબીકેર સેન્ટરમાં દેખરેખ હેઠળ રાખવામાં આવ્યો છે. બાળકનો કોરોના રિપોર્ટ આવ્યા બાદ પરિવારને સોંપવામાં આવશે.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત