Homeગુર્જર નગરીગુજરાતમાં કોરોનાના કેસને લઈ સતત પાંચમાં દિવસે રાહતના સમાચાર

ગુજરાતમાં કોરોનાના કેસને લઈ સતત પાંચમાં દિવસે રાહતના સમાચાર

Team Chabuk-Gujarat Desk: ગુજરાતમાં આજે પણ કોરોનાના કેસને લઈને રાહતના સમાચાર મળ્યા છે. છેલ્લા પાંચ દિવસથી કોરોનાના નવા કેસમાં સતત ઘટાડો થઈ રહ્યો છે અને ડિસ્ચાર્જ થનારા દર્દીઓની સંખ્યા વધી રહી છે. જેના કારણે એક્ટિવ કેસમાં પણ દિન પ્રતિદિન ઘટાડો થઈ રહ્યો છે. હોસ્પિટલમાં હવે બેડ ખાલી થઈ રહ્યા છે.

છેલ્લા પાંચ દિવસથી ગુજરાતમાં કોરોના કેસ મામલે રાહતના સમાચાર મળી રહ્યા છે. ગુજરાત કોરોનાના ખપ્પરમાંથી ધીમે ધીમે બહાર આવતું હોય તેવું આંકડા પરથી લાગી રહ્યું છે. દિવસે દિવસે કોરોના કેસનો ગ્રાફ ઘટી રહ્યો છે અને સાજા થનારા દર્દીઓની સંખ્યા સતત વધી રહી છે. આજે રવિવારે છેલ્લા 24 કલાકમાં 11 હજારથી વધુ કોરોના કેસ નોંધાયા છે જ્યારે 14 હજારથી વધુ લોકોએ કોરોનાને હરાવ્યો છે.

ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં 11,084 કોરોનાના નવા કેસ નોંધાયા છે અને 14,770 લોકોએ કોરોનાને હરાવ્યો છે. છેલ્લા 24 કલાકમાં કોરોનાના કારણે સરકારી ચોપડે 121 લોકોએ જીવ ગુમાવ્યો છે. ગુજરાતમાં છેલ્લા પાંચ દિવસથી નવા કેસની સામે ડિસ્ચાર્જ થનારા દર્દીઓની સંખ્યા વધી રહી છે. જેનાથી સરકારી તંત્ર અને રાજ્યની જનતા રાહતનો શ્વાસ લઈ રહી છે.

અમદાવાદમાં પણ નવા કેસમાં ઘટાડો

અમદાવાદ શહેરમાં પણ હવે દૈનિક કોરોના કેસનો આંકડો 3 હજારની નીચે આવી ગયો છે. અમદાવાદ શહેરમાં છેલ્લા 24 કલાકમાં રાજ્યના સૌથી વધુ 2883 કેસ નોંધાયા છે. અમદાવાદ શહેરમાં 18 લોકોના મોત થયા છે જ્યારે 6577 લોકોને સ્વસ્થ થતાં હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે. સુરત શહેરમાં છેલ્લા 24 કલાક દરમિયાન 839 કોરોનાના નવા કેસ સામે આવ્યા છે. સુરત શહેરમાં 1841 દર્દીઓને સાજા થતા હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ કરી દેવાયા છે. જ્યારે 7 લોકો મોતને ભેટ્યા છે. વડોદરા શહેરમાં બે દિવસથી કેસમાં નજીવો વધારો જોવા મળી રહ્યો છે. શુક્રવારે વડોદરા શહેરમાં 648 નવા કોરોનાના કેસ સામે આવ્યા હતા જ્યારે શનિવારે 710 નવા કેસ નોંધાયા હતા અને આજે રવિવારે 790 નવા કેસ નોંધાયા છે. વડોદરા શહેરમાં આજે 645 લોકોને ડિસ્ચાર્જ કરાયા છે અને 7 દર્દીના સારવાર દરમિયાન મોત થયા છે. રાજકોટ શહેરમાં છેલ્લા 24 કલાકમાં 351 નવા કોરોનાના કેસ નોંધાયા છે. 527 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છે જ્યારે 6 દર્દીના કોરોનાની સારવાર દરમિયાન મોત થયા છે.

એક્ટિવ કેસમાં ઘટાડો

રાજ્યમાં સાજા થનારા દર્દીઓની સંખ્યા સતત વધી રહી છે જેના કારણે હાલ કુલ 1,39,614 કોરોનાના દર્દીઓ સારવાર હેઠળ છે, જેમાંથી 786 દર્દીઓ વેન્ટીલેટર પર સારવાર લઈ રહ્યા છે જ્યારે 1,38,828 દર્દીઓની હાલત સ્થિર છે. રાજ્યમાં અત્યાર સુધી કોરોના વાઇરસના કારણે સરકારી ચોપડે 8394 મૃત્યુ નોંધાયા છે. અત્યાર સુધી રાજ્યમાં 5,33,004 લોકો કોરોનાને હરાવ્યો છે. છેલ્લા પાંચ દિવસથી નવા દર્દીઓની સરખામણીમાં સાજા થનાર દર્દીઓની સંખ્યા વધી રહી છે. આ સાથે રાજ્યનો રીકવરી રેટ 78.27 ટકાએ પહોંચ્યો છે.

રવિવારે રસીકરણ ધીમું પડ્યું

ગઈકાલ કરતાં આજે રવિવારે રાજ્યમાં રસીકરણ અભિયાન ધીમું પડ્યું છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 1,38,590 લોકોને રસીનો ડોઝ આપવામાં આવ્યો છે. રાજ્યમાં અત્યાર સુધીમાં 1,03,27,556 વ્યક્તિઓને રસીનો પ્રથમ ડોઝ અને 32,14,079 લોકોને રસીનો બીજો ડોઝ આપવામાં આવી ચુક્યો છે. આમ કૂલ 1,35,41,635 રસીના ડોઝ આપવામાં આવ્યા છે. રાજ્યમાં આજે 18 થી 44 વર્ષના કુલ 13,537 વ્યક્તિને રસીનો પ્રથમ ડોઝ આપવામાં આવ્યો હતો. જ્યારે 45થી વધુની ઉંમરના કુલ 24,886 લોકોને રસીને પ્રથમ અને 91,215 લોકોને રસીનો બીજો ડોઝ આપવામાં આવ્યો હતો.

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments