ઉત્સવ પરમાર : આપણને હંમેશા એમ થાય કે નાના હતા ત્યારે મજા હતી, મોટા થઈએ અને મજા નથી આવતી. આ બાબતે ઘણા દોસ્તો સાથે, વડીલો સાથે વાત થાય. ઊંડે ઊંડે વિચારું તો કૈક સમજ બને છે.
જ્યાં સુધી આપણે સાવ નાના હતા , એટલે કે કોઈ જાતની સ્કૂલ કે ટ્રેનિંગ નહોતી ત્યારે આપણું વિસ્મય અપાર હતું. આપણે વધુ પ્રાકૃતિક હતા. વધુ અનુભવવાદી હતાં. દરેક વસ્તુને સ્પર્શીને-અનુભવીને સમજવાની વૃત્તિ હતી.
આજે પણ તમે કોઈ પણ નાનું બાળક જુઓ, એ કૈક ને કૈક પકડવા હાથ હલાવતું હોય. એને જે દેખાય એ પકડવું હોય. મને લાગે છે ત્યારે જીવન કે દુનિયામાં કોઈ માપપટ્ટી નથી હોતી. તમારા નામ, અટક, દેશ, જાતિ, કાળની કોઈ સીમાઓ હજી તમારી અંદર પ્રવેશતી નથી. ધીમે ધીમે આપણાં મનમાં સીમાંકન શરૂ થાય છે.
જુઓ ABCDમાં 26 અક્ષરો હોય છે, એ 26 સીમા બની જાય છે, 27માં નો વિચાર અટકી જાય છે- એ કલ્પના પર ફૂલ સ્ટોપ. આખું જીવન અંગ્રેજી એ 26ની સીમામાં બાંધવાનું આપણે શરૂ કરીએ છીએ. સ્કૂલના કંપાસ બોક્સમાં ફૂટપટ્ટી આવતી. 12 સેમી કે 6 ઇંચની. મને એમ થાય કે જ્યારથી એ ફૂટપટ્ટી આવી ત્યારથી બધી લાઈનો અને આકૃતિઓ એ જ સીમામાં વિચારતા થયા કે જે એ 12 સેમીની ફૂટપટ્ટી માપવા સમર્થ હતી. એમ લાગે છે જેમ જેમ જ્ઞાન વધતું ગયું એમ એમ મર્યાદાઓ વધતી ગઈ.
સ્કૂલમાં ખાલી 10 કે 20 રૂપિયાની (હવે જો કે વધી હશે) પોકેટમનીનું જ મેનેજમેન્ટ કરવાનું હતું. એ 10 વાપરીએ- એ 10ની સીમામાં જેટલું ખરીદી શકાય એટલું લઈ લઈએ એટલે આપણને 100% ખર્ચ કર્યાનો આનંદ આવતો. 10 રૂપિયાનું મેનેજમેન્ટ સરળ હતું. તમે જુઓને 10માં ધોરણ સુધી આપણે બધા જ વિષયો ભણીએ છીએ અને જેમ જેમ આગળ વધીએ તેમ તેમ વિષયોનો વ્યાપ ઘટતો જાય છે.
ન્યૂરોલોજીસ્ટ અંગત રસ ના હોય તો ઈકોનોમી વિશે નથી જાણતો અને ફિલોસોફરને કેમેસ્ટ્રી વિશે નથી ખબર. ખંડ દર્શન ખૂબ થઈ જાય છે, અખંડ દર્શન થતું નથી. હાથીના પગ, પૂંછડી અને પગના નિષ્ણાત થઈ જવાય છે પણ આખો હાથી જોવાની દ્રષ્ટિ રહેતી નથી. બાળક તરીકે આપણે આખો હાથી જોઈ શકીએ છીએ.
જેટલું જાણતા જઈએ છીએ એટલી આપણી સીમાઓ વધતી જાય છે. દેશ, જાતિ, અટક, ક્લબની મેમ્બરશીપ, બ્રાંડેડ ડ્રેસ, ગિયર લેસ કાર, ફાર્મ હાઉસ……. સીમાઓ સીમાઓ સીમાઓ……! મને લાગે છે જ્ઞાનનો ઉપયોગ જાણવા માટે નથી, પણ જે અજ્ઞાત છે– જે આપણે નથી જાણતા તેની કલ્પના કરવા માટે છે. કેમ કે જેટલું જાણીશું એટલી સીમાઓ વધુ મજબૂત થશે, પણ સામે જે નથી જાણતા તેનો વ્યાપ
તો વધતો જ રહેવાનો છે. જે નથી જાણતા એ જ વ્યાપક છે, એ વ્યાપકનો ભાગ થવું એટલે જ પ્રકૃતિના ભાગ બનવું.
રિચર્ડ ફેયમાન સરસ કહે છે, કે નર્સરી કેજીમાં છોકરાઓ જે સવાલ પૂછે છે એટલા મૌલિક સવાલો 12માં ધોરણના વિદ્યાર્થી નથી પૂછતાં. આ બંને ધોરણ વચ્ચે જે ઘટના ઘટી રહી છે તે માનવ જાત માટે ચિંતાનો વિષય છે.
મોટા થઈએ ત્યારે સુંદરતાને માણવાનું આપણે ભૂલી જઈએ છીએ. જેવી સુંદરતા દેખાય કે તરત આપણે ફોટો પાડી એને ‘કેદ’ કરી લેવી છે. નાનપણમાં ક્યારેય ફોટો પાડવાનો વિચાર આવે છે? નાના બાળકોના હાથમાં ફોન હોય ત્યારે તે કેમેરા ફીચર વાપરે છે? મને ખ્યાલ છે ત્યાં સુધી તેઓ કૈક જોવાનું જ વધુ પસંદ કરે છે.
સુંદરતા માણવા માટે આપણે અધિકારભાવ ત્યાગી દેવો પડે. સુંદરતા અભિભૂત થવાની ક્ષણ છે. તમે કોઈ ઘટના,વસ્તુ, વ્યક્તિ કે વિચારથી અભિભૂત ક્યારે થાઓ? જ્યારે તમે તમારા અહંકારભાવથી મુક્ત થઈ જાઓ. અઘરું છે. પણ એવું કરવા લાગીશું તો પેલી ખિસકોલી અને ગરમાળો ફરી એવો જ ગમવા લાગશે. આજે રસ્તા પર બાઇક કે ગાડી ઊભું રાખીને જોઈ લેજો.
નાનપણ એ ભૂતકાળ નથી ,એ અહંકાર અને અધિકારભાવનું સીમા ચડેલું વર્તમાન છે. જેટલું જાણતા જાઓ એટલો આ ભાવ વધતો જાય, એટલું નાનપણ ખોવાતું જાય. એટલી કલ્પનાઓ ઓછી થતી જાય.
એક ખાલી જમીનનો જ વિચાર કરી લો ને , જ્યાં સુધી ત્યાં કોઈ જ બાંધકામ ના કરો ત્યાં સુધી એની પાસે અઢળક સંભાવનાઓ હોય છે, પણ જેવુ ત્યાં કોઈ મકાન બનવાનું નક્કી થાય. જમીન પર જાણકારી જેમ ઉમેરાતી જાય તેમ તેમ તેની સંભાવનાઓ ઓછી થતી જાય છે. બેડરૂમ અને બાથરૂમ ફિક્સ થઈ ગયા છે, કિચન અને લિવિંગ રૂમની સીમાઓ નક્કી થઈ ગઈ છે…..
એ ખાલી જગ્યા એ જ બાળપણ અને આ બનતું જતું મકાન એ જ મોટા થવું……..
**
તમારી પાસે કેટલા સ્ક્વેર ફૂટ જ્ઞાન છે??
(ઉત્સવ પરમાર IIS અધિકારી છે અને તેઓ ગુજરાતમાં મિનીસ્ટ્રી ઓફ ઇન્ફોર્મેશન અને બ્રોડકાસ્ટીંગના ડેપ્યુટી ડાયરેક્ટર છે. તેઓ અભ્યાસુ છે અને સાંપ્રત વિષયો પર અભ્યાસ કરીને સરળ શૈલીમાં માહિતી પીરસે છે.)
તાજેતાજો ઘાણવો
- 5 દિવસમાં આધારકાર્ડ અપડેટ કરાવી લેજો નહીં તો ચુકવવી પડશે ફી
- રેશનકાર્ડ ધારક ઘરેબેઠાં આ ત્રણ રીતે કરાવી શકશે KYC, જાણો પ્રક્રિયા
- સરકારી નોકરીયાતોને ઘી-કેળા ! આ તારીખથી વધી શકે છે મોંઘવારી ભથ્થુ
- ભરૂચઃ સાપે ડંખ માર્યો તો ભૂવા પાસે લઈ ગયા, ભૂવાએ તાંત્રિકવિધી કરી, બાળકનું મોત
- આધારકાર્ડમાં સરનામું અપડેટ કરાવવા નથી કોઈ દસ્તાવેજની જરૂર, આ છે પ્રક્રિયા