Homeગુર્જર નગરીવડોદરાવાસીઓને થશે રાહતઃ વલ્લભ યુથ ઓર્ગેનાઈઝેશન દ્વારા ચાર ઓક્સિજન પ્લાન્ટ શરૂ કરાયા

વડોદરાવાસીઓને થશે રાહતઃ વલ્લભ યુથ ઓર્ગેનાઈઝેશન દ્વારા ચાર ઓક્સિજન પ્લાન્ટ શરૂ કરાયા

Team Chabuk-Gujarat Desk: ઓક્સિજનની જરૂરિયાતની આપૂર્તિ કરવા માટે વડોદરામાં આજથી ચાર ઓક્સિજન પ્લાન્ટ શરૂ થયા છે. વલ્લભ યુથ ઓર્ગેનાઈઝેશન દ્વારા ગુજરાતમાં વિવિધ જગ્યાએ 18 ઓક્સિજન પ્લાન્ટ શરૂ કરવાની જાહેરાત કરાઈ છે ત્યારે આજે 4 ઓક્સિજન પ્લાન્ટ વડોદરા ખાતે કાર્યરત કરાયા છે. આ ઓક્સિજન પ્લાન્ટનું રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ગાંધીનગરથી ઇ-લોકાર્પણ કર્યું હતું.

આ ઇ-લોકાર્પણ પ્રસંગે મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ રાજ્ય સરકારના કોરોના સંક્રમણ નિયંત્રણ સારવારના સાચી દિશા અને સાચી નિયતના ઉપાયો તેમજ સેવા સંગઠનો તથા લોક સહયોગથી કોરોનાની બીજી લહેરને મહાત આપવાનો વિશ્વાસ દર્શાવતા જણાવ્યું કે, ગુજરાતને કોરોનાની આ બીજી લહેરમાંથી ઝડપથી બહાર આવનારુ પ્રથમ રાજ્ય  બનાવશું.

છેલ્લા 2 મહિનાથી રાજ્ય સરકાર સાચી દિશા અને નિયતથી કોરોના નિયંત્રણની કામગીરી કરી રહી છે જેને કારણે રાજ્યમાં ડિસ્ચાર્જ રેટ વધી રહ્યો છે અને પોઝિટિવિટી રેટ ઘટી રહ્યો છે અને એપ્રિલ મહિનામાં જે કેસો વધ્યા હતા તે સામે હવે પરિસ્થિતિ નિયંત્રણ તરફ જઈ રહી છે તેમ તેમણે ઉમેર્યું હતું.

મુખ્યમંત્રી વિજય રૂપાણીએ વડોદરા ખાતે વલ્લભ યુથ ઓર્ગેનાઈઝેશન દ્વારા 1.28  કરોડના ખર્ચે વડોદરાની ચાર હોસ્પિટલો માટે નિર્મિત ચાર નવા ઓક્સિજન પ્લાન્ટનું ગાંધીનગરથી ઇ-લોકાર્પણ કરતી વખતે કહ્યું કે, ગુજરાતની હોસ્પિટલોમાં ઓક્સિજનનો સતત અવિરત અસ્ખલિત પુરવઠો આપી રહ્યા છીએ. ઓકસિજનના અભાવે રાજ્યમાં ક્યાંય કોઈને જીવ ગુમાવવો પડે નહીં તેવી સ્થિતિ ઊભી કરી છે.

સરકાર માર્ચ મહિનાથી જ કોરોનાની બીજી લહેર સામે લડવા કામે લાગી ગઈ હતી. બે મહિનામાં હોસ્પિટલમાં એક લાખ બેડ, 1100 ટન ઓક્સિજન સપ્લાય, 7 લાખ  રેમડેસિવિર ઇન્જેક્શન અને અન્ય આવશ્યક દવાઓની આપૂર્તિ માટે સરકારના પરિણામલક્ષી પ્રયત્નો ફળીભૂત થયા છે તેમ તેમણે ઉમેર્યું હતું.

વિજય રૂપાણીએ કહ્યું કે, કોરોનાની સંભવિત ત્રીજી લહેર સામે સજજતાની પણ રાજ્ય સરકાર પૂર્વ તૈયારીઓ આરંભી દીધી છે. આવતીકાલે સોમવારે રાજ્યના ટાસ્ક ફોર્સના તબીબો, વૈજ્ઞાનિકો, બાયોટેકનોલોજીના તજજ્ઞો અને ઉચ્ચ અધિકારીઓ સાથે કોર કમિટીની મહત્વપૂર્ણ બેઠકનું તે માટે આયોજન કરવામાં આવ્યું છે.

તેમણે કહ્યું કે, કપરા કાળમાં ગુજરાતની અનેક સામાજિક, ધાર્મિક સંસ્થાઓ અને શ્રેષ્ઠીજનોએ આગળ આવી સરકાર સાથે ખભે ખભા મિલાવી કામ કર્યું છે. વલ્લભ યુથ ઓર્ગેનાઈઝેશને ગુજરાતમાં 18 ઓક્સિજન પ્લાન્ટ ઉભા કરવાનો સંકલ્પ કરી જનસેવાનું ઉદાહરણ પૂરું પાડ્યું છે અને અન્યો માટે પ્રેરણા રૂપ બન્યા છે.

તેમણે ઉમેર્યું કે, કોરોના જેવી મહામારી સદીમાં એક વાર આવતી હોય છે. રાજ્ય સરકારે છેલ્લા બે મહિનાથી બધા જ સંસાધનો કોરોના સામે લડવાની એક જ દિશામાં કેન્દ્રિત કર્યા છે. આવી કપરી સ્થિતિમાં હતાશ- નિરાશ થયા વગર સૌ સંગઠિત થઈ સામૂહિક લડાઈ લડે ત્યારે વિજયની શક્યતા વધી જતી હોય છે.

મુખ્યમંત્રી દ્વારા ઇ-લોકાર્પિત અને વલ્લભ યુથ ઓર્ગેનાઈઝેશન દ્વારા 1.28 કરોડના ખર્ચે નિર્મિત ચાર ઓક્સિજન પ્લાન્ટ એસ.એસ.જી. હોસ્પિટલ, ગોત્રી હોસ્પિટલ, વ્રજધામ કોવિડ સેન્ટર અને નરહરિ હોસ્પિટલ ખાતે દર્દીઓની સારવારમાં ઉપયોગી થશે.

આ પ્રસંગે વલ્લભ યુથ ઓર્ગેનાઈઝેશનના પ્રણેતા વ્રજરાજકુમારજી ગોસ્વામીએ કહ્યું કે, વિજય રૂપાણીની આગેવાનીમાં ગુજરાત સરકાર જનતાની સુરક્ષા માટે દિન રાત જહેમત ઉઠાવી રહી છે અને વહીવટીતંત્ર પણ પૂરી સંવેદનશીલતા સાથે કામ કરી રહ્યું છે.

વ્રજરાજકુમારજી ગોસ્વામીએ શ્રીકૃષ્ણએ ગોવર્ધન પર્વત ઉપાડ્યાના પ્રસંગનો ઉલ્લેખ કરી કહ્યું કે, જેમ વ્રજ ભક્તો-ગોવાળોએ અતિવૃષ્ટિની આપદામાં શ્રીકૃષ્ણને લાકડી વડે ટેકો આપ્યો તેમ સમાજના શ્રેષ્ઠીઓ સેવાભાવી સંગઠનો અને ધાર્મિક સંસ્થાઓ આ મહા આપદામાં સાથે મળી સરકારી તંત્રને ટેકો આપે તે સમયની માંગ છે.

આ પ્રસંગે વડોદરાના મેયર કેયુર રોકડિયા, સાંસદ રંજન ભટ્ટ, ભાજપ અધ્યક્ષ ભાર્ગવ ભટ્ટ, ડો. વિજય શાહ, ધારાસભ્ય જીતુભાઇ સુખડિયા, સીમાબેન, અલ્પેશ લીમ્બાચીયા, નાયબ મેયર નંદાબેન જોશી, સ્ટે. કમિટિ ચેરમેન ડો. હિતેન્દ્ર પટેલ,  ઓ.એસ.ડી. વિનોદ રાવ, કલેકટર શાલિની અગ્રવાલ, પોલીસ કમિશનર સમશેરસિંહ, મ્યુનિસિપલ કમિશનર પી. સ્વરૂપ, દાતા શ્રેયાંશ શાહ, ડો. દર્શન બેંકર અને વી.વાય.ઓ.ના કાર્યકરો જોડાયા હતા.

add

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments